________________
મહાવીર-જીવન : ૪
૧૦૫
વધાર્યો અને પશુઓના તોલે તોલાતા ગુલામોને માનવ-અધિકારોના અધિકારી બનાવ્યા. અહિંસાના મનોહર ક્રીડાંગણમાં ન કોઈ અબળા, ન કોઈ ગુલામ; જેનું મન ચાહે એ આવીને એ ક્રીડાના ઉપવનનો આનંદ લૂંટી શકે – એ આ ઘટનાનું ઉદ્દબોધન હતું. નાની-શી લાગતી આ ઘટનાનાં સમાજજીવન ઉપર ભારે દૂરગામી પરિણામો આવ્યાં.
કીર્તિની લાલચમાં કર્તવ્યનો માર્ગ ન ચૂકવો અને સાધનાને અધૂરી ન મૂકવી -- એ છે ભગવાનના અનુકૂળ ને પ્રતિકૂળ ઉપસર્ગોનો બોધપાઠ.
અને સંસારી, સાધુ-સંન્યાસી સૌકોઈને માટે સમાન રીતે ઉપકારક બની શકે એવો ભગવાનના જીવનનો એક મહત્ત્વનો બોધપાઠ તે એમના મૌનનો. જ્યાં સુધી આત્માનો અને જગતુતત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર ન થાય, ત્યાં સુધી ગૈતુનો ઉદ્ધાર કરવાની એટલે કે બીજા જીવોને ધર્મ-ઉપદેશ આપવાની લાલચથી સર્વથા અળગા રહેવું એ વાણીને અમોઘ બનાવવાનો સાચો માર્ગ છે. સત્યની સાધના વિના એ ન થઈ શકે. આજે તો અધૂરા ઘડા ઠેર-ઠેર છલકાતા દેખાય છે અને પોતાના અજ્ઞાન કે અર્ધજ્ઞાનને કારણે ધર્મબોધને નામે કંઈ કેટલાં ક્લેશ-કંકાસ અને અજ્ઞાન-અંધશ્રદ્ધાને જન્માવી રહ્યા છે.
ભગવાનના તીર્થંકર-જીવનનો બોધપાઠ તો કરુણા, દયા, અહિંસા અને વિશ્વ વાત્સલ્યનો જ છે. અહિંસાના સાક્ષાત્કાર સમક્ષ વૈરવિરોધ ન ટકી શકે; ત્યાં તો
સ્નેહ અને વાત્સલ્યનાં જ પૂર વહે. વળી ધર્મનાં દ્વાર સર્વ જીવો માટે સર્વદા ખુલ્લાં જ હોય – એ છે ભગવાનના સમવસરણનો બોધપાઠ.
મમત, કદાગ્રહ અને પૂર્વગ્રહોથી પ્રેરાઈને કરેલાં વાદવિવાદ અને જીભાજોડી મિથ્યા છે. સત્ય સમજવું હોય તો સૌની વાતને સમજો, વિચારો અને તમારી વાત સામાને સમજાવો; વસ્તુના એકાદ અંશને સંપૂર્ણ સત્ય ન માની બેસો – એ છે ભગવાનના વિભજ્યવાદ, સ્યાદ્વાદ, અનેકાન્તવાદનો બોધ. એ બોધને ભૂલીને આજે આપણે કેટલા ક્લેશ-કંકાસમાં ફસાઈ ગયા છીએ !
પ્રભુની આ અહિંસાની કસોટી તો પ્રભુના સાધનાકાળ દરમ્યાન અનેક વાર અનેક ભયંકર ઉપસર્ગો વખતે થઈ ચૂકી હતી, છતાં અહિંસાની પ્રભાનું સૌથી વધુ ઝળહળતું દર્શન જનતાએ જ્યારે ગોશાળાએ પ્રભુ ઉપર તેજોવેશ્યા મૂકી તે વેળાએ કર્યું, શું વિકટ એ અવસર અને શું વિરલ એ અગ્નિપરીક્ષા! પોતાના બે-બે શિષ્યો ભસ્મસાત્ થવા છતાં પ્રભુ લેશ પણ વિચલિત ન બન્યા! અને છેવટે પોતાની જાત ઉપર મુસીબત આવી પડી ત્યારે પણ જાણે એ જ સમતા-રસનો દરિયો લહેરાતો હતો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org