________________
૨૩૮ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
વિશિષ્ટ પરિમાણ અર્પે છે, રૂક્મિણી, સત્યભામા પાવતી આદિએ કરેલો નેમિનાથનો અનુનય એક-એક ઢાળમાં આલેખાતો જાય એવી યોજનાને કારણે એ પ્રત્યેકનાં વ્યક્તિત્વ ને વાણીચાતુર્ય પણ નિરાળી રીતે પ્રગટ્યાં છે. પુરુષના નારીશૂન્ય જીવનની શુષ્કતા ને એમ નારીસ્નેહનો મહિમા સ્ત્રીઓની જ ઉપાલંભભરી નક્તિઓમાં કવિએ આલેખ્યો હોવાથી પ્રેમનું એક લાક્ષણિક ને
સ્વાદ્ય રૂપ આલેખી શકાયું છે. આ કારણે “નારીને નાવડિયે બેસી તરવો પ્રેમસમુદ્ર એવા કંઈક રૂઢ અલંકરણને આલેખતી પંક્તિ પણ કાકુને બળે રસિક બને છે, તો ‘અલબેલીને આલિંગને રે કંકણની પડે ભાત્યો' એવી સ્પષ્ટપણે તાજગીપૂર્ણ ને કાવ્યાત્મક પંક્તિઓ પણ એમાં ચમકી જાય છે. કવિની રસિકતા ને કલ્પનાને પ્રગટવા કથાનકના આવા રચનાવિધાનનો ખાસ્સો લાભ મળી ગયો છે. આ રાણીઓના રૂપલાવણ્યને તેમજ લગ્નોત્સુક રાજુલ અને નેમિનાથ બન્નેના દેહસૌન્દર્યને આલેખવાનું પણ કવિ ચૂક્યા નથી. આ આલેખનો પણ ઠીકઠીક અસરકારક બન્યાં છે.
કરણમાં પલટાતા ને શાંતમાં પર્યવસાન પામતા મૂળ કથાનકના ઉત્તરાર્ધને કવિએ સંક્ષેપમાં સમેટી લીધો છે કારણકે એમને કૃતિને સપ્રયોજન ને સંકલ્પપૂર્વક એકરસકેન્દ્રી રાખવી છે. છેલ્લી ઢાળમાં એમણે કહ્યું પણ છે કે રાજુલવિલાપને પ્રાધાન્ય નથી આપ્યું કારણકે પોતાને “રસ-વેલી જ આલેખવી છે ને એમાં કરણનું આલેખન એ સાકરમાં ખાર’ નાખવા જેવું ને “કમલકેલિમાં કાંટા” રોપવા જેવું બને.
ઢાળ બદલાતાં જેમ પાત્રોક્તિ બદલાય છે એમ દેશી પણ બદલાય છે એ કૃતિના રચનાબંધની દૃષ્ટિએ ઉચિત લાગે છે. પ્રત્યેક નારીના ઉદ્દગારને માટે એમણે સરખી કડીઓ આપી છે એમાં પણ પદ્યબંધની એમની ચોકસાઈ જોઈ શકાય. અનુપ્રાસાત્મક ભાષા પણ કૃતિને સમૃદ્ધ કરે છે.
આવી એકાદ વિશિષ્ટ કૃતિથી પણ ઉત્તમવિજય મધ્યકાળના અલ્પસંખ્ય સર્જક કવિઓની હરોળમાં આવી શકે. મધ્યકાળના વિસ્તીર્ણ પદ્યરાશિમાંથી તારવેલી સર્જકશક્તિવાળી આવી કૃતિઓનો સંચય પણ હવે આપણી એક મોટી આવશ્યકતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org