________________
૨૦
જિનમાર્ગનું જતન
ઉપર કહેવામાં આવ્યું તેમ, આ કામ અતિ દુષ્કર, હતાશ બનાવી દે અને થકવી દે એવું હતું. એટલે આવી નિરાશ-ઉદાસ બનાવી દે એવી વિષમ પરિસ્થિતિમાં આ માટેના પ્રયાસોને બે-બે દાયકા સુધી ચાલુ રાખવા, અને એમાં અલ્પ-સ્વલ્પ સફળતા મળ્યા પછી પણ પૂરાં ત્રીસ વર્ષ સુધી વણથંભ્યા ચાલુ રાખવા એ કંઈ નાનીસૂની વાત ન ગણાય; પંજાબના જૈનસંઘની ધર્મપ્રીતિ, તીર્થભક્તિ અને ગુરુની આજ્ઞાનું પાલન કરવાની તત્પરતાની કસોટી કરે એવી એ વાત હતી. અને આ તીર્થભૂમિની પૂજાભક્તિ તથા એના જીર્ણોદ્ધાર અંગે, ક્રમેક્રમે, જે વધુ ને વધુ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતી ગઈ તે ઉપરથી કહેવું જોઈએ, કે પંજાબ જૈન-સંઘ પોતે હાથ ધરેલ મુશ્કેલ કાર્યમાં સારી રીતે સફળ થયો છે. આ અંગે વિશેષ નોંધપાત્ર અને આહલાદ ઉપજાવે એવી વાત તો એ છે, કે આ તીર્થની બારે મહિના સેવાભક્તિ થઈ શકે એવી અસાધારણ અનુમતિ સરકારના પુરાતત્ત્વખાતા તરફથી મેળવી આપવાનો યશ કાંગડા જેવા પ્રતિકૂળ સ્થાનમાં ચાતુર્માસ કરવાનું સાહસ કરનાર સાધ્વીજી મહારાજ શ્રી મૃગાવતીશ્રીજીને ફાળે જાય છે. અલબત્ત, એમના આ છેલ્લા પ્રયાસની પાછળ પંજાબના જૈનસંઘના આ માટેના નિષ્ઠાભર્યા અવિરત પુરુષાર્થના તપનું પીઠબળ રહેલું જ છે – એ કહેવાની જરૂર નથી.
પંજાબ-જૈન-સંઘના વીસેક વર્ષના પ્રયત્નને પરિણામે, સને ૧૯૪૭ની સાલમાં, જૈનસંઘને કાંગડાના કિલ્લામાંના જીર્ણ જિનાલયના મૂળનાયક ભગવાન ઋષભદેવની પ્રાચીન પ્રતિમાની પૂજા-સેવા વર્ષના ત્રણ દિવસ કરવાની અનુમતિ પુરાતત્ત્વ-ખાતા તરફથી મળી. આ ત્રણ દિવસ એટલે લોકપર્વ હોળીના ફાગણ સુદિ ૧૩, ૧૪ અને ૧૫ના ત્રણ દિવસ. એ ત્રણ દિવસ ત્યાં મોટો મેળો પણ ભરાય છે, અને પંજાબનાં સેંકડો જેન ભાઈ-બહેનો એ તીર્થની યાત્રા અને ભક્તિનો લાભ લે છે. કાર્યની સફળતાનું આ પહેલું પગથિયું. - આ તીર્થના જીર્ણોદ્ધાર માટેની પોતાની ભાવના વ્યકત કરતાં સ્વ. શાંતસ્વભાવી આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિએ પોતાના સ્વર્ગવાસ અગાઉ એક વાર કહ્યું હતું; “હું ઇચ્છું , કે કાંગડા-તીર્થ પંજાબનું શત્રુંજય બને.” તે પછી હોશિયારપુરમાં તેઓએ ફરમાવ્યું હતું : “કાંગડા તીર્થના ઉદ્ધાર માટે કાંગડા જવાની મારી ભાવના પ્રબળ છે. હું સકલ સંઘને અનુરોધ કરું છું, કે પંજાબના દરેક નગરનો દરેક પરિવાર, દરેક ચૂલા દીઠ, દર મહિને કાંગડા તીર્થના ઉદ્ધાર માટે એક-એક રૂપિયો સહર્ષ ભેટ આપે.”
આ થોડાક શબ્દો સ્વ. આચાર્યદેવની આ તીર્થના ઉદ્ધાર માટેની ભાવના કેટલી ઉત્કટ હતી એના પુરાવારૂપ તથા શ્રીસંઘની કર્તવ્યભાવનાને જાગૃત કરે એવા હતા. એ શબ્દો સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીના અંતરને એવા સ્પર્શી ગયા અને એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org