________________
સ્વતંત્ર ભારતઃ શિક્ષણ, વિકાસ અને રાજકારણ : ૨
૪૧૯
કરેલા દાખલાઓ સુધ્ધાં એને ચેતવી કે શરમાવી શકવામાં નિષ્ફળ નીવડે છે. આટલી હદે એ પક્ષ ધૃષ્ટ અને રીઢો બની ગયો છે! ભયંકર વાત તો એ છે કે દેશના હિત કરતાં પક્ષના હિતને વધારે મહત્ત્વ આપવાનું તો જાણે ઘણાં વર્ષોથી શરૂ થઈ ગયું હતું; પણ હવે તો સ્વાર્થપરાયણતા એવી છેલ્લા પાટલે જઈ બેઠી કે જેથી પક્ષના હિત કરતાં ય માથાભારે વ્યક્તિઓ પોતાના અંગત હિતને જ ખૂબ મહત્ત્વ આપવા લાગી છે.
પણ આ ઉપરથી રખે કોઈ માની લે કે આ સ્વરાજ્ય આવ્યું એ નકામું છે, અને અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા ગયા તે ખોટું થયું છે. અંગ્રેજો ચાલ્યા ગયા – એમની ગુલામી આપણે દૂર ફગાવી દીધી – એ તો આપણે ચાલીસ કરોડની મહાન પ્રજાના માથેથી મોટું કલંક દૂર કરવા જેવું પવિત્ર, અસાધારણ અને શકવર્તી કાર્ય કર્યું છે.
આ સ્વરાજ્ય તો આપણા દેશની પ્રજાના લગભગ એક દાયકાની () આકરી તપસ્યાનું ફળ છે; નવા પ્રાણ આવવા બરાબર મંગલકાર્ય છે. એટલે આપણા સ્વરાજ્યને કે આપણા પ્રજાસત્તાક રાજ્યતંત્રને વગોવવાની, છે એનું મૂલ્ય ઓછું આંકવાની કે એની અવગણના કરવાની મુદ્દલ જરૂર નથી. અત્યારની અરાજકતા કે અવ્યવસ્થાથી અકળાઈને જે કોઈ સ્વરાજ્યને દૂર કરવાનો વિચાર, પ્રચાર કે આચાર કરશે એ કેવળ દેશદ્રોહનું જ કાર્ય કરશે, એમાં શક નથી. કારણ કે, શું આધ્યાત્મિક ક્ષેત્રે કે શું વ્યાવહારિક ક્ષેત્રે, સ્વરાજને તોલે આવી શકે એવી બીજી કોઈ વસ્તુ જ નથી. સ્વ-રાજ્ય નથી તો સ્વ પણ રૂંધાઈ જાય છે અને રાજ્ય પણ રૂંધાઈ જાય છે, અને સ્વરાજ્યના ઉદયમાં એ બંનેનો ઉત્કર્ષ થાય છે.
આવા ઉત્કર્ષનો હજારો વર્ષોમાં ન મળ્યો હોય એવો અદ્વિતીય અવસર આપનાર પંદરમી ઑગસ્ટનો દિવસ તો ભારતવાસીઓને માટે પરમ પવિત્ર અને સદાસ્મરણીય દિવસ છે. એ દિવસને આપણે દિલથી સલામ કરીએ, અને, પ્રથમ તો, સ્વરાજ્યને સુરાજ્યમાં પલટાવવાના ભગીરથ કાર્યમાં આપણો સંપૂર્ણ સાથ અને સહકાર આપવાનો સંકલ્પ કરીએ.
અલબત્ત, પ્રથમ નજરે તો દેશનું ખરાબે ચડી ગયેલું નાવ સાચે રસ્તે કેવી રીતે ચડે એનો કારગત ઉપાય કોઈ ભાગ્યે જ દેખાય છે; અને છતાં દેશને અને લોકશાહીને બચાવવાનો કોઈ માર્ગ નથી એવી હતાશામાં પડી જવું એ તો આત્મઘાતને નોતરવા જેવી ભૂલ છે. તો પછી ઉપાય શો? દેશને અને લોકશાહીને બચાવવાનો માર્ગ એક જ છે : લોકજાગૃતિ અને લોકધર્મનું ખબરદારીપૂર્વક પાલન.
લોકશાહીમાં છેવટે તો લોકસભા જ સર્વસત્તાનું કેન્દ્ર બને છે અને લોકસભાની રચના લોકોની પસંદગી પ્રમાણે જ થાય છે. એટલે જો લોકસભા દેશની લોકશાહીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org