________________
ઉમળકાભર્યા હૈયે આવકાર વિવિધ વિષયોમાં આજકાલ જે રીતે પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરવા માટે અલગ અલગ વિષયોમાં સર્વતઃ સ્પર્શતો મહાનિબંધ લખાય છે અને એક જ વ્યક્તિ એક જિંદગીમાં એક વિષય ઉપર એ રીતે એક મહાનિબંધ લખે છે અને તે ડૉક્ટરેટની પદવી મળે છે.
એ હિસાબે અને એ માપે જો જોવા જઈએ તો શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈને તેમના કાર્યનો વ્યાપ અને ઊંડાણ જોતાં કેટલી પદવી આપવી જોઈએ !
એક જ નાની જિંદગીમાં કેટલા વિષય ઉપર કેટલી ઝીણવટથી સમગ્રપણે, શ્રમપૂર્ણ ('થરો) પદ્ધતિનું કેટલું બધું કામ કર્યું છે અને એ કામ એટલું તો તલસ્પર્શી કર્યું છે કે તેઓના “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ’ એ પુસ્તકના અનુગામી કામ રૂપે જૈન સાહિત્ય વૃત્ તિહાસના ૧૦ ભાગ પ્રકાશિત થયા છતાં “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસની ગરજ તો ઊભી જ રહે છે. તેઓની કાર્યપદ્ધતિ જોતાં એવું મનમાં થાય છે કે તેઓએ લખેલું જે કોઈ નાનુંમોટું લખાણ કોઈ ગ્રન્થની પ્રસ્તાવનારૂપે હોય કે કોઈ ગ્રન્થના પરિચય રૂપે હોય પણ તે સર્વ સંકલિત કરીને ગ્રન્થસ્થ થઈ જવું જોઈએ.
એ વિચારના જ પ્રતિભાવ રૂપે આ ગ્રન્થ પ્રકાશિત કરવામાં આવે છે. સન ૧૯૧૩ની ત્રીજી માર્ચ. એટલે કે આજથી ચોર્યાસી વર્ષ પહેલાં આ વિષય “બૌદ્ધ અને જૈન મતના સંક્ષેપમાં ઇતિહાસ – સિદ્ધાન્તો અને વૈદિક ધર્મ સાથે તુલના” ઉપર નિબંધ લખવાનું જાહેર થયું.
આ બીડું ઝડપીને શ્રી મોહનભાઈએ કલમ ચલાવી છે. તેઓને પહેલેથી આ વિષય “અગાધ, ગૂઢ અને ચિંતનશીલ” જણાયો છે અને વાચક જોઈ શકશે કે તેમણે બન્ને ધર્મના ઇતિહાસ ને સિદ્ધાન્તોનો સંક્ષેપમાં પરિચય આપવા માટે તે તે વિષયનો દરિયો ઉલેચ્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે પણ આવા ચિરકાળપર્યન્ત જ્ઞાનધન કરતાં રહે તેવાં પ્રાણવાન પ્રકાશનો કરવાની પરંપરાને જાળવી રાખી છે. સંપાદક તરીકે શ્રી કાંતિભાઈએ પણ સંકલન કરવામાં ઘણી જહેમત ઉઠાવી છે અને બૌદ્ધ પરંપરાના લખાણમાં સરતચૂકથી પણ કાંઈ વિગતદોષ કે અસતુ નિરૂપણ થઈ ગયું હોય તો તે એમ ને એમ ન રહી જવા પામે અને તેનું નિવારણ થઈ જાય એ હેતુથી દર્શનશાસ્ત્રનાં નિપુણ અભ્યાસી શ્રી એસ્તેરબહેન સોલોમનની પાસે તે વંચાવ્યું છે. જૈન ધર્મ સંબંધી નિરૂપણ તો શ્રી મોહનભાઈનું સ્વચ્છ અને યથાશક્ય પૂર્ણ હોય તે સ્વાભાવિક જ છે. આ પુસ્તકનાં પાનાંમાંથી પસાર થતાં એક એવી લાગણી થઈ આવી કે માત્ર પહેલો ખંડ એક જુદા પુસ્તકાકારે પ્રકાશિત કરવામાં આવે તો “જૈન ધર્મ : એક પરિચય” એવા અથવા એના જેવા શીર્ષકથી એ પુસ્તક પ્રકાશિત થાય તો તે જૈન ધર્મના પરિચય કરાવનાર પુસ્તકોમાં મૂલ્યવાન ઉમેરો થઈ શકે.
આ ગ્રંથના વાચનથી શ્રી મોહનભાઈની લેખનશૈલીનો પણ પરિચય મળે છે. એક વિષયના અનુસંધાનમાં શું શું લખાયું છે તેનો પરિચય મેળવીને વિષયની સંકલન કરીને તેનું કડીબદ્ધ નિરૂપણ કેવી રીતે થઈ શકે તેનો પણ અંદાજ આપણને મળે છે. અંતે આવા અભ્યાસપૂર્ણ ગ્રન્થને હૃદયના ઉમળકાથી આવકારતાં ખૂબ હર્ષનો અનુભવ થાય છે. દાદાસાહેબ જૈન ઉપાશ્રય,
– પ્રદ્યુમ્નસૂરિ કાળા નાળા, ભાવનગર (સૌરાષ્ટ્ર),ભાદ્રપદ, શુક્લ એકાદશી, (જગદ્ગુરુ હીરવિજયસૂરિ-સ્વર્ગારોહણ દિવસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org