________________
૩૬૮
જિનમાર્ગનું જતન (૪) ઠંડી અને વરસાદ માટે ધાબળા આપવા, કે તે અંગે આર્થિક સહયોગ
પણ આપી શકો છો. (૫) મધ્યમ અને ગરીબ કુટુંબોને જરૂરિયાત મુજબનું અનાજ આપવા
અન્નદાન'ના પાવન કાર્યમાં આર્થિક સહયોગ આપી શકો છો. (૬) કંઈ ન આપી શકનાર આ વાત પોતાના સ્નેહી સુધી પહોંચતી કરીને
પણ ઘણું મોટું કાર્ય કરી શકશે.
પારકી વેદના પોતાની લાગે એટલી હદનો અનુભવ આપણને થવા માંડે ત્યારે સમજવું કે આપણે બીજાના દુઃખને સમજી શક્યા છીએ. સુખ જેટલું વહેંચીએ એટલું વધે અને દુઃખ જેટલું વહેંચીએ એટલું ઘટે. આવી પીડિત પ્રજાના દુઃખમાં સહભાગી બનવાની આપને અમો આગ્રહભરી નમ્ર અપીલ કરીએ છીએ.”
આ વિજ્ઞપ્તિ પોતાની વાત એટલી સ્પષ્ટતાપૂર્વક કહે છે કે એ માટે વધારે વિવેચન કરવાની જરૂર નથી.
| મુખ્ય વાત એ છે કે એક તરફ ધન-સંપત્તિ અને સાધન-સામગ્રીના ગંજ ખડકાય અને બીજી બાજુ કરોડો માનવીઓ અન્ન-વસ્ત્ર માટે પણ ટળવળતાં રહે, એ માનવજાત માટે મોટા કલંકની અને હવેના યુગમાં ન નભી શકે કે ન નભાવી શકાય એવી જ વાત છે. એ કલંકને દૂર કરવાના પુરુષાર્થમાં જ સુખી માનવજાતની શોભા અને સુરક્ષા છે. આ વિજ્ઞપ્તિ આવી જ માગણી કરે છે; આપણે એ માગણીને પૂરી કરીએ.
(તા. ૮-૪-૧૯૭૧)
(૧૩) તૂટતા સમાજની ખૂટતી કડીઃ માંડવીનો જૈન આશ્રમ
કચ્છની ભલી-ભોળી ધરતી. એ ધરતીનું એક તીર્થધામ. એ તીર્થધામ જેવું અનોખું છે એવું જ મહિમાવંતું છે. દુઃખિયાં માનવીઓનાં દુઃખ દૂર કરવાની ભાવના અને પ્રવૃત્તિના સંગમને તીરે એ તીર્થની સ્થાપના થઈ છે. આ તીર્થધામ એટલે માંડવી શહેરની નજીક આવેલ શ્રી મેઘજી સોજપાળ જૈન આશ્રમ.
કચ્છના જૈન સમાજનાં અશક્ત, વૃદ્ધ, અપંગ અને નિરાધાર ભાઈ-બહેનો માટે આ આશ્રમ પચીસ વર્ષથી ભારે આધારરૂપ અને આશીર્વાદરૂપ બની રહેલ છે. વિહાર કરવાને અશક્ત બનેલાં આપણાં મુનિમહારાજો તથા સાધ્વીજી મહારાજો પણ નિરાંતથી રહીને પોતાની શેષ સંયમયાત્રા સુખપૂર્વક પૂરી કરી શકે એવી ધર્મવ્યવસ્થા પણ આશ્રમમાં કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org