________________
ઉપેક્ષિત વર્ગોનો ધર્મ દ્વારા ઉદ્ધાર
(૧) નારીવર્ગની પ્રતિષ્ઠામાં જૈનસંઘનો ફાળો
ભારતીય બધી ધર્મપરંપરાઓથી જૈનધર્મને જુદો પાડતી ભેદરેખારૂપ જે કેટલીક વિશેષતાઓ છે, એમાંની એક, અને કદાચ મુખ્ય અને નરી નજરે તરી આવે એવી વિશેષતા છે એણે નારીવર્ગની પ્રતિષ્ઠા માટે અને એના પણ આંતરિક-આધ્યાત્મિક ઉત્કર્ષ માટે અપનાવેલ સમાનતાની ભાવના. આ સમાનતાની ભાવનાનું અમૃત એ ભગવાન તીર્થંકરની કષ્ટમય આત્મસાધના અને સર્વગ્રાહી અને એકાગ્ર એવી તત્ત્વવિચારણારૂપ નેતરાથી થયેલ અપાર જીવનમંથનની જ નીપજ છે. એ નીપજની વ્યાપક લ્હાણી કરવા માટે જ, એમણે સર્વકલ્યાણકારી ધર્મતીર્થની પ્રરૂપણા ને સ્થાપના કરી હતી.
કેવળ ધર્મની આરાધના કરવાનો કે આત્મસાધના કરવાનો જ નહીં, પણ મોક્ષની પ્રાપ્તિ કરવા સુધ્ધાંનો નારીવર્ગનો અધિકાર પુરુષવર્ગના જેટલો જ તીર્થકર ભગવાને પ્રમાણ્યો અને એને એ અધિકાર લેશ પણ ભેદભાવ કે સંકોચ વગર આપવાની વ્યવસ્થા પણ પોતાની હયાતીમાં જ જે ઊભી કરી, તે એમની અહિંસા અને સમતાની સર્વોચ્ચ કોટિની ભાવનાના કારણે જ. જે આત્મસાધક વિરે કરુણાગર્ભિત અહિંસાનું અને સમભાવનું અમૃતપાન કરીને પોતાના જીવનને કૃતાર્થ કર્યું હતું તે, બીજી વ્યક્તિના આત્મસાધના અને મોક્ષના અધિકારની આડે અવરોધ મૂકવાનો હિંસક વિચાર સુધ્ધાં કેવી રીતે કરી શકે ?
આથી જ ભગવાને પોતાના ધર્મતીર્થમાં પોતાના સમવસરણમાં) કેવળ સ્ત્રીપુરુષ કે દલિત-પતિત-અસ્પૃશ્ય ગણાતા વર્ગો સહિતની સમગ્ર માનવજાતને જ નહીં, પણ પશુ-પંખી જેવા તિર્યંચ જીવોને પણ સ્થાન મળે એવી ઉદારતા દાખવી હતી અને આ ઉદારતાનો પાયો હતો ભગવાન તીર્થંકરના અંતરમાં વહેતી અહિંસા અને સમતાની સર્વપાવનકારી ભાગીરથી. આ નોંધ દ્વારા અમારે જે વાત કહેવાની છે, તે છે સમાજમાં નારીવર્ગની પ્રતિષ્ઠા કરવા માટે અને એના ઉત્કર્ષનો માર્ગ મોકળો કરવા માટે જૈન સંઘવ્યવસ્થાએ આપેલ વિશિષ્ટ ફાળા અંગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org