________________
૩૧૪
જિનમાર્ગનું જતન સમાચારો કંઈ આનંદ કે ઉલ્લાસના શુભ સમાચાર તો કદી હોતા જ નથી; એમાં તો અવ્યવસ્થા, ગેરવ્યવસ્થા, યાત્રીઓની હાલાકી, પંડાઓની જોરતલબી, રાજ્યની અઘટિત દરમ્યાનગીરી વગેરેની ચિંતા અને આઘાત ઉપજાવે એવી જ વાતો મોટે ભાગે ભરી હોય છે. અનેક જાતની મુશકેલીઓ અને કોઈ કોઈ વાર તો અપમાનજનક પરિસ્થિતિ વેઠવા છતાં એ તીર્થમાં અનેક યાત્રાળુઓનો પ્રવાહ અખ્ખલિત રીતે ચાલુ રહે છે, તે શ્રી કેસરિયાનાથ ઉપરની એમની અપાર આસ્થાને કારણે જ. જો જનસમૂહમાં આ તીર્થ પ્રત્યે આવી આસ્થા ન હોત, તો આ તીર્થ કયારનું ય વેરાન બની ગયું હોત. પણ ઘણી વાર મનમાં સવાલ ઊઠે છે, કે શ્રી કેસરિયાનાથ ઉપરની આપણી આસ્થા આ તીર્થની અવ્યવસ્થા, પંડાઓની જોહુકમી અને રાજ્યની દરમ્યાનગીરીને વધારવામાં તો સહાયક નહીં થતી હોય?
અમારી સમજ મુજબ તો, આ તીર્થની માલિકી અને વ્યવસ્થાનું કોકડું દિવસેદિવસે વધુ ને વધુ ગૂંચવાતું જાય છે એમાં, આપણે પોતાની સાંસારિક ઇચ્છાઓને પૂરી કરવા કે તાત્કાલિક મુશ્કેલીઓમાંથી ઊગરી જવા આ તીર્થની બાધા-આખડી રાખીને તે નિમિત્તે આ તીર્થમાં અઢળક નાણું ખરચીએ છીએ એ હકીકતે ઘણો આગળ પડતો ભાગ ભજવ્યો છે. હજી પણ આ તીર્થભૂમિના હિત-રક્ષણનું લાંબા ગાળાનું દૃષ્ટિબિંદુ ભૂલીને આપણે આપણા ક્ષણિક કે સાંસારિક લાભાલાભના વ્યક્તિગત અને સાવ સંકુચિત દૃષ્ટિબિંદુમાં અટવાતા રહ્યા, તો આ તીર્થની સ્થિતિ વધારે ને વધારે કફોડી થયા વગર નથી રહેવાની એ પણ નક્કી સમજવું. આ તો આપણા પોતાને હાથે પોતાના પગમાં બેડી નાખવા જેવી વાત છે – ભલે ને એ સોનાની હોય !
એટલે જો આ તીર્થભૂમિને એક સાંસારિક હેતુઓ માટેના તીર્થરૂપે નહિ, પણ વીતરાગ ભગવાનના તારક તીર્થ તરીકે જોઈને સાચી રીતે ચાહતા હોઈએ, તો આ તીર્થના દર્શનનો પૂરેપૂરો લાભ લેવા છતાં, ત્યાં ખરચવામાં આવતાં અઢળક નાણાંને રોકવા માટે, અમુક સમય માટે આર્થિક અસહકાર કર્યા વગર મુદ્દલ ચાલે એમ નથી. આ પૈસાનું જોર રહેશે ત્યાં લગી ત્યાંના પંડાઓની જોરતલબી ન તો કાબૂમાં આવી શકવાની છે, કે ન તો ઓછી થવાની છે, રાજ્યની દખલગીરીનો પણ અંત આવવાનો નથી.
કોઈ પણ તીર્થનો વહીવટ કરનાર વ્યક્તિ કે સંસ્થા તરફથી એ તીર્થની સુરક્ષા તેમ જ સુવ્યવસ્થા માટે જે કંઈ સલાહસૂચના આપવામાં આવે, તેનો પૂરેપૂરો અમલ કરવો એ એ તીર્થના ઉપાસકોની પહેલી ફરજ છે. આથી આગળ વધીને એમ પણ કહી શકાય કે આવી સલાહ-સૂચનાઓનો આપણે અમલ ન કરીએ અને લાગણી કે અંધશ્રદ્ધાના પ્રવાહમાં તણાઈ જઈને આપણને મનફાવતી રીતે વર્તીએ તો એ તીર્થની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org