________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા ૨૧
કથાસાહિત્યની દૃષ્ટિમાં જે નિજી રૂપ પ્રગટ્યું. લાક્ષણિકતા પ્રવેશી તેનું દર્શન કરવાનો આ લેખમાં અભિગમ રહ્યો છે.
વાતવિકાસની દૃષ્ટિએ જૈન ધારામાં આગમના પ્રથમ અંગની ત્રીજી ચુળામાં મળતી મહાવીરજીવનકથા, પાંચમા અંગમાં મળતી “ભગવતી-વિવાહ-પણત્તિ' અને છઠ્ઠા અંગમાં મહાવીરમુખે વહેલી “ણાયધમ્મકહાઓ” અત્યંત મહત્ત્વની છે. અહીં લોકકથા, દૃષ્ટાંતકથા, દંતકથા, રૂપકગ્રન્થિકથા, સાહસ અને પ્રવાસની કથા, અદ્ભુતરંગી પરીકથા, ચોર-લૂંટારાની કથા એમ વિવિધ પ્રકારના ભારતીય કથાસાહિત્યનો પરિચય મળે છે. આથી “ણાયધમ્મકહાઓ' પ્રાચીન વૈવિધ્યસભર કથાસંગ્રહ છે. ચારે પુત્રવધૂઓને પાંચ-પાંચ ચોખાના દાણા આપી, પ્રત્યેકનાં બુદ્ધિમત્તા અને વલણ તારવી, તદનુરૂપ વ્યવહાર સોંપતા સસરાના ચાતુર્યની કથામાં લોકરંજક કથાનું જ પૂર્ણ રૂપ છે. સામાન્ય મનોરંજક ટુચકામાં અભિનવ અર્થનો પ્રાણ પૂરી નવા પ્રકાશથી અજવાળવાની કલાનું દર્શન કમળ પ્રાપ્ત કરતા સાધુની દૃષ્ટાંતકથામાં મળે છે. સરોવર વચ્ચે રહેલા કમળની નજીક રહેલી ચાર વ્યક્તિઓ એને પ્રાપ્ત કરી શકતી નથી, સાધુ દૂર છે છતાં માત્ર શબ્દોચ્ચારે કમળ લઈ શકે છે. કથાની આ ચમત્કારયોજનામાં ઘટનાતત્ત્વની દૃષ્ટિએ આકર્ષક નાવીન્ય છે એથી વિશેષ એના રૂપકાત્મક અર્થદર્શનમાં છે. સરોવર તે વિશ્વ ને પદ્મ તે રાજા. પેલી ચાર વ્યક્તિ તે રાજાને પરિચિત ને નિકટ એવા ધર્મપળ્યો. રાજકુલથી દૂર છતાં કેવળ શ્રદ્ધા જન્માવવાના સામર્થ્યને કારણે જૈન ધર્મ રાજ્યાશ્રય પ્રાપ્ત કરી શક્યો એનું રૂપકગ્રન્થિ દૃષ્ટાંત છે. અર્થની રીતે સામાન્ય ને તુચ્છ લાગતો ટુચકો વિશેષ દૃષ્ટિબિન્દુ અને અર્થનો વાહક બની દૃષ્ટાંતકથા બને છે ત્યારે સજીવ સાહિત્યસ્વરૂપ બને છે. ટુચકાઓને આવું રૂપ જૈન ધારાએ આપ્યું છે. ઉત્તરાધ્યયનમાં પણ આ પ્રકારનાં દૃષ્ટાંતકથાનકો (parables) મળે છે.
‘ણાયધમ્મકહાઓ'ની બીજી મૂલ્યવત્તા એમાં પ્રતિબિંબિત થતા સમાજજીવનને કારણે છે. પુત્રજન્મની ખુશાલીમાં રાજા કેદીઓને તો છોડી મૂકે. સાથોસાથ તોળવા અને માપવાનાં સાધનોનાં માપ પણ મોટાં કરવાની આજ્ઞા કરે, ધનની ક્ષણિકતાને સાબિત કરવા માટે મેહકુમાર ધનને અગ્નિ અને ચોરથી અરક્ષિત હોઈ નાશવંત ગણાવતાં એવા ત્રીજા ભયસ્થાન રૂપે રાજાને ગણતરીમાં લે. દેવદત્તાના અપહરણનો પત્તો ન લાગતાં સાર્થવાહ ભેટસોગાદ લઈને જ કોટવાલ પાસે ફરિયાદ નોંધાવવા પહોંચે, વગેરે પરિસ્થિતિમાં પ્રાચીન સમાજ અને રાજવ્યવસ્થાનું સ્વાભાવિક પ્રતિબિંબ મળે છે.
વાસ્તવમાં કોઈ કાળે સમાજમાં પ્રવર્તતી સ્થિતિ, સાહિત્યમાં એક યા બીજા રૂપમાં પ્રતિબિંબિત થતી જ હોય છે. લગ્ન પરત્વેનાં ધોરણો અને બંધનો અસ્તિત્વમાં આવી સ્વીકારાયાં તે પહેલાંનાં અને સંધિકાળનાં કથાનકોમાં એક લોહીનો સંબંધ ધરાવતાં ભાઈ અને બહેન વચ્ચેના શરીરસંબંધનો ઉલ્લેખ, આ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org