________________
૨૭૬ ૦ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર પ્રબોધટીકા-૨
અહીં પ્રશ્ન એ થાય છે કે ‘કર્મનો બંધ' આગંતુક વ્યાધિ જેવો સામાન્ય નથી પણ દેહમાં વ્યાપેલા વિષ જેવો ભયંકર છે, એટલે તેના નિવારણ માટે ‘પ્રતિક્રમણ' વગેરે સામાન્ય ઉપાયો શું કામના ? તાત્પર્ય કે તેનાથી કાર્ય-સિદ્ધિ થવાનો સંભવ નથી. તેનો ઉત્તર આ બે ગાથાઓમાં આપવામાં આવ્યો છે.
કુશલ વૈદ્યો માત્ર સામાન્ય રોગો મટાડનારા જ હોતા નથી, પરંતુ મંત્ર અને મૂલના ઉપયોગમાં પણ નિષ્ણાત હોય છે, એટલે કોઈને સ્થાવર કે જંગમ ગમે તે પ્રકારનું વિષ ચડ્યું હોય, તેને પોતાના મંત્ર-બળથી અથવા જડીબુટ્ટીના પ્રયોગથી ઉતારી નાખે છે અને એ રીતે તેઓ વિષ-ગ્રસ્ત વ્યક્તિને નિર્વિષ બનાવી દે છે. તે જ પ્રમાણે એક શ્રાવક જે વ્રતધારી, શીલવંત, ગુણવંત, ઋજુવ્યવહારી, ગુરુ-શુશ્રુષા કરનાર અને પ્રવચનમાં કુશલ હોય છે, તે આલોચના અને નિંદાનો યથાર્થ મર્મ જાણનાર હોવાથી તેનો વિધિ એવી કુશલતા-પૂર્વક કરે છે કે રાગ અને દ્વેષના બળથી એકઠું થયેલું આઠે કર્મનું ઝે૨ નિઃસત્ત્વ બની જાય છે. પરિણામે તેનો આત્મા કર્મરૂપી વિષથી રહિત બનીને ‘અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય’ને પ્રકટાવે છે. તેથી આલોચના અને પાપ-નિંદાની મુખ્યતાવાળી ‘પ્રતિક્રમણ-ક્રિયા’ એ કોઈ સામાન્ય ઉપાય નથી પણ અચિંત્ય પ્રભાવવાળું અદ્ભુત આયોજન છે, કે જેના લીધે મનુષ્ય જીવનના મહાન ઉત્કર્ષને સાધી ઇષ્ટફલની પ્રાપ્તિ કરી શકે છે.
આ ૩૮ તથા ૩૯મી ગાથાઓ વર્ણમેળના છંદમાં છે. તે ‘સિલોગ’ અથવા ‘અનુષ્ટુપ’ છંદમાં છે.
(૩૮/૩૯-૫) જેમ શરીરમાં ઝેર વ્યાપ્યું હોય તો મંત્ર-મૂલ-વિશારદ વૈદ્યો તેનો મંત્ર વડે ઉતા૨ કરે છે અને તેથી તે નિર્વિષ થાય છે; તેમ પ્રતિક્રમણ કરનાર ગુણવંત સુશ્રાવક પોતાનાં પાપોની આલોચના અને નિંદા કરતો થકો રાગ અને દ્વેષ વડે ઉપાર્જન કરેલાં આઠે પ્રકારનાં કર્મોને શીઘ્ર ખપાવી દે છે.
અવતરણિકા-ફરી તે જ વસ્તુ શાસ્ત્રકાર ભગવંત ભાર ઉતારેલા મજૂરના દૃષ્ટાંતથી નીચેની ગાથા દ્વારા વધારે સ્પષ્ટ કરે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org