________________
૧૪૮
જિનમાર્ગનું જતન જે ધર્મ-સંસ્કૃતિઓએ આત્મશુદ્ધિની દષ્ટિએ માંસાહારનો ત્યાગ કરવાનો ભારપૂર્વક ઉપદેશ આપ્યો છે એમાં બે હેતુઓ નજર સમક્ષ રાખ્યા હોય એમ લાગે છે : પહેલો તો એ કે માંસાહારથી માનવીના માનસ ઉપર પડતા અનિષ્ટ સંસ્કારથી તેને મુક્તિ અપાવવી, અને બીજો હેતુ તે માંસાહારના સ્વીકારના કારણે નીપજતા પરપીડનના દોષથી માનવીને મુક્તિ અપાવવી, અને એ રીતે બીજાં પ્રાણીઓને થતા પીડનને પણ દૂર કરવું. આ રીતે માંસાહારના ત્યાગની પાછળ સ્વશુદ્ધિ અને અહિંસાદયા-કરુણાની લાગણી જ કામ કરતી જણાય છે. જરાક વધુ ઝીણવટથી વિચારતાં સ્વશુદ્ધિ અને કરુણા એ બે પણ કોઈ એક જ શુભ પ્રવૃત્તિનાં અવિભાજ્ય બે અંગો જણાય છે. વળી જેઓએ જીવનશોધનની દૃષ્ટિએ અહિંસા અને કરુણાનું પ્રાધાન્ય સ્વીકાર્યું છે, તેઓએ તો માંસાહારનો ત્યાગ કરવાનો આદેશ આપીને જ સંતોષ નહીં માનતાં શાકાહારમાં પણ અનેક નાની-મોટી મર્યાદાઓનું સૂચન કર્યું છે.
સામાન્ય દષ્ટિએ વિચારતાં તો એમ જ લાગે છે કે અમુક ધર્મ-સંસ્કૃતિ અમુક પ્રમાણમાં માંસાહારનો ત્યાગ ઉપર ભાર આપે છે, તો અન્ય ધર્મ એથી અનેકગણો વધારે ભાર માંસાહારનો ત્યાગ ઉપર આપે છે. આ તો સામાન્ય ખ્યાલની વાત થઈ. આનો વધુ ઝીણવટભર્યો વિચાર કરીએ તો આ ભેદભાવનાં ઊંડાં મૂળ જેમ તે-તે ધર્મના પ્રવર્તકોમાં તેમ દરેકના અનુયાયીઓની પ્રકૃતિમાં પણ વિશેષ પ્રમાણમાં રોપાયેલાં છે એ વાતનો સ્વીકાર કર્યા વગર ચાલે એમ નથી. એક ધર્મસંસ્કૃતિ અમુક મર્યાદા સુધીની અહિંસાનું પાલન કરવાની આજ્ઞા કરતી હોય, અને એનો કહેવાતો અનુયાયી એ આજ્ઞાના ચોથા ભાગનું પણ પાલન કરવામાં પણ અશક્ત સાબિત થતો હોય, તો બીજી બાજુ અન્ય ધર્મસંસ્કૃતિ અહિંસાની અમુક મર્યાદાનો જ આદેશ આપતી હોવા છતાં એનો અનુગામી એ આદેશ કરતાં અનેકગણી વધારે અહિંસાને જીવનમાં ઉતારતો હોય.
વસ્તુસ્થિતિ આવી હોવાથી અમુક ધર્મના અનુયાયી જ અહિંસાનું ઝીણવટપૂર્વક પાલન કરી શકે અને અમુક ધર્મનો નહીં – એવી મર્યાદા આંકવી બરાબર ન ગણાય. વ્યક્તિવિશેષના આત્મામાં રહેલી અહિંસાવૃત્તિનો ઈન્કાર તો કેમ કરી ભણી શકાય ? પાળે તેનો ધર્મ' એ આપણા પૂર્વજોની અનુભવવાણીનું આ જ રહસ્ય છે.
આપણે ત્યાં જેમ જીવદયાના પ્રચાર ઉપર અને માંસાહારનો ત્યાગ ઉપર ભાર દેવામાં આવે છે, તેમ આજે તો દરિયાપારના કેટલાક દેશમાં પણ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનું નિવારણ કરવા માટે પ્રયત્ન કરતાં મંડળો સ્થાપવામાં આવ્યાં છે.
તાજેતરમાં હિન્દુસ્તાનમાં આવેલ એક અમેરિકન બાન શ્રીમતી ઑડી કાર્કેરીનો અમદાવાદથી પ્રગટ થતા “હિંસાવિરોધ' પત્રના તા. ૧-૫-૧૯૫૩ના અંકમાં છપાયેલ નીચેનો પરિચય અહિંસા અને દયાના પ્રેમીઓને રસપ્રદ થઈ પડશે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org