________________
શ્રી સી. ડી. દલાલ
૭૯ શ્રી દલાલની પહેલાં શ્રી ભૂલર જેવા પશ્ચિમના તેમ જ ડૉ. ભાંડારકર, શ્રી મણિલાલ નભુભાઈ જેવા ભારતીય વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું હતું. પણ એમનું એ કાર્ય અમુક મર્યાદામાં જ સીમિત રહ્યું હતું, જ્યારે શ્રી ચીમનભાઈની કામગીરીએ વિશાળ ક્ષેત્રને આવરી લીધું હતું.
એમણે પોતાનો જે અહેવાલ તૈયાર કર્યો, એના ઉપરથી વિરલ ગ્રંથોને પ્રકાશિત કરવાનો વિચાર ઉદ્ભવ્યો; અને એ વિચારે ગાયકવાડ પ્રાચ્યવિદ્યા ગ્રંથમાળાને જન્મ આપ્યો. પણ આ તો જાણે શ્રી ચીમનભાઈની ચિરંજીવી અને બહુ ઉપકારક કામગીરીની શરૂઆત જ હતી.
પછી તો એ ગ્રંથમાળા માટે સંશોધનની વૈજ્ઞાનિક પદ્ધતિ મુજબ પ્રાચીન સંસ્કૃત વગેરે ભાષાના વિવિધ વિરલ ગ્રંથોના સંશોધનનો સવાલ આવ્યો. એ કામ ધૂળધોયા જેવું : કરવાનું ઘણું-ઘણું અને મેળવવાનું સાવ ઓછું ! પણ આ સરસ્વતીપુત્રના અંતરમાં સરસ્વતીની પ્રત્યક્ષ સેવાનો અદમ્ય ઉત્સાહ ભર્યો હતો; તે આવો આવ્યો અવસર કેમ જવા દે? અને સંશોધન-સંપાદનની ભારે અટપટી આવડત કે કળા તો જાણે એમને જન્મથી જ સાંપડી હતી ! જરા ય વિલંબ વગર તેઓ એ કામમાં ગૂંથાઈ ગયા. અને થોડા જ વર્ષોમાં એકવીસ જેટલા પ્રાચીન અને કઠિન ગ્રંથોનું સંપાદન કરીને એની પ્રેસકોપીઓ એમણે તૈયાર કરી આપી!
આ એકવીસ ગ્રંથોનાં વિષય અને નામ તો જુઓ : પહેલો જ મણકો રાજશેખરનો અલંકારશાસ્ત્રનો સુપ્રસિદ્ધ ગ્રંથ “કાવ્યમીમાંસા', પછી ત્રણ ઐતિહાસિક-પૌરાણિક કાવ્યો, એક વ્યાકરણનો ગ્રંથ, એક મહાભારતના વસ્તુના આધારે રચાયેલ નાટક, એક ઐતિહાસિક નાટક, સાત રૂપકો, એક ચમ્પ, ત્રણ ઘશનિક ગ્રંથો, એક પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, એક રાજકીય અને ખાનગી દસ્તાવેજોના નમૂનાઓનો રસિક સંગ્રહ : “લેખપદ્ધતિ', અને એક પ્રસિદ્ધ અપભ્રંશ મહાકથા! એમાંના કેટલાક ગ્રંથો તો એમના સ્વર્ગવાસ પછી પ્રગટ થઈ શક્યા હતા ! આટલી નાની ઉંમરમાં અને અડધા દાયકા જેટલા ટૂંકા ગાળામાં તેઓ આટલું બધું કામ શી રીતે ખેંચી શક્યા હશે, એ બીના સાચે જ હેરત પમાડે એવી છે. એમની આટલી વ્યાપક અને તલસ્પર્શી કારકિર્દી જોઈને કોઈ એમનું અવસાન ૩૮ના બદલે ૮૩ વર્ષે થયું હતું એમ માનવા પ્રેરાય તો નવાઈ નહીં
ગુજરાતમાં સંસ્કૃત-પ્રાકૃતના સંશોધન-ક્ષેત્રે તો શ્રી ચીમનભાઈ સમર્થ પુરોગામી બની ગયા; એમની કારકિર્દી કોઈ પણ વિખ્યાત અને યશસ્વી પુરોગામી કરતાં જરા ય ઓછી ઊતરતી ન હતી. એ માટે ગુજરાત અને પ્રાચ્યવિદ્યા એમની ચિરકાળપયત ઓશિંગણ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org