________________
પ્રો. હીરાલાલભાઈ કાપડિયા પોતાની તેજસ્વી બુદ્ધિ, પરિશ્રમશીલતા અને ખંત વગેરે ગુણોને કારણે એવી સફળતા મેળવી કે જેથી કામા પ્રાઇઝ તથા બીજી છાત્રવૃત્તિ મળવાને કારણે એમની કારકિર્દી ઝળકી ઊઠી. પણ એમની જ્ઞાનપિપાસા આટલા અભ્યાસ અને આવી સફળતાથી સંતુષ્ટ થવાને બદલે વધારે તીવ્ર બની ગઈ. એટલે ગણિત જેવો શુષ્ક અને અઘરો વિષય લઈને સને ૧૯૧૮ની સાલમાં એમણે એમ. એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી.
પણ હવે કેવળ વધુ અભ્યાસમાં સમય વિતાવવાને બદલે વિદ્યાનું વિતરણ કરવાની સાથોસાથ પોતાના જ્ઞાનમાં ઉમેરો-વધારો કરતાં રહેવાનો સમય પાકી ગયો હતો ; ઉંમર પણ એક પચીશીની લગોલગ પહોંચી હતી. એ રીતે વિદ્યાઉપાર્જનનો કાળ પૂરો થયો હતો અને કાર્ય કરવાનો કાળ શરૂ થયો હતો. છતાં શ્રી હીરાલાલભાઈ જીવનભર નવું-નવું જાણવાની ઇચ્છા ધરાવનાર વિદ્યાર્થી તો રહ્યા જ.
એમના વિદ્યાવિતરણના કાર્યની શરૂઆત એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તરત જ થઈ હતી. મુંબઈની વિલ્સન કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે એમની નિમણુક થઈ હતી. ત્યાં પાંચેક વર્ષ સુધી કામ કર્યા પછી તેઓએ બીજી-બીજી કૉલેજોમાં અધ્યાપક તરીકે સફળ કામગીરી બજાવી હતી. સને ૧૯૨૩માં જૈન ગણિતને લગતું સંશોધન કરવાની એમને ગ્રાન્ટ મળી હતી, અને એ કામ એમણે ટૂંક સમયમાં જ પૂરું કર્યું હતું. * વચગાળાના કોઈક સમયે એમને સ્વ. આચાર્યશ્રી વિજયધર્મસૂરિજી કાશીવાળોનો ખૂબ નિકટનો પરિચય થયો. આ પરિચયનો એમના જીવન ઉપર એવો ઘેરો પ્રભાવ પડ્યો કે જેથી એમની ધર્મની આસ્થામાં અને જ્ઞાનોપાસનાની દિશામાં પરિવર્તન આવી ગયું. આ પરિવર્તનને લીધે તેઓ જૈનધર્મના અનુરાગી અને અનુયાયી બની ગયા, અને એમની વિદ્યાસાધનામાં જૈનવિદ્યાના અધ્યયનસંશોધનને મહત્ત્વનું સ્થાન મળવા લાગ્યું – તે એટલે સુધી કે એમનાં મોટા ભાગનાં પુસ્તકો જૈન વિદ્યાના કોઈ ને કોઈ વિષયને લગતાં રહ્યાં, અને એમની ગણના આ સદીના આગળ પડતા જૈન વિદ્વાનોમાં થાય છે !
સંસ્કૃત-પ્રાકૃત ભાષા તથા જૈન સાહિત્યના અભ્યાસ માટે તેઓએ આચાર્યશ્રી વિજયધર્મસૂરિજીના બે વિદ્વાન શિષ્યો પ્રવર્તક શ્રી મંગળવિજયજી તથા ન્યાયવિશારદ ન્યાયતીર્થ મુનિરત્ન શ્રી ન્યાયવિજયજીને પોતાના વિદ્યાગુરુ તરીકે સ્વીકાર્યા હતા. આ બધાને પરિણામે પ્રો. હીરાલાલભાઈ જૈન સાહિત્ય અને વિદ્યાના એક અધિકૃત જ્ઞાતા લેખાતા થયા. શ્રી વિજયધર્મસૂરિજી સાથેના આ સંપર્ક એમના કાર્યને નવો અને ઘણો આવકારપાત્ર વળાંક આપ્યો હતો એમ કહેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org