________________
૩૯૨
જિનમાર્ગનું જતન નીકળી શકતો નથી, એમ તેમને માટે આ સામાજિક કુપ્રથામાંથી બહાર નીકળવું ભારે મુકેલ છે. પણ આ અનિષ્ટનો અંતરનો કોરી ખાય એવો કારમો અનુભવ તો ઉંમરલાયક સમજુ કન્યાઓને જેટલો થાય છે, એટલો બીજાઓને ભાગ્યે જ થતો હશે.
આ કુપ્રથા સામેના નારી-સમાજના અતિ ઉગ્ર વિરોધનો પડઘો આ બિલની ચર્ચાવિચારણા દરમ્યાન બરાબર પડેલો. પુરુષ-સભ્યોમાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ એવા બે પક્ષો જોઈ શકાતા હતા. રૂઢિચુસ્તો જાણે મનોમન ઇચ્છતા હતા કે આ ધારો ન ઘડાય તો સારું, પણ લોકલાગણી એવી તીવ્ર હતી કે પોતાની વાત તેઓ ઉચ્ચારી શકે એવી સ્થિતિ ન હતી અને આ બિલના સમર્થક એવા પ્રગતિશીલ માનસ ધરાવતા પુરુષોમાં પણ એકસરખાપણું દેખાતું નહોતું. એમાં પણ કયાંક-કયાંક વિચારભેદ છતો થઈ જતો હતો. પણ સ્ત્રીસભ્યો એટલાં મક્કમ હતાં કે તેઓ આ વાતને મુલતવી રાખવા કે જતી કરવા તૈયાર ન હતાં; છેવટે આ ધારો પસાર કરાવીને જ જંપ્યાં. અલબત્ત, આ ધારાને આખરી રૂપ આપવામાં આવ્યું એમાં પુરુષ-સભ્યોને સંતોષ થાય, એમની આશંકાઓનું નિવારણ થાય એવા ફેરફાર કરવામાં આવ્યા હતા. આમ છતાં, છેવટે જે નબળા-સબળા રૂપમાં આ બિલે ધારાનું રૂપ લીધું, તે આ સ્ત્રી-સભ્યોની સતત જાગૃતિ અને ખબરદારીને લીધે જ – એટલું કબૂલ કરવું જોઈએ. જો આ સ્ત્રી-સભ્યો આટલાં મક્કમ ન હોત તો છેવટે એ બિલ, બીજાં અનેક બિલોની જેમ, વિલંબનાં જાળાંઝાંખરાંમાં અવશ્ય અટવાઈ જાત.
પણ, અમે શરૂઆતમાં કહ્યું હતું તેમ, આ દહેજ પ્રતિબંધક ધારો ઘડાવા માત્રથી આ દુષ્ટ રિવાજનો અંત આવી જશે એમ માની લેવાની જરૂર નથી. એનાથી આપણને કેટલો લાભ મળવાનો છે એનો આધાર તો એ હથિયાર આપણે કેવી રીતે વાપરી જાણીએ છીએ એના ઉપર છે.
વળી, કેટલાક સામાજિક કુરિવાજો એવા હોય છે કે જે ઉઘાડે છોગે જોઈ શકાય છે; દાખલા તરીકે સમ્રાટ અકબરના સમય સુધી આપણા દેશમાં પતિની પાછળ સતી થવાનો ક્રૂર રિવાજ હતો. બાળલગ્ન અને એક કરતાં વધુ પત્નીઓ કરવાનો રિવાજ તો હજી આપણી આંખ સામેનો જ છે !
આવા રિવાજોને કાયદાની સહાયથી નાથવામાં, કદાચ, શરૂઆતમાં સમાજના પ્રત્યાઘાતી માનસને લીધે કંઈક મુશ્કેલી જરૂર જણાય, પણ એમાં છેવટે કાયદો કામયાબ બને છે, અને કુરિવાજોએ એ સત્તાની આગળ શિર ઝુકાવીને નામશેષ બનવું પડે છે. પણ દહેજ જેવી પ્રથા કે જેનો સીધો સંબંધ માનવીના મનમાં રહેલા અને સર્વ પાપોના બાપ લેખાતા લોભ સાથે છે અને જેમાં કુલડીમાં ગોળ ભાંગવા જેવી કે પાછલા બારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org