________________
૩૭૧
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧૩ એક જાજરમાન તીર્થ અસ્તિત્વમાં આવ્યું. ઉત્તમ ભવિતવ્યતાના યોગે, માંડવીથી ભુજ જવાના રાજમાર્ગ ઉપર, મોકાસરની જગ્યાએ આવેલી “શેઠશ્રી નાગજી અમરશીની વાડીના નામે ઓળખાતી વિશાળ જમીન શ્રી નાગજી શેઠના વારસોએ આશ્રમને માટે ભેટ આપી હતી. આ પછી સંસ્થાના શાણા અને દૂરંદેશી સંચાલકોએ આશ્રમના વિકાસમાં ભવિષ્યમાં જગ્યાની તંગી ન પડે એ માટે દૂરંદેશી વાપરીને, આ જમીનની અડોઅડ આવેલી કેટલીક બીજી જગ્યા પણ ખરીદી લીધી. સંસ્થાનો ઉત્તરોત્તર વિકાસ થઈ શક્યો અને હજી પણ વિશેષ વિકાસ કરવાને અવકાશ છે. એમાં સંચાલકોએ વખતસર જમીન મેળવવા માટે વાપરેલી આવી અગમચેતીનો પણ ઘણો મોટો હિસ્સો છે એમ કહેવું જોઈએ.
૧૮ ઓરડાઓ અને ૩૦-૪૦ ભાઈ-બહેનોના વસવાટથી શરૂ થયેલ આ આશ્રમનો અત્યારે કચ્છનાં આશરે અઢીસો જેટલાં દુઃખી, વૃદ્ધ, અશક્ત, નિરાધાર અને અપંગ ભાઈ-બહેનો લાભ લઈ રહ્યાં છે, અને પોતાની શેષ જિંદગી સુખ-શાંતિમાં તેમ જ યથાશકય ધમરાધનમાં વિતાવે છે. હજી પણ આશ્રમનો આશ્રય લેનારાંઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જ રહ્યો છે, અને સંસ્થાના સંચાલકો એમના માટે વધુ ને વધુ સગવડ કરતાં જ રહે છે. શ્રી શાંતિનાથપ્રભુનું મનોહર અને વિશાળ જિનમંદિર, સાધુમુનિરાજો તથા સાધ્વીજીઓ માટે ઉપાશ્રયો, ૫૮ જેટલા ઓરડા, સુંદર સગવડવાળું અતિથિગૃહ, દાક્તરી સારવાર માટેની જરૂરી સગવડ, પાણીની જાહેર પરબ અને ગૌશાળા સુધ્ધાંની વ્યવસ્થા આ આશ્રમમાં કરવામાં આવી છે; જાણે એક સર્વાગ સંપૂર્ણ વસાહત જ રચાઈ હોય એવો આદર્શ આ આશ્રમ બનેલ છે. તેમાં ય આશ્રમવાસી ભાઈ-બહેનોને ચોખ્ખાં ઘી-દૂધ-છાશ મળી રહે એ માટે ગૌશાળાની જે વ્યવસ્થા કરવામાં આવી છે, તે તો આશ્રમના સંચાલકોની કીર્તિકથા બની રહે એવી છે. સંસ્થાના ઝીણામાં ઝીણા સંચાલન પાછળ સંચાલકોની કર્તવ્ય-દષ્ટિ સતત ફરતી જ રહે છે.
વિ. સં. ૨૦૧૮ના અરસામાં સંસ્થાના પ્રાણસમા મુનિ શ્રી શુભવિજયજી સ્વર્ગવાસી થયા, અને ત્યાર પછી બેએક વર્ષે, વિ. સં. ૨૦૨૦-૨૧ના અરસામાં, સંસ્થાના મોભ શેઠશ્રી મેઘજીભાઈનો સ્વર્ગવાસ થયો. સંસ્થાથી બરદાસ્ત ન થઈ શકે એવી મોટી આ ખોટ હતી. પણ આ બંને વ્યક્તિઓએ સંસ્થાનો કારોબાર એવો વ્યવસ્થિત કરી દીધો હતો અને સંસ્થાને એવા સંગીન પાયા ઉપર મૂકી દીધી હતી, કે એમની આ ખોટ બહુ વસમી હોવા છતાં આશ્રમના સંચાલન ઉપર એની કશી માઠી અસર ન થઈ; સંસ્થાનો કારોબાર સુંદર રીતે ચાલતો રહ્યો. આ બીના પણ આ બંને દિવંગત આત્માઓની તેમ જ એ સંસ્થાના અત્યારના સંચાલક-મહાનુભાવોની કલ્યાણભાવના અને કાર્યકુશળતાની કીર્તિગાથા બની રહે એવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org