________________
૯૪
અમૃત-સમીપે ધર્માભ્યાસી શ્રી મોતીચંદભાઈ ગિરધરલાલ કાપડિયા, સુપ્રસિદ્ધ પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજયજી જેવા વિખ્યાત વિદ્વાનોની પસંદગી કરવામાં આવી છે.
છેલ્લાં કેટલાંક વર્ષથી આ સુવર્ણ ચંદ્રકની યોજના બંધ પડી હતી, તે ગયા વર્ષે ચાલુ કરવામાં આવી, અને એ માટે પંડિતવર્ય શ્રી બેચરદાસ જીવરાજ દોશી, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા, ડૉ. ભોગીલાલભાઈ જે. સાંડેસરા અને શ્રી ગુલાબચંદ લલ્લુભાઈ શાહ – એ ચાર સભ્યોની સુવર્ણચંદ્રક–સમિતિ રચવામાં આવી. આ સમિતિએ વિ. સં. ૨૦૧૩નો સુવર્ણચંદ્રક અર્પણ કરવા માટે સર્વાનુમતે પંડિતવર્ય શ્રી લાલચંદભાઈના નામની ભલામણ કરી છે.
પંડિત શ્રી લાલચંદભાઈનું મૂળ વતન સૌરાષ્ટ્રમાં ગોહિલવાડ જિલ્લાનું દાઠા ગામ, પણ એમનું કાર્યક્ષેત્ર છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાતની વિદ્યા, સંસ્કાર અને કળાની ભૂમિ તરીકે વિખ્યાત વડોદરા શહેર. દાઠા જેવા નાના-સરખા ગામમાં એક સામાન્ય સ્થિતિના કુટુંબમાં વિ. સં. ૧૯૫૦ના શ્રાવણ વદિ ૭ ને ગુરુવાર (તા. ૨૩-૮૧૮૯૪)ના રોજ એમનો જન્મ થયો હતો. એમના માતુશ્રીનું નામ નંદુબહેન. જ્ઞાતિ વસાશ્રીમાળી વણિક. ધર્મ તેઓ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને. માત્ર સાત જ વર્ષની ઉંમરે પિતાશ્રીનો સ્વર્ગવાસ થતાં કુટુંબ શિરછત્ર વગરનું બની ગયું. પણ માતાએ દુઃખને અંતરમાં સમાવીને કુટુંબની સાચવણી અને સંતાનોના ઉછેરમાં પોતાનો બધો યોગ લગાવી દીધો. પંડિતજીને પિતાનું સુખ તો ન મળ્યું, પણ માતાની છત્રછાયા જીવનની અરધી સદી સુધી મળતી રહી; વિ. સં. ૨૦૦૦માં નંદુબહેન સ્વર્ગવાસી થયાં.
શ્રી લાલચંદભાઈએ ગુજરાતી સાત ધોરણ સુધીનો અભ્યાસ પોતાના વતન દાઠામાં જ કર્યો. એક નાના ગામમાં અને સામાન્ય કુટુંબમાં જન્મેલ લાલચંદનું ભાવિ હાટડી ચલાવવાનું કે વેપારીના વાણોતર થવાનું ન હતું. પિતાજીનો વ્યવસાય પણ શિક્ષકનો હતો, એટલે નાનપણથી જ વિદ્યા તરફ કંઈક વિશેષ અભિરુચિ હતી, અને એમાં સરસ્વતીની કૃપાનો ભાગ્યયોગ ભળ્યો. માત્ર ચૌદ જ વર્ષની ઉંમરે તેઓ વિદ્યાના ઉપાસક બનીને, વિખ્યાત વિદ્યાતીર્થ કાશીમાં શ્રી વિજયધર્મસૂરિજીએ સ્થાપેલ પાઠશાળામાં દાખલ થઈ ગયા. છ-સાત દાયકા પહેલાના એ સમયમાં તો કાશી એ તો દેશ-નિકાલ જેટલું દૂર લેખાતું અને પંડિતોની લોકકથાઓમાં એનું નામ લેવાતું. પોતાનો પુત્ર આટલે દૂર દેશાવર પંડિત બનવા જાય એમાં લાલચંભાઈના માતુશ્રીની પ્રેરણા, હિંમત અને પુત્રના હિતની કામના મુખ્ય હતી એમ કહેવું જોઈએ.
કાશીમાં વિ. સં. ૧૯૬૪થી ૭૨ સુધી આઠ વર્ષ રહીને લાલચંદભાઈએ ખંત, ચીવટ અને ધીરજપૂર્વક સંસ્કૃત-પ્રાકૃત ભાષા, વ્યાકરણ, કોશ, કાવ્ય, ન્યાય વગેરે વિષયોનો અભ્યાસ કર્યો; સાથે-સાથે પ્રાચીન ગ્રંથોના સંશોધન-સંપાદનનો અનુભવ પણ મેળવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org