________________
૮૨ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ન ઝેલે હો. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી' ઇત્યાદિ. વીસમા સ્તવનમાં આત્મા વિશેના ભિન્નભિન્ન મતો અને તેમનો પ્રતિષેધ છે. કોઈ આત્માને બદ્ધ માનતા નથી અને છતાં ક્રિયાઓ કરે છે. આત્મા બદ્ધ નથી એટલે શુદ્ધ છે. જો તે શુદ્ધ છે તો પછી જપ, તપ આદિ ક્રિયાઓ સાધના ની શી જરૂર ? કોઈ જડ-ચેતન, સ્થાવરજંગમ સર્વમાં એક આત્મા છે એમ માને છે. પરંતુ જો એમ હોય તો એક માણસને સુખ થતાં બધાંને સુખાનુભવ થાય, એકને દુઃખ થતાં બધાંને દુઃખાનુભવ થાય, સર્વનાં સુખદુઃખ સેળભેળ થઈ જાય. કોઈ આત્માને ફૂટસ્થંનિત્ય (એકાન્ત અપરિવર્તિષ્ણુ) માને છે. પરંતુ એમ માનતાં બંધોક્ષ, સુખદુઃખનો અવસ્થાભેદ નહીં ઘટે. બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે, પરંતુ તેમ માનતાં કૃવિનાશ અને અકૃતાગમ દોષ આવે. જેણે કર્મ કર્યું તેને ફળ ભોગવવાનો સમય નથી (કૃતિવિનાશ) અને જે ફળ ભોગવે છે તેણે કર્મ કર્યું નથી(અકૃતાગમ). આમ કર્મસિદ્ધાન્તનો લોપ થાય છે. કૃતિવનાશ અને અકૃતાગમ એ દોષો આત્મનિત્યત્વમાં ઘટાવવા કઠિન છે. તેથી મેં ચોથી અને પાંચમી કડીઓની બીજી પંક્તિનો સ્થાનફેર કર્યો છે. ટબાકાર જ્ઞાનવિમલસૂરિ અને અન્ય વિવેચકોના ધ્યાન બહાર આ હકીકત રહી ગઈ છે. સમીક્ષાત્મક વાચના તૈયાર કરનારે આ અંગે વિચારવું જોઈએ.
ચાર્વાકો માને છે કે ચાર ભૂતોથી અલગ આત્મા નામનું સ્વતંત્ર તત્ત્વ નથી. આનંદઘનજી કહે છે કે આત્મતત્ત્વ હોવા છતાં તેઓ તેને ન દેખી શકે તો તેમાં આત્મતત્ત્વનો શો અપરાધ ? શકટને અંધ ન દેખે તેમાં શક્ટનો દોષ નથી, અંધનો દોષ છે. આત્મા વિશેના આ વિવિધ મતોમાં અટવાઈ ગયેલો ભક્ત ખરેખર આત્મા કેવો છે એ જાણવા આતુર થઈ પ્રભુને શરણે જાય છે. જગદ્ગુરુ તેને બધા મતમતાંતર છોડી, રાગ-દ્વેષ-મોહનો ત્યાગ કરી. આત્માનું ધ્યાન કરવા યોગસાધનાનો માર્ગ ગ્રહવા સલાહ આપે છે અને કહે છે કે એનાથી જ આત્માનો સાક્ષાત્કાર થશે, બીજું બધું વાજાળ છે.
એકવીસમા નેમિનાથના સ્તવનમાં સમન્વયની ઉદારતા દૃષ્ટિગોચર થાય છે. છ દર્શનોને જિનવરનાં અંગો ગણ્યાં છે. સાંખ્યયોગ બે પગ છે, બૌદ્ધ અને વેદાન્ત બે હાથ છે, ચાવિક કૂખ છે અને જૈન દર્શન મસ્તક છે.
ચૌદમા સ્તવનમાં સાચી સમજણ વિનાના ક્રિયાકાંડ પ્રતિ અણગમો વ્યક્ત કરતાં આનંદઘનજી કહે છે, ‘શુદ્ધ શ્રદ્ઘાન વિણ સર્વ કિરિયા કરે, છાર ૫૨ લીંપણું તેહ જાણો.’ વીતરાગને અનુસરવાની પ્રતિજ્ઞા કરનાર જૈન સાધુઓને વાડાઓ રચી અંદરોઅંદર ઝઘડતા તેમજ ઉદર ભરવા અને અહંકાર પોષવા અનેક કાર્યો કરતા દેખી આનંદઘનજીનો સંત આત્મા પુકારી ઊઠે છે, “ગચ્છના ભેદ બહુ નયણ નિહલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલરાજે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org