________________
જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૨
૪૬૧
વિશેષ ચિંતાજનક વાત તો એ બની છે, કે નવી પેઢીના દિલમાં સુધારાનો આ આતશ જરા ય જલતો હોય એવાં કોઈ એંધાણ આજે જોવા મળતાં નથી. જાણે દેશની આઝાદી આવી, ક્રાંતિના મહાન સર્જક મહાત્મા ગાંધીજી ગયા અને આપણે સૌ પાછા રૂઢિચુસ્તતાની ગુલામીના માર્ગે પારોઠનાં (ઊલટાં) પગલાં ભરવા માંડ્યાં !
આ બધું હોવા છતાં, અમને ચોક્કસ લાગે છે કે જોશની સાથે હોશ અર્થાત્ ઠરેલપણાની મર્યાદા જળવાય તે સંજોગોમાં જેમ આપણાં યુવક-યુવતીઓ પોતાનો સાથી પસંદ ક૨વાનું કામ વડીલો પાસેથી પોતાના હાથમાં લે તે ઇષ્ટ છે, એ જ રીતે, પોતાનાં લગ્ન કેવી રીતે થવાં જોઈએ એનો માર્ગ પણ તેઓ પોતાની મેળે નક્કી કરી શકે. અને ઠરેલપણાને લીધે જો એમનો આ નિર્ણય લગ્નના રિવાજને ખૂબ બિનખર્ચાળ ક૨વાની દિશામાં પ્રયાણ કરવાનો હોય તો તેથી સમાજના બંધારણને કોઈ પણ જાતનું નુકસાન થવાનો ભય નથી; ઊલટું, એથી સમાજ શક્તિશાળી થવાનો છે.
ગમે તેમ પણ, સમાજને વેરવિખેર બની જતો અટકાવીને એને સુગઠિત રાખવા માટે, તેમ જ આપણી અત્યારની અને ભવિષ્યની ઊગતી પેઢીને પૂરતું શિક્ષણ અને પોષણ આપીને શક્તિશાળી બનાવવા માટે ખર્ચાળ રીત-રિવાજોથી આપણે મુક્તિ મેળવવી જ પડશે; અને સમાજસેવાનું આ કાર્ય આપણાં યુવક-યુવતીઓ સિવાય બીજાથી થઈ શકે એવી અમને બહુ ઓછી આશા છે.
આ સવાલ કોઈ એક વ્યક્તિનો અંગત સવાલ નથી, પણ આખા સમાજને સ્પર્શતો પ્રશ્ન છે.
એક દૃષ્ટાંત
લગ્નોના વધી ગયેલા આર્થિક ભારણને દૂર કરવા માટે જેની ખૂબ-ખૂબ જરૂર છે, એવા એક સાદા અને બિનખર્ચાળ લગ્નોત્સવની નોંધ લેવા માટે અમે આ લખીએ છીએ.
(તા. ૯-૨-૧૯૫૭)
મૂળ કચ્છના વતની અને અત્યારે ખંડવામાં રહેતા, ત્યાંના કૉંગ્રેસી કાર્યકર્તા શ્રી. રાયચંદ પીતાંબર નાગડાના પુત્ર પ્રફુલ્લનાં લગ્ન આકોલાવાળા શ્રી. મેઘજી ઘેલાભાઈની પુત્રી વિમળા સાથે તાજેતરમાં સાવ સાદાઈ સાથે કરવામાં આવ્યાં. આ લગ્નોત્સવમાં જાનમાં સ્ત્રીઓ સહિત ૮થી ૧૦ વ્યક્તિઓ હતી. સામૈયું, વરઘોડો, મામેરુ, ચાંલ્લો, ભેટ વગેરે બધું બંધ રાખવામાં આવ્યું હતું, અને લગ્નની કુમકુમપત્રિકા પણ હાથે લખીને મોકલવામાં આવી હતી. મોટો લગ્નમંડપ, રોશનીનો ભપકો, મોટો જમણવાર વગેરે કશો આડંબર આ લગ્નમાં કરવામાં આવ્યો ન હતો. આવા લગ્નોત્સવની નોંધ લેતાં અમને ખરેખર, આનંદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org