________________
૭૫
જૈન ફિરકાઓની એકતા : ૩ તે પહેલાં જ, અંદરઅંદરના વિચારવિનિમય અને પ્રયત્નથી એનું નિરાકરણ થઈ જાય એવું કંઈક કાયમી વ્યવસ્થાતંત્ર ઊભું કરવું જોઈએ. આ કામ પણ ઠીકઠીક મુશ્કેલીથી ભરેલું હોવા છતાં, જો અમારું નિદાન સાચું હોય, તો અત્યારનું વાતાવરણ અને આપણી મનોવૃત્તિ આ માટે પહેલાંના કોઈ પણ સમય કરતાં વધારેમાં વધારે અનુકૂળ છે; એનો લાભ લઈને આ માટે પણ સમર્થ પ્રયત્ન કરવો જોઈએ.
દરેક ફિરકો પોતે અંદરથી સંગઠિત ન હોય, તો બધા ફિરકાનું સંગઠન જોઈએ તેવું મજબૂત ન બની શકે એ વાત સાચી છે. પણ આપણા ફિરકાઓની સૈકાજૂની તાસીર જોતાં દરેક ફિરકામાં કંઈક ને કંઈક આંતરિક વિક્ષેપો તો ચાલુ રહેવાના જ. એટલે એ આંતરિક મતભેદો દૂર થાય ત્યાં સુધી એકતાના વિચારને અમલી રૂપ આપવાનું મોકૂફ રાખીએ, તો તો આપણે અનંતકાળ સુધી રાહ જ જોતાં રહેવું પડે. તેથી, એવી રાહ જોવામાં કાળક્ષેપ કરવાને બદલે, દરેક ફિરકાની આંતરિક એકતા અને બધા ફિરકાઓની વ્યાપક એકતા સાધવા માટેના પ્રયત્નો સાથોસાથ ચાલતા રહે એ જ અમને સાચો અને વ્યવહારુ માર્ગ લાગે છે. અમને તો એમ પણ લાગે છે, કે એકતા માટે આ રીતે બે-તરફી પ્રયત્નો ચાલુ રાખવામાં આવે તો એ બંને પ્રયત્નો એકબીજાને આગળ વધારનારા પણ બની શકે. પરિણામે એકતાને સિદ્ધ કરવાનું આપણું ધ્યેય વધુ નજીક આવવાનું.
એક વાત આપણે સમજી લેવી ઘટે, કે રાષ્ટ્રીય, સામાજિક કે ધાર્મિક કોઈ પણ એકતાની વાત એ કંઈ કોરા કાગળ ઉપર મનગમતા રંગોથી મનગમતું ચિત્ર દોરવા જેવી સાદી કે સહેલી વાત નથી. આ વાત તો રંગરોગાનના સૈકાજૂના થરોને લીધે જામી ગયેલ બેહૂદાપણાને દૂર કરીને એના ઉપર સુભગ ચિત્ર દોરવા જેવું કઢંગું અને બહુ મુશ્કેલ કામ છે. પણ એ કામનું પરિણામ સર્વકલ્યાણકારી જ આવવાનું છે – એ હકીકત આવા મુશ્કેલ કાર્યને હાથ ધરવાની પ્રબળ પ્રેરણા આપે છે. વળી આમાં કામ સંપૂર્ણ થાય તો જ લાભ મળે એવું પણ નથી; આ તો “નાહ્યા એટલું પુણ્ય' એવું ઉપકારક કામ છે. ધર્મના નામે કે બીજા કોઈ પણ નામે માનવ-માનવી વચ્ચે ઊભી કરવામાં આવેલી ભેદભાવની દીવાલોને દૂર કરવાથી વધારે પવિત્ર કોઈ કામ નથી. એ કામ જેટલા અંશે થાય એટલો લાભ જ છે.
આવું કામ સ્વખઘેલા કે મનોરથમસ્ત ભાવનાશીલ માનવીઓ જ કરી શકે છે; બુદ્ધિના ગજથી પરિણામનું ધૂળ માપ કાઢીને આગળ વધવાની વૃત્તિવાળાઓનું આ કામ નથી. એમને તો એમાં પગલે-પગલે મુશ્કેલીઓ, જોખમો અને ક્યારેક તો ગેરલાભ પણ દેખાવાના. આ તો હૃદયની ચોટનું મૂલ્ય આંકી જાણનાર દિલાવર, મૈત્રીઘેલા, સ્નેહદીવાના માનવીઓનું કામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org