________________
૧૭૬
જિનમાર્ગનું જતન આપે છે; તે છે કરણાની ભાવના. ઘરડાં, અપંગ અને માંદાં પશુ-પંખીઓ તેમ જ વસુકી ગયેલાં ઢોરોની રક્ષા અને માવજત માટે સ્થપાયેલી પાંજરાપોળો જેવી સંસ્થાઓ આ કરુણાવૃત્તિની જ સાક્ષી પૂરે છે. ઉપરાંત, વૈયાવચ્ચ (માંદાની માવજત, સાધુસંતોની શાતાદાયક સેવા વગેરે)નો પણ જૈનધર્મમાં ઘણો જ મહિમા સ્વીકારવામાં આવ્યો છે; એને “આત્યંતર તપ' તરીકેનું ગૌરવ સુધ્ધાં આપવામાં આવ્યું છે. એ પરથી ભગવાન મહાવીરે આ ગુણને જીવનસાધનામાં કેટલું ઊંચું અને મહત્ત્વનું સ્થાન આપ્યું છે તે સમજી શકાય છે.
વૈયાવચ્ચેના ગુણની જેમ સાધર્મિક-વાત્સલ્યને પણ જૈનધર્મની સંઘવ્યવસ્થામાં આગળ પડતું સ્થાન આપવામાં આવ્યું છે. પોતે જે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધાભક્તિ ધરાવે છે, તેમાં સમાનપણે આસ્થા ધરાવનાર વ્યક્તિનાં સંકટ નિવારી એને સુખી બનાવવાની ખૂબ ઉદાત્ત ભાવના અને તે દ્વારા પોતાને ઈષ્ટ ધર્મશાસનને પણ પોષવાની ભાવના સહધર્મી-વાત્સલ્ય પાછળ રહેલી છે. આ રીતે, આ કાર્ય આખા શ્રીસંઘને ટકાવી રાખીને ધર્મને તેજસ્વી અને પ્રભાવશાળી બનાવવાનું અતિ અગત્યનું કાર્ય છે. છેવટે અનુયાયીઓની શક્તિ કે અશક્તિ જ શ્રીસંઘ અને ધર્મની શક્તિ-અશક્તિ બની રહે છે.
પણ આમ જૈનધર્મે જીવદયા, દીન-દુઃખી-દર્દીની સેવા અને સાધર્મિક-વાત્સલ્યની ભાવનાને ધર્મકૃત્ય તરીકે પુરસ્કાર્યા છતાં, કોણ જાણે કેમ, આ ત્રણે બાબતોમાં જૈનસંઘ પ્રત્યક્ષ ભાગ લેવાને બદલે, ઘણે મોટે ભાગે એ માટેનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવામાં અને આર્થિક સહાય આપવામાં પૂરો સહકાર આપીને જ સંતોષ માને છે. દુષ્કાળ, જળપ્રલય, ધરતીકંપ કે એવી કુદરત-સર્જિત આફતો વખતે, તેમ જ અન્ય પ્રસંગોએ જૈનસંઘના અગ્રણીઓ દેશના એક વગદાર અને સુખ-દુઃખના સાથી ભાવનાશીલ મહાજન તરીકે તો જનસેવા, દેશસેવા તથા જીવદયાનાં સત્કાર્યોમાં હંમેશાં નોંધપાત્ર ફાળો આપતા જ રહે છે, પણ આ બધાં સેવાકાર્યોમાં પોતાની પ્રત્યક્ષ સેવા આપવાની પ્રવૃત્તિથી સારા પ્રમાણમાં અળગા રહે છે એ પણ હકીકત છે.
આમ થવાનું માઠું પરિણામ એ આવ્યું છે, કે સાધર્મિક-ભક્તિના અપાર ગુણગાન ગાવા છતાં આપણા મોટા ભાગના ધર્મગુરુઓ અને શ્રીસંઘના મોવડીઓ સામાન્ય અને ગરીબ સ્થિતિનાં સાધર્મિક ભાઈ-બહેનોની આર્થિક ભીંસ અને એના લીધે આવી પડતી બીજી અનેક આપત્તિઓને દૂર કરવાની જવાબદારીને આવશ્યક ધર્મકૃત્ય ગણીને એ દિશામાં ભાગ્યે જ પ્રયત્ન કરે છે, તો પછી દેશની દીન-દુઃખી-રોગી માનવજાતની પ્રત્યક્ષ સેવા કરીને એના સંકટનિવારણ માટેના પ્રયત્નની તો આશા જ ક્યાં રાખવી ? આ માટેની આપણી આવી ઉપેક્ષાવૃત્તિને કારણે જૈનધર્મ અને જૈનસંઘ માટે કંઈક એવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org