________________
૧૧ ગુણસ્થાન અથવા ગુણશ્રેણી
જૈન શાસ્ત્રમાં કૈવલ્ય-ભૂમિને પહોંચવા માટે આત્માના ક્રમિક વિકાસની ચૌદ શ્રેણીઓ બતાવી છે. આ શ્રેણીઓને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન એટલે ગુણની અવસ્થા. આત્માનો ગુણ વિકાસ યથાયોગ્ય ક્રમશ ચૌદ શ્રેણીઓમાં થાય છે.
બધા પ્રાણીઓ પ્રાથમિક અવસ્થામાં તો પ્રથમ શ્રેણીમાં વર્તનારા હોય છે. પણ એમાંથી જેઓ આત્મબળ ફોરવી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, તેઓ ઉત્તરોત્તર શ્રેણીઓમાં યોગ્ય ક્રમથી પસાર થાય છે અને છેવટે બારમી શ્રેણીમાં નિરાવરણ એટલે કે વિતરાગ બની તેરમી શ્રેણીમાં જીવન મુક્ત પરમાત્મા બને છે. અને છેવટે મૃત્યુ સમયે ચૌદમી શ્રેણીમાં આવી તરત જ પરમ નિર્વાણધામ પ્રાપ્ત કરે છે.
મંદ પ્રયત્નવાળાઓને વચલી કેટલીક શ્રેણીઓમાં વધારે રોકાવું પડે છે, ચડતી-પડતી પણ ઘણી વખત ઘણી થાય છે. જેથી બારમી શ્રેણી સુધી જતા તેઓને ઘણો વખત લાગે છે.
૧૪ ગુણસ્થાનક
(૦૧) મિથ્યાત્વગુણસ્થાન
કોઇ પણ પ્રાણીમાં જ્યારે આત્મકલ્યાણ સાધનના માર્ગ વિષેની સાચી દૃષ્ટિ ન હોય, ઊંધી સમજ હોય કે અજ્ઞાન, ભ્રમ પ્રવર્તતા હોય ત્યારે એ આ પ્રથમ શ્રેણીમાં હોય છે. નાના કીડાથી માંડી મોટા મોટા પંડિતો અને તપસ્વીઓ સુદ્ધાં આ શ્રેણીમાં હોય છે. કેમકે વાસ્તવિક આત્મદૃષ્ટિ કે આત્મભાવના ન હોવી એ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના પરિણમે એમની અન્ય ઉન્નતિનું કશું મૂલ્ય નથી. ટૂંકમાં આત્મકલ્યાણ સાધનના માર્ગમાં કર્તવ્ય-અકર્તવ્ય વિષેના વિવેકનો અભાવ અને ખોટાં રૂઢિ વહેમમાં માનવું એ મિથ્યાત્વ છે.
(૦૨) સાસાદન ગુણસ્થાન
સાસાદન ગુણસ્થાન સમ્યગ્દર્શનથી (ચોથા ગુણસ્થાન થી) પડતી અવસ્થાનું નામ છે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ ક્રોધાદિ પરમ તીવ્ર (અનન્તાનુબન્ધી) કષાયોનો ઉદય થાય તો સમ્યક્ત્વથી પડવાનો વખત આવે છે. આ ગુણસ્થાન એવી પડતી અવસ્થા રૂપ છે એટલે આ ગુણસ્થાન ક્ષણમાત્રનું છે. ‘ઉપશમ' સમ્યક્ત્વથી પડનારને માટે જ આ ગુણસ્થાન છે.
જૈન દર્શન અને આચારની સરળ સમજ
71