________________
૧૩૬
જિનમાર્ગનું જતન
સુધી કરી શકશે ? એટલે આ કામથી સરકારે દૂર રહેવું તેવી માગણી પ્રજાના અમુક વર્ગના હક્ક છીનવી લેવાની દૃષ્ટિથી નહિ, પણ કોઈ એક પ્રજાજૂથ અને પ્રજાતંત્રના સંચાલકો વચ્ચે તેમ જ બે પ્રજાજૂથો વચ્ચે ગજગ્રાહ જામવાને બદલે સુમેળ બની રહે, એ દીર્ઘ દૃષ્ટિથી જ કરવામાં આવી છે; એનું એ રીતે જ મૂલ્યાંકન થવું જોઈએ.
કોઈનો હક્ક કે ધંધો છીનવી લેવાની કે એના ઉપર પ્રતિબંધ મૂકવાની પણ કોઈ વાત નથી; તેમ જ કોઈને માંસ ખાતા અટકાવવાનો પણ કોઈ સવાલ નથી. આમાં તો માત્ર જે કાર્ય સરકારે કરવા જેવું નથી અને જે સરવાળે દેશની એકતા અને અમનના હિતમાં નથી, એમાંથી સરકારને રોકવાની જ વાત છે.
વળી, પ્રજાનો અમુક વર્ગ પોતાની આજીવિકા માટે આવકના એક સાધન રૂપે મત્સ્ય-માંસનો વેપાર કરે એ એક વાત છે, અને આપણી સરકાર દેશના આર્થિક વિકાસના ખ્યાલથી કે નિકાસ દ્વારા પરદેશી હૂંડિયામણ રળવાના એક સાધન તરીકે આવા હિંસક અને પ્રજાના મોટા ભાગના મનને દૂભવે એવા માર્ગનો ઉપયોગ કરે એ તદ્દન જુદી વાત છે. અને અહિંસાની ભૂમિનું ગૌરવ પ્રાપ્ત કરનાર હિંદુસ્તાનની સરકારને
જ્યારે અમુક રકમનું વળતર કરવા માટે આવા હિંસક માર્ગોનો આશ્રય લેતી જોઈએ છીએ, ત્યારે તો સહેજે મનમાં ખેદ અને દુઃખ થઈ આવે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? શું આપણી આર્થિક ભૂખ એટલી ભયંકર અને ઉગ્ર બની ગઈ છે કે એમાં આવા હિંસક માર્ગો અપનાવ્યા વગર આપણી સરકારને ચાલે નહિ? આવા વિવાદાસ્પદ માર્ગે પૈસા રળીને વિકાસયોજનાઓ ઝડપથી આગળ વધારવાને બદલે એની ગતિ થોડીક ધીમી રહે, અને અમન વધે તો શી હરકત છે? અરે, જે પૈસો અત્યારે બેફામ રીતે વપરાઈ રહ્યો છે, એમાં કરકસર અને સદુપયોગનું ધ્યાન રાખવામાં આવે તો પણ એટલા પૈસા આપણે ખુશીથી બચાવી શકીએ અને આવા હિંસામય માર્ગેથી બચી શકીએ.
આ બાબતને શ્રી “સ્નેહાબ્ધિએ આ દૃષ્ટિએ સમજવાની કોશિશ કરી હોત તો તેઓ લોકલાગણીનું હાર્દ સમજી શકત અને આવા અસંગત વિચારોને પ્રગટ કરવાની મહેનતમાંથી બચી શકત.
અમદાવાદના નાગરિકોની સભાના ઠરાવ દ્વારા આ માગણી કેવળ માનવતા અને અહિંસાની ભાવનાથી પ્રેરાઈને જ કરવામાં આવી છે; અને આપણી મધ્યસ્થ અને પ્રાદેશિક સરકારોએ એને એ રીતે જ સમજવી ઘટે છે.
(તા. ર૯-૧૦-૧૯૬૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org