________________
શ્વેતાંબર પરંપરાને લાગે વળગે છે ત્યાં સુધી હું ચોક્કસ કહી શકીશ કે કોઈ જ ધર્મગ્રંથો (આગમો)માં દેરાસરમાં-પૂજામાં દૂધનો ઉપયોગ કરવાનું વિધાન નથી. દગંબર પરંપરા અંગે શ્રી અતુલ ખારા (જૈન કેન્દ્ર, ડલ્લાસ, ટેક્સાસના ભૂતપૂર્વ પ્રમુખ) જણાવે છે કે મોટા ભાગના દિગંબરો પૂજાવિધિમાં દૂધનો ઉપયોગ કરતા નથી અને કોઈપણ ધર્મગ્રંથમાં પણ દૂધ અને દૂધની બનાવટોના પૂજામાં ઉપયોગ અંગે નિર્દેશ પ્રાપ્ત થતા નથી. હિંદુ મંદિરોની પૂજા વિધિની સીધી અસર હેઠળ દક્ષિણ ભારતમાં કેટલાંક દિગંબર દેરાસરોમાં દૂધનો ઉપયોગ થાય છે. જો આપણે અંગત વ્યવહારમાં ડેરી પેદાશોનો ઉપયોગ કરીએ તો એ કાર્ય માટે અને તેના પરિણામ સ્વરૂપ પાપકર્મ માટે આપણે પોતે જ અંગત રીતે જવાબદાર છીએ. પરંતુ જો આપણે દેરાસરોમાં દૂધ વગેરે પેદાશોનો ઉપયોગ કરીએ તો એમ મનાય કે આખોય જૈન સમાજ સૌથી મોટું પાપ કરી રહ્યો છે. જૈન પૂજાવિધિમાં દૂધ અને દૂધની બનાવટો અમુક ચોક્કસ ધાર્મિક પ્રતીકોનું પ્રતિનિધિત્વ કરે છે, પૂજા વિધિમાં આપણે જે બનાવટોનો ઉપયોગ કરીએ તેનો સ્રોત હિંસામુક્ત/નિર્દયતામુક્ત હોવો જોઈએ. આપણી ધાર્મિક પૂજાવિધિનું મુખ્ય ધ્યેય આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરવાનો છે. એ વિધિવિધાનના પરિણામે આપણાં અહંકાર, લોભ, ક્રોધ, વિષયવાસના, પરિગ્રહમાં ઘટાડો થવો જોઈએ. આપણે આપણી પૂજાવિધિમાં દૂધના સ્થાને સાદું પાણી અથવા સોયાબીનનું દૂધ, ઘીના સ્થાને વનસ્પતિ જન્ય તેલ અને મીઠાઈઓના સ્થાને વિવિધ પ્રકારના સુકા મેવાનો ઉપયોગ કરવો જોઈએ. આપણી પૂજાવિધિમાં કરેલા આવા પ્રકારના પરિવર્તનની યુવા પેઢી જરૂર કદર કરશે.