________________
સ્વતંત્ર ભારત : શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૭
ઇન્કમટેક્ષવાળો તો દિવસે-દિવસે આગેકદમ કરવામાં જ માને છે, તો રેલ્વે સામાનના નૂરવાળો કહેશે : “હું શા માટે પાછળ રહી જાઉં ?’
ગોળ-ખાંડનું સરખું ચાલતું હતું, તેમાં ગોળમાં પ્રાદેશિક સરકારે એવી ઘાલમેલ (નાકાબંધી) કરી કે ગોળ એ ગરીબના ગજા બહારની વાત બની ગઈ, અને ખાંડમાં અન્ન અને ખેતીવાડીના પ્રધાનશ્રીએ એવો ઘોંચપરોણો કર્યો અને એવી બેકાળજી રાખી કે જ્યાં ખાંડને માટે કોઈને કશી ચિંતા ન હતી – અરે, હજારો ટન પરદેશ નિકાસ કરવાની વાતો થતી હતી – ત્યાં આજે ખાંડ ઉ૫૨ અંકુશ મૂકવાની તૈયારી થવા લાગી છે; અમુક અંશે તો એ મુકાઈ પણ ગયો છે. ભારે કરામતી છે આ અન્ન અને ખેતીઉત્પાદનનું ખાતું અને એના પ્રધાનશ્રી : ઘડીકમાં પાર વગરની છત અને ઘડીમાં જીવલેણ અછત !
આ રીતે બધી બાબતોમાં ખર્ચ વધતો રહે તો પછી બધાં ય ખાતાંની તેમ જ પ્રજાજીવનની જીવાદોરી સમા અનાજના ભાવો કાબૂમાં રહે એ કેવી રીતે બની શકે ? છેલ્લા બજેટ વખતે અને એ પહેલાં પણ જીવનની જરૂરિયાતની ચીજોના ભાવો અંકુશમાં રાખવાની કેવી મોટી-મોટી વાતો આપણા સરકારી બડેખાંઓએ કરી હતી !
પણ જેમને પોતાના બોલની કે પોતાના નિર્ણયની કિંમત ન હોય અને અભી બોલા અભી ફોક' કરીને પણ જેઓ કેવળ પોતાની સત્તાને ટકાવી રાખવામાં જ મશગૂલ હોય, તેઓ દ્વારા આ ભાવવધારાનું વિષચક્ર આગળ વધતું અટકશે એવી આશા પણ કેવી રીતે રાખી શકાય ? અનાજમાં અને જીવનની જરૂરિયાતની બીજી ચીજોમાં પેસી ગયેલો ૧૦-૧૨-૧૫ કે ૨૦ ટકા સુધીનો ભાવવધારો સામાન્ય નાગરિકને કેટલો ભીંસી રહ્યો છે એની પીડા અનુભવનાર પ્રધાન તો આપણને મળે ત્યારે ખરો.
અને આ પીડા ઓછી હોય તેમ પ્રજા ઉપર ‘ફરજિયાત બચત યોજના' લાદી દેવામાં આવી ! આ યોજનાનું મૂળ નામ ‘કંપલસરી ડિપોઝીટ સ્કીમ' છે; એનો અનુવાદ ફરજિયાત બચત યોજના' જેવા મોહક શબ્દોથી કરવામાં આવે છે તે બરાબર નથી. એનો સાચો અર્થ ‘ફરજિયાત (સરકારને ત્યાં મૂકવાની) થાપણ યોજના' એવો સમજ્યો. એટલે કે તમારું પૂરું થાય કે ન થાય, તમે ગમે તેમ કરીને પૈસા બચાવીને સરકારને ઉછીના આપો ! પણ સંતાનોના પોષણ કે શિક્ષણને માટે અથવા તો કુટુંબની તબીબી સા૨વા૨ માટે કે એવા જ કોઈ અણધાર્યા પ્રસંગે, જ્યાં મોટા ભાગના પ્રજાજનોનો ઘરવ્યવહાર ફરજિયાત ઉધાર-યોજનાથી નભતો હોય, ત્યાં આ વિચિત્ર યોજના એને કેટલી બધી ગળે ચેપો દેનારી નીવડવાની છે ! પણ, ધીમે-ધીમે આપણા પ્રધાનો સ્વછંદી રાજાઓ જેવા બનતા જતા હોય ત્યાં એમના ધ્યાનમાં પ્રજાની આ મુસીબત કેવી રીતે આવે ? એમનો તો અત્યારે એક જ મંત્ર બની ગયો છે : લાવ, લાવ અને લાવ !
Jain Education International
For Private & Personal Use Only
૪૩૯
www.jainelibrary.org