________________
૩પ૯
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૯
(૯) જ્ઞાન-કર્મ-ભક્તિરસ્યું ધર્મધામ “વીરાયતન'
ભ. મહાવીરના પચીસસોમાં નિર્વાણ મહોત્સવના ઐતિહાસિક અવસરની ઉજવણી નિમિત્તે, એના સુંદર સંભારણા તરીકે જે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી, એમાં ભગવાન મહાવીરની વિહારભૂમિ તથા ચાતુર્માસભૂમિનું ગૌરવ ધરાવતી બિહારની ઈતિહાસપ્રસિદ્ધ રાજગૃહ નગરીના બહારના ભાગમાં સ્થપાયેલ “વીરાયતન’ મોખરાનું સ્થાન શોભાવે એવી સંસ્થા છે.
રાષ્ટ્રસંત તરીકેનું બિરુદ મેળવનાર, મૌલિક ચિંતક-લેખક-કવિ, સમભાવના નિષ્ઠાવાન ઉપાસક, નવીન વિચારસરણીના સ્વીકર્તા અને પુરસ્કર્તા, લોકકલ્યાણના ચાહક સ્થાનકવાસી સંઘના પ્રભાવશાળી સંત ઉપાધ્યાય શ્રી અમરમુનિજી મહારાજની પ્રબળ પ્રેરણા અને મુખ્યત્વે સ્થાનકમાર્ગી સંઘની મોટી અને ઉદાર સહાયથી રાજગૃહીના પવિત્ર વૈભારગિરિની તળેટીમાં, ખૂબ વિશાળ જગામાં, આ વીરાયતન સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, અને મહાસતી શ્રી રંભાબાઈ-સ્વામી, શ્રી સુમતિજી તથા દર્શનાચાર્ય શ્રી ચંદનાજી વગેરે સાધ્વીજી મહારાજ આ સંસ્થાના સર્વદેશીય વિકાસના કાર્યમાં નિષ્ઠાપૂર્વક પરોવાઈ ગયાં છે.
કેવળ ધાર્મિક કે આધ્યાત્મિક હેતથી જ કામ કરવાને બદલે. આ સંસ્થાએ લોકોનાં સુખ-દુઃખના સાથી બનીને એમના સંકટના નિવારણ માટેની તેમ જ એમને સંસ્કારી બનાવવાની અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓને પણ પોતાના કાર્યક્ષેત્રમાં મહત્ત્વનું કે આગળ પડતું સ્થાન આપ્યું છે, અને એમ કરીને જૈનધર્મની અહિંસા અને કરુણાની ભાવનાને સક્રિય રૂપ આપીને ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી એનો લાભ પહોંચતો કરવાનો ખૂબ સ્તુત્ય પ્રયાસ હાથ ધર્યો છે એ આ સંસ્થાની વિરલ વિશેષતા છે. એમ કહેવું જોઈએ કે આ સંસ્થાએ ધર્મસાધના અને લોકસેવાની આરાધના વચ્ચે સુમેળ સાધવાની ઉત્તમ કામગીરી શરૂ કરી છે.
અત્યાર સુધીમાં આ સંસ્થાએ કઈકઈ પ્રવૃત્તિ શરૂ કરી છે એની કેટલીક માહિતી સ્થાનકવાસી કૉન્ફરન્સના મુંબઈથી પ્રગટ થતા ગુજરાતી મુખપત્ર “જેનપ્રકાશ' સાપ્તાહિકના તા. ૧૫-૧૧-૧૯૭૬ના અંકમાં પ્રગટ થઈ છે. અત્યારે ઉત્સવ-મહોત્સવો અને બાહ્ય ખર્ચાળ અને આડંબરી ક્રિયાકાંડોને લીધે અંતર્મુખ આત્મસાધના, સહધર્મીને મૂંગી સહાય કરવાની વૃત્તિ અને જનસેવાની ભાવના ગૌણ બની ગઈ છે, એવી પરિસ્થિતિમાં વીરાયતનની વ્યાપક કામગીરી જાણવા જેવી અને પ્રેરણારૂપ બની રહે એવી લાગવાથી અહીં એ સાભાર રજૂ કરીએ છીએ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org