________________
સર્વ સામાન્ય દૂધ કરતાં 400 ગણું વધુ દૂધ મેળવવા માટે ગાય-ભેંસને બળજબરીપૂર્વક કૃત્રિમ રીતે સતત સગર્ભાવસ્થામાં રાખવામાં આવે છે. પરિણામે વિવિધ પ્રકારની એન્ટિબાયોટિક્સ દવાઓ અને અકુદરતી પરિસ્થિના કારણે તેને વિશાળ પ્રમાણમાં અજાણ્યા ચેપી રોગો થાય છે. નવાં તાજાં જ જન્મેલા વાછરડાં-વાછરડી, પાડા-પાડીને તેમની માતાઓથી એક- બે દિવસમાં જ વિખૂટાં પાડી દેવામાં આવે છે, જેથી તેમના માટે ઉત્પન્ન થયેલ દૂધ આપણે પી શકીએ. તે વાછરડાંવાછરડી, પાડા-પાડીને કતલ કરી સફેદ માંસ મેળવવા માટે અંધારા લાકડાના પાંજરામાં રાખવામાં આવે છે અને એનીમિઆ થાય તેવો પ્રવાહી ખોરાક આપવામાં આવે છે.
મોટા ભાગે ચીઝ બનાવવા દૂધને જમાવવા વપરાતું મેળવણ રેનેટ (Rennet) પ્રવાહી પાચક રસ ખૂબ જ યુવાન અને તાજાં જ મારી નાંખેલાં વાછરડાં-વાછરડીની હોજરીમાંથી મેળવવામાં આવે છે.
મરઘી :
ફેક્ટરી ફાર્મની ઈંડાં ઉત્પન્ન કરતી મરઘીઓને એકથી બે ચોરસ ફૂટની જગ્યામાં તારના પાંજરામાં બાંધી રાખવામાં આવે છે. 90% ઉપરના ઈંડાં આવા ફેક્ટરી ફાર્મમાંથી આવે છે. બ્રોઈલરની મરઘીનાં બચ્ચાંનુ આયુષ્ય માંડ 8 થી 10 અઠવાડિયાં હોય છે અને એક બચ્ચાં માટે માંડ અડધો ચોરસ ફૂટ જગ્યા હોય છે.
આ અતિગીચતા મરઘીઓમાં એવો તણાવ અને ચીડિયો સ્વભાવ પેદા કરે છે કે તેઓ પરસ્પરનાં પીછાં ખેંચે છે, ચાંચો મારે છે અને પાડોશી બચ્ચાંને પણ મારીને ખાઈ જાય છે. આના ઉકેલ તરીકે બધી મરઘીઓ તથા તેનાં બચ્ચાંઓની ચાંચનો ઉપરનો અને નીચેનો અધો ભાગ અને પગના નખ ગરમ છરી વડે કાપીને બૂટ્ટા બનાવી દેવામાં આવે છે. તેઓને સતત આછા અજવાળામાં રાખવામાં આવે છે અને તેમના ખોરાક અને પાણીમાં તણાવ પ્રતિરોધક રસાયણો નાખીને ખવડાવવામાં આવે છે.