________________
૩૬
જિનમાર્ગનું જતન (૩) વૃદ્ધાશ્રમોઃ વિસ્તરતું એક નવું અનિષ્ટ
ભારતવર્ષ ઘણે મોટે ભાગે સંયુક્ત કુટુંબ-વ્યવસ્થાને વરેલો દેશ હતો, અને, અમુક પ્રમાણમાં, અત્યારે પણ એને વરેલો છે. આમ છતાં પરદેશી સંસ્કૃતિ કે જીવનપદ્ધતિના વધારે પડતા સંપર્કને કારણે કે વધતા જતા શિક્ષણને કારણે ધીમે-ધીમે ભારતવર્ષની સમાજવ્યવસ્થામાં પણ વધારે પડતા વ્યક્તિવાદનું તત્ત્વ પગપેસારો કરવા લાગ્યું છે. એને લીધે વ્યક્તિ પોતાની અંગત જરૂરિયાતોને એટલું બધું એકાંગી મહત્ત્વ આપવા લાગી છે અને પોતાના વ્યક્તિગત ગમા-અણગમાને એટલા મોટા પ્રમાણમાં વશ થઈ જવા લાગી છે કે જેથી સહનશક્તિનું સ્થાન અસહિષ્ણુતા લેવા લાગી છે. આના એક સહજ પરિણામરૂપે, જે વ્યવસ્થાને ટકાવી રાખવા માટે વ્યક્તિએ સમર્પણની ભાવના કેળવવાની જરૂર પડતી હતી, એ સંયુક્ત-કુટુંબ-વ્યવસ્થા જ વેરવિખેર થવા બેઠી છે. એની સૌથી વધારે માઠી અસર જે-તે કુટુંબના વૃદ્ધજનો – વૃદ્ધ માતા-પિતા કે અન્ય વડીલો – ઉપર થવા લાગી છે. જેમ-જેમ સંયુક્ત કુટુંબ-વ્યવસ્થા માંગતી જાય છે, તેમ-તેમ કુટુંબની વૃદ્ધ વ્યક્તિઓની સ્થિતિ ન કોઈ સાથી, ન કોઈ સંભાળ રાખનાર કે ન કોઈ સ્નેહ-મમતા દર્શાવનાર એવી – કોઈક વેરાનમાં કે રણમાં માર્ગ ભૂલી ગયેલ વ્યક્તિ જેવી – અસહાય અને લાચાર બનવા લાગી છે. સંસ્કૃતિની દષ્ટિએ આ એક નવું અનિષ્ટ વિસ્તરી રહ્યું છે.
ભારતીય સમાજના જે વર્ગનાં વૃદ્ધજનોની આવી બેહાલી થતી જોવામાં આવે છે, તે છે શિક્ષિત બનતો જતો મધ્યમવર્ગ, પૈસેટકે સુખી બનતો જતો મધ્યમવર્ગ અને એનાથી પણ ઊંચું સ્થાન ધરાવતો સંપત્તિશાળી વર્ગ, મતલબ કે આ અનિષ્ટનો ભોગ, એકંદરે ભારતીય સમાજનો ઊજળો ગણાતો વર્ગ જ બની રહ્યો છે. આ ઉપરથી અંતરમાં એક સવાલ જરૂર ઊભો થાય છે કે જે વ્યક્તિઓએ, પોતાના કુટુંબના ભલા ખાતર, રાત-દિવસ મહેનત કરીને, સમાજમાં આબરૂ-પ્રતિષ્ઠા મેળવીને, પોતાની આધેડ વયના દિવસો સુખમાં વિતાવ્યા હોય, એમને પોતાનું ઘડપણ આવી હતાશા-નિરાશાથી ભરેલી સ્થિતિમાં પસાર કરવાનો વખત આવે —- અરે, મૃત્યુની રાહમાં જ હોય એવી બિસ્માર હાલતમાં રહેવાનું આવે, તો એ કેટલું બધું આકરું અને અકારું થઈ પડે ? જેવાં આપણી પોતાની જાતનાં સુખ-દુઃખ, એવાં જ બીજાનાં સુખ-દુઃખ – એ રીતે સહાનુભૂતિપૂર્વક આ નાજુક બાબતનો વિચાર કરવામાં આવે તો એ કેટલું પીડાકારક અનિષ્ટ છે એનો ખ્યાલ આવ્યા વગર ન રહે; અને એને રોકવા માટે પણ આપણે સજ્જ થઈએ. પણ આજે વ્યક્તિવાદ જે રીતે વિસ્તરી રહ્યો છે એ જોતાં આ અનિષ્ટને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org