________________
૩૮૨
જિનમાર્ગનું જતન વિધાનો અને ક્રિયાકાંડોનો અત્યારે કોઈ સુમાર નથી રહ્યો, અને છતાં બીજી બાજુ અનીતિ, દુરાચાર, અપ્રામાણિકતા, સંગ્રહશીલતા, ભોગવિલાસની વાસના વગેરેની આજે કોઈ મર્યાદા નથી રહી, ત્યારે સહેજે પ્રશ્ન થાય કે આ તે કેવો ધર્મ? આવી વિષમ સ્થિતિમાં આવકારપાત્ર સુધારો ભગવાન મહાવીરે આપ્યો એ જ છે, કે માનવી પ્રમાદથી સતત બચીને જીવે.
આ રીતે વિચારતાં તો માનવીએ અમુક સમય કે અમુક સ્થળમાં ધર્મ થઈ શકે તેવી નબળી માન્યતામાંથી બહાર આવવું જોઈએ. છતાં એ વાત પણ સાચી છે, કે બધાં માનવીઓને માટે બધો વખત કે બધાં ય સ્થળોએ ધર્મજાગૃતિ રાખવી એ શક્ય નથી. વ્યવહારુ આત્મસાધકો અને ધર્મશાસ્ત્રકારોની નજર બહાર આ હકીકત રહી નથી. તેથી એમણે તીર્થસ્થાનો અને પર્વદિવસોની સ્થાપના કરીને માનવસમૂહને એની આ કમજોરીમાંથી બચી જઈને અનુકૂળતા મુજબ, ધીમે-ધીમે ધર્મભાવનાને પોતાના અંતરમાં જાગૃત કરવાનો એક ઉપકારક ઇલાજ દર્શાવ્યો છે. એને લીધે બધા સમયે અને બધાં સ્થળે ધર્મનું પાલન ન કરી શકનાર માનવી છેવટે તીર્થસ્થાને અને પર્વદિવસે તો ધર્મનો વિચાર અને આચાર કરવા યથાશક્તિ પ્રેરાય છે; તીર્થો અને પર્વોનો આ મોટો લાભ છે.
એ જ રીતે વર્ષાઋતુના ચાર માસને આપણે ત્યાં ધર્મની મોસમ તરીકે ઓળખવામાં આવે છે. એમાં પણ એટલું તથ્ય જરૂર છે કે બારે મહિના ધર્મનું જતન ન કરી શકનાર વ્યક્તિ આઠ મહિના પોતાની ઇતર પ્રવૃત્તિઓમાં ગાળીને છેવટે બાકીના ચાર મહિના તો કંઈક નિરાંતથી જીવવાનો અને ધર્મનું આચરણ કરવાનો પ્રયત્ન કરે. આટલું કરતો રહે તો એમાંથી પણ એને ધર્મનો વિશેષ રંગ લાગવાની સંભાવના ખરી. આમાં મુખ્ય વાત મન કોઈ ને કોઈ રીતે ધમભિમુખ બને અને ધર્મનું પાલન કરવાની રુચિ અને ટેવ વધે એ જ છે.
- અત્યારે ચોમાસુ બેસી ગયું છે. એટલે સહેજે એવી આશા રાખી શકાય કે બીજી રીતે ધર્મ માટે નિરાંત નહીં મેળવી શકનાર વ્યક્તિ પણ ધર્મની આ મોસમમાં જીવનને નિર્મળ બનાવવાની ક્રિયાનો મોલ લેવા માટે અવશ્ય પ્રયત્નશીલ બનશે, અને જીવનમાં શાંતિ અને શુદ્ધિની સ્થાપના કરશે.
જો કે અત્યારના યંત્રયુગે પહેલાંના જેવી ચોમાસાની પણ નિરાંત રહેવી દીધી નથી; બારે મહિનાને સરખા ધમાલવાળા અને ચિંતામય બનાવી મૂકયા છે. પણ આખરે તો માનવી જે કંઈ દોડધામ અને પ્રયત્ન કરે છે, તેનો હેતુ પોતાના જીવનને સુખી બનાવવાનો જ છે એટલું સત્ય સમજાય, તો, વધારે નહીં તો ચોમાસા પૂરતી ધર્મની મોસમનો લાભ લેવા એ જરૂર પ્રેરાય.
(તા. ૨૯-૭-૧૯૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org