________________
વિવિધ સંસ્થાઓ અને તેમની સુવ્યવસ્થા : ૧
અને એવાં વિચિત્ર-વિલક્ષણ કાયદાઓનાં જાળાં વચ્ચે જીવવાનું હોય છે, કે એનો ભાર સતત એના મગજ ઉપર હોય છે. પરિણામે, બીજી ગંભીર પ્રવૃત્તિ માટે એની પાસે સમય અને શક્તિ ભાગ્યે જ બચવા પામે છે; અને એ માટેનો ઉલ્લાસ તો લગભગ આથમી જ જાય છે. પહેલાં માનાર્હ કાર્યકરો સારા પ્રમાણણાં મળી આવતા હતા અને પોતાની જવાબદારીને સારી રીતે પૂરી કરી શકતા હતા. અત્યારે જુદા પ્રકારની સ્થિતિ પ્રવર્તે છે એનું મુખ્ય કારણ આ જ હોય એમ લાગે છે. આથી જે કંઈ થોડાક ભાવનાશીલ માનાર્હ કાર્યકરો છે. એમના ઉપર વધારે પડતી જવાબદારી આવી પડે છે. સંસ્થાઓનું સંચાલન સારી રીતે થઈ શકે એમ આપણે ઇચ્છતા હોઈએ, તો આ સ્થિતિમાં ફેરફાર થવો જ જોઈએ, અને પોતાનાં સમય અને શક્તિનો ભોગ આપી શકે એવા સેવાભાવી અને કાર્યકુશળ માનાર્હ કાર્યકરો વધારે પ્રમાણમાં આગળ આવવા જ જોઈએ.
વળી, સેવાની સંસ્થાઓના સવેતન સંચાલકોની પણ મુશ્કેલ કામગીરીનો ખ્યાલ આપતાં, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મહામાત્ર શ્રી કાંતિભાઈ કોરાએ પોતાના બહુમાનના પ્રસંગે કહેલું : “સેવાના ક્ષેત્રમાં આવનાર વ્યક્તિને આ પ્રસંગે મારી એક નમ્ર વિનંતી છે કે તેઓ જે પ્રકારનું સેવાનું કાર્ય સ્વીકારે તેમાં નિઃસ્વાર્થપણે અને પ્રામાણિકતાપૂર્વક કામ કરે. આ ક્ષેત્ર એવું છે, કે તેમાં પડનાર વ્યક્તિઓને સહેજે પોતાનાં મિત્રો, સગાંસંબંધીઓ અને કુટુંબથી મહદ્ અંશે વિમુખ થવું પડે. મારા માટે પણ એવું જ બન્યું છે."
શ્રી કોરાએ ઉપર કહી એ વાત દાયકાઓના એમના જાતઅનુભવની છે. કોઈ પણ સેવાકાર્ય પગાર લઈને સ્વીકારવામાં આવે કે વગર પગારે માનાર્હ રીતે, તો પણ સેવાનો માર્ગ કેવો મુશ્કેલ અને કઠિન છે એનો ખ્યાલ એના ઉપરથી આવી શકે છે. અનુભવીઓએ અને નીતિશાસ્ત્રકારોએ સેવાધર્મને યોગીઓને માટે પણ અગમ્ય કહ્યો છે તે આટલા માટે જ. પણ એ માર્ગ ગમે તેટલો મુશ્કેલ હોય, છતાં જો જાહેર સંસ્થાઓના કારોબારને જીવંત રાખવો હોય, તો એ માર્ગે ચાલનારા સેવાતપસ્વીઓ નીકળવા જ જોઈએ. ખાતર, પાણી અને ખેડની પૂરી મહેનત કર્યા વગર ખેતરમાંથી સારો પાક ન જ નીપજે એવી સીધી-સાદી આ વાત છે. અને આનું પ્રત્યક્ષ દૃષ્ટાંત શોધવા દૂર જવાની પણ કયાં જરૂર છે ? શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિકાસકથા પોતે જ શ્રી કાંતિભાઈ કોરાની નિર્ભેળ, નિઃસ્વાર્થ અને નિષ્ઠાભરી કામગીરીની પ્રેરક વાર્તા સંભળાવે છે.
‘થોડું કરવું, પણ નક્કર કરવું' એ નીતિવાક્યમાં જો આપણને આસ્થા હોય, તો થોડીઘણી નબળી સંસ્થાઓની ચિંતા કર્યા વગર આપણા કાર્યકરો આપણી સબળ સંસ્થાઓ સાથે દીર્ઘકાળ લગી સંકળાયેલા રહે એવી વ્યવસ્થા આપણે ઊભી કરવી જ જોઈએ.
Jain Education International
૩૨૭
For Private & Personal Use Only
www.jainelibrary.org