________________
ધાર્મિક પર્વો : ૩
૩૮૫
કાળબળે એવી જંગલી સ્થિતિ બદલાઈ ગઈ, અને પછી જેને સભા-સમારંભરૂપે એની ઉજવણી કરવી હોય તે ભલે કરે, આપણે એમાં સાથ ન આપવો – એવી ઉપેક્ષાવૃત્તિથી જુનવાણી માનસે સમાધાન કર્યું.
ધીમે-ધીમે એ સ્થિતિમાં પણ પલટો આવ્યો, અને નવા વિચારવાળા પોતાની ઢબે એ પરમ-ઉપકારી પ્રભુનો જન્મદિન ઊજવવા લાગ્યા.
વળી, એમાં પણ ક્યાંક-ક્યાંક થોડો-થોડો પલટો આવવા લાગ્યો, અને ક્યારેકક્યારેક જૂના અને નવા વિચારવાળા બંને ભેગા મળીને આ પુણ્યપર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવા લાગ્યા; જો કે, હજુ આ એકરૂપતામાં અમુક ઊણપ છે જ, પણ એ હવે વધારે નુકસાન કરી શકે એમ લાગતું નથી. હવે એટલી ઊણપ પણ દૂર થઈ જાય તો નવાઈ નહીં.
અને છેલ્લા દસકામાં તો જૈનોના બધા ફિરકાઓ ભેગા મળીને મહાવીર જયંતીની ઉજવણી કરવાના બહુ જ આનંદપ્રદ અને આવકારપાત્ર માર્ગે વળ્યા છે, અને એમાં જૈનેતરોનો પણ ઠીકઠીક સહકાર મળવા લાગ્યો છે. આ એક બહુ જ શુભ ચિલ લાગે છે.
છતાં, અમને લાગે છે, કે બધા ફિરકાઓ સાથે મળીને આ મહાપર્વની ઉજવણી કરે એ પ્રથા પણ બહુ જૂની થઈ જાય કે આપણા કોઠે પડી જાય તે પહેલાં આ પર્વની એક રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવણી કરવામાં આવે તે રીતે, અથવા તો મહાવીર-જયંતી એ કોઈ એક પંથ કે ધર્મનો નહીં, પણ આખા દેશનો અહિંસાની પૂજા અને અનુમોદના કરવાનો વિશિષ્ટ તહેવાર છે એમ જનતાને લાગે એ રીતે કરવાનો કોઈ વિશિષ્ટ પ્રકાર આપણે શોધી કાઢવો જોઈએ.
આ વિશિષ્ટ પ્રકાર કેવો હોય એની વિગતે ચર્ચા કરવાનું આ સ્થાન નથી; અમારો એ ઉદ્દેશ્ય પણ નથી. છતાં એટલું સૂચવવું ઉચિત લાગે છે, કે આ પર્વની ઉજવણી કેવળ સભા ભરીને પૂરી થયેલી માનવાને બદલે જૈન સંસ્કૃતિનાં જુદાંજુદાં અંગો ઉપર તે તે વિષયના અભ્યાસી જૈન-જૈનેતર વિદ્વાનો પાસે અભ્યાસપૂર્ણ પ્રવચનો અપાવવામાં આવે, અભ્યાસ-વર્તુળોની યોજના કરીને એવી ચર્ચાઓ કરવામાં આવે અથવા નાનીસરખી સાહિત્ય-પરિષદનું આયોજન કરવામાં આવે તો જરૂર ઉજવણી વિશેષ રસપ્રદ, કાર્યસાધક અને લાભપ્રદ બને.
આટલા પ્રાસંગિક નિવેદન સાથે અમે ઇચ્છીએ છીએ, કે આ પર્વ એ જૈનોને માટે એકતાનું – એકતાની વિચારણા અને સાધનાનું પર્વ છે. એ રીતે એની ઠેરઠેર વિશાળ પાયા ઉપર ઉત્સાહપૂર્વક અને યોજનાપૂર્વક ઉજવણી કરવામાં આવે.
(તા. ૨૬-૩-૧૯૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org