________________
અહિંસાદર્શન અને અહિંસક આચારો ઃ ૨૧
૧૬૭ શ્રી વર્ધમાનતપ ઈત્યાદિ તપો, પરમાત્માની સોળ હજાર પુષ્પોથી અંગરચના, શ્રી પર્યુષણા-મહાપર્વની સુંદર આરાધના વગેરે અપૂર્વ શાસન-ઉન્નતિ થઈ.”
આ સમાચાર છપાયાને ત્રણ અઠવાડિયાં જેટલો સમય વીતી ગયો હોવા છતાં એમાં કોઈએ કશો ફેરફાર કે સુધારાવધારો સૂચવ્યો નથી. એટલે એ સમાચારમાં વર્ણવેલી હકીકત સાચી છે એમ માનીને અમે આ નોંધ લખીએ છીએ.
આ સમાચારમાં “પરમાત્માની સોળ હજાર પુષ્પોથી અંગરચના' એ સમાચાર અમને અહિંસાની દૃષ્ટિએ વિચારવા જેવા લાગ્યા છે. પુષ્પ એ પોતે વનસ્પતિકાય હોવાથી એકેન્દ્રિય જીવ તો છે જ, ઉપરાંત પુષ્પોમાં ઝીણાઝીણા ત્રસ જીવો પણ હોય છે એ આપણે સારી રીતે જાણીએ છીએ. અને તેથી જ પુષ્પપૂજાનું જ્યાં વિધાન અને વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં ખૂબ જયણા રાખવાનું ફરમાવવામાં આવ્યું છે. એકએક ફૂલને સાવધાનીપૂર્વક કપડાં ઉપર ખંખેરીને એમાંના ત્રસ જીવોની જરા પણ હિંસા ન થાય એવી રીતે જ ફૂલોનો ઉપયોગ કરવાનું સૂચવાયું છે. આવી સાવધાની રાખવા છતાં વનસ્પતિરૂપ એકેન્દ્રિય જીવની વિરાધનાનો તો પ્રશ્ન રહે જ છે; તો પછી એક સાથે સોળ હજાર પુષ્પોથી અંગરચના કરવામાં આવે ત્યારે, એકેન્દ્રિય જીવની વિરાધના તો બાજુએ રહી, પણ દરેક ફૂલમાંના ત્રસ જીવની વિરાધનાનું શું એવો પ્રશ્ન સહેજે થાય છે. અમારા મનનું તો આ પ્રશ્ન અંગે કશું સમાધાન થતું નથી, અને અમને આ. વાત ગંભીરપણે વિચારવા જેવી લાગી હોવાથી અમે એ અહીં સૌ કોઈની વિચારણા. માટે રજૂ કરી છે. તેમાં ય વળી સિદ્ધાન્તના જાણકાર આચાર્યાદિની નિશ્રામાં આવું થયું હોય ત્યારે તો મનમાં વિશેષ સંક્ષોભ થાય છે. - પુષ્પોનો પ્રભુપૂજામાં ઉપયોગ થાય કે કોઈ વ્યક્તિના પોતાના શોખ ખાતર એનો ઉપયોગ થાય એમાં અમુક ભેદ હોવા છતાં પુષ્પોરૂપી એકેન્દ્રિય જીવોની અને પુષ્પોમાંના ત્રસ જીવોની રક્ષાની દૃષ્ટિએ એમાં કશો ફેર નથી. એટલે “પુષ્પો પ્રભુપૂજામાં વપરાયાં' એમ કરીને એ ત્રસ જીવોની તેમ જ એકેન્દ્રિય જીવોની હિંસાને આપણે વાજબી ન ઠરાવી શકીએ.
ગમે તે ધર્મપ્રવૃત્તિ કરીએ, છતાં અહિંસાનું પાલન એ જ આપણો મુખ્ય મુદ્દો હોવો જોઈએ. એટલે પછી અહિંસાને અળગી કરીને આપણે ધર્મ કેવી રીતે આચરી શકીએ ? અમને લાગે છે, કે ક્રિયાકાંડ પ્રત્યેના વધારે પડતા અનુરાગને કારણે આપણે ઘણી વાર વિવેક ચૂકી જઈએ છીએ. એવું જ આમાં પણ બન્યું હોય. .
સોળ હજાર પુષ્પોમાંના ત્રસ જીવોની, પ્રભુપૂજાને નામે થયેલ વિરાધનાનો બચાવ કેવી રીતે થઈ શકે એ અમારી સમજમાં તો ઊતરતું નથી, છતાં આ સંબંધી કોઈને કંઈ ખુલાસો કરવો હશે તો તેને અમે જરૂર આવકારીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org