________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર : ૬
૨૦૧
બીજી બાજુ સમસ્ત જૈનસંઘે પોતાની અંગત સગવડ-અગવડની દૃષ્ટિએ અસ્પૃશ્યતાના પ્રશ્ન સાથે જે સગવડિયું સમાધાન કરી લીધું છે એ પણ વિચારવા જેવું છે. અસ્પૃશ્યતાનું મૂળ તો એવું ઉગ્ર હતું કે કોઈ પણ સ્થળે ઢેડ કે ભંગીઓ પ્રવેશી જ ન શકે કે કોઈ પણ વસ્તુને સ્પર્શી પણ ન શકે. એ જ્યાં જાય એ સ્થળ અને એ જેને સ્પર્શે તે મોટા ભાગની વસ્તુ “અભડાઈ જતાં'; અને તેથી તેની, પોતે કલી રીતે શુદ્ધિ કર્યા પછી જ તેનો ઉપયોગ કરતા. પણ સમય જતાં હોસ્પિટલો, રેલ્વેઓ, બીજાં જાહેર વાહનો અને જાહેર સંસ્થાઓમાં હરિજનોને પ્રવેશતા અટકાવવાનું રાજ્યના કાયદાઓએ અશક્ય બનાવી મૂકયું. આમ છતાં, આપણે એ સગવડોનો ત્યાગ કરી શકીએ – અને એમ કરીને આપણે માનેલા ધર્મનું પૂરેપૂરું પાલન કરી શકીએ – એ આપણને કોઈ રીતે પાલવતું ન હતું, એટલે આપણે – આપણા ગુરુઓ સુધ્ધાંએ – હૉસ્પિટલો વગેરેનો ત્યાગ ન કર્યો. એટલે અંશે – ભલે આપણી અંગત સગવડની દૃષ્ટિએ જ – આપણે અસ્પૃશ્યતાની સાથે સમાધાન કરી લીધું!
સિક્કાની બીજી બાજુની જેમ, આની સામે હરિજનોને પોતાને સગવડ કે લાભ મળે એ દૃષ્ટિએ અસ્પૃશ્યતાના પ્રશ્નનો વિચાર રજૂ થયો – એ રજૂ થાય એ સાવ સ્વાભાવિક જ હતું – ત્યારે આપણે ગલ્લાતલ્લાં કરીને એ પ્રશ્નને હલ કરવાને બદલે ટાળવાના માર્ગે વળી ગયા!
પણ આપણે સમજી લેવું ઘટે, કે જેમ આપણી સગવડ ખાતર આપણે હૉસ્પિટલ વગેરેનો ત્યાગ ન કરતાં અસ્પૃશ્યતા સાથે એટલે અંશે તડજોડ કરી, તેમ જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થાય કે હરિજનોને અસ્પૃશ્ય ગણવામાં કે એમનો મંદિઅવેશ રોકવામાં પણ આપણને વિશેષ અગવડ ઊભી થવાનો સંભવ રહે, ત્યારે આપણે આપણી વાત ઉપર મુદ્દલ ટકી શકવાના નથી. એટલે સવાલ તો હવે એટલો જ રહે છે, કે આ પ્રશ્નનો આપણે સામે પગલે ચાલીને ઉકેલ કરવો છે કે એ પ્રશ્ન ઉગ્ર રૂપ લઈને પોતાનો નિકાલ પોતાની મેળે જ કરે એમ આપણે ઇચ્છીએ છીએ?
દેશમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થવાની છે એ તો કાળદેવતાનો વજલેખ છે; અને જૈન સંસ્કૃતિએ તો સદીઓ પહેલાંથી એના પાયામાં જ આવી ઊંચ-નીચતાનો કે અસ્પૃશ્યતાનો ધરમૂળથી વિરોધ કરેલો છે. એટલે અસ્પૃશ્યતાના દોષને દૂર કરવામાં પૂરેપૂરો સાથ આપવો એ જૈન મુનિવરોની તો ખાસ જવાબદારી છે. એ જવાબદારી અદા કરીશું તો આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિની પ્રતિષ્ઠા અને પ્રગતિ વધારીશું; નહીં તો, જે થવાનું છે તે તો થયા વગર રહેવાનું નથી, પણ કાળ જશે અને કહેણી રહી જશે, કે જ્યારે દેશમાંથી અસ્પૃશ્યતાનો દોષ દૂર કરવાના પ્રયત્નો થતા હતા ત્યારે જૈનોના ધર્મગુરુઓ એ દોષને ટકાવી રાખવા માટે તપસ્યા આદરી બેઠા હતા ! આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org