________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
તેરહ પંથ - મૂર્તિપૂજક સંપ્રદાય તેઓ પણ મંદિરમાં તીર્થંકરની પૂજા કરે છે, પણ તેઓ ભટ્ટારકની સત્તાને કે અધિકારને સ્વીકારતા નથી. બનારસીદાસ આ સંપ્રદાયના સ્થાપક છે. તેઓ મંદિરમાં ફૂલો કે ફળો જેવા જીવંત દ્રવ્ય ધરાવતા નથી. તારણ પંથ - મૂર્તિપૂજામાં ન માનનારા તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી. તરણ તારણ સ્વામી આ પંથના સ્થાપક છે. ઉપરના દરેક સંપ્રદાયમાં બીજા ઘણા પેટા વિભાગો કે પંથ છે. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાય વચ્ચેનો ભેદ દિગંબર સંપ્રદાય માને છે કે આગમ સૂત્રો (મૂળ જૈન ધાર્મિક ગ્રંથો) મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ પછી પહેલી વાર ગ્રંથસ્થ થયા તે પ્રમાણભૂત નથી. જ્યારે શ્વેતાંબર સંપ્રદાય તેને પ્રમાણભૂત ધર્મગ્રંથો માને છે. દિગંબર વિદ્વાન આચાર્યો જે ઈ.સ. ૧૦૦ થી ૧૦૦૦ ની વચ્ચે થઈ ગયા, તેમણે જે જૈન સાહિત્યનું સંકલન કર્યું તે પુસ્તકો ને પ્રમાણભૂત ધર્મ ગ્રંથો દિગંબર સંપ્રદાય સ્વીકારે છે. દિગંબર પુરુષ સાધુઓ વસ્ત્ર ધારણ કરતા નથી, જ્યારે શ્વેતાંબરના બધા જ સાધુઓ વસ્ત્ર ધારણ કરે છે. દિગંબર માને છે કે સ્ત્રીઓ મુક્તિ મેળવી શકે નહીં. કારણ કે તેઓ પાંચમાં મહાવ્રત અપરિગ્રહનું (વસ્ત્રો નહિ રાખવાનુ)પૂર્ણ પાલન કરી શકે નહીં. શ્વેતાંબરો માને છે કે ઓછામાં ઓછા કપડાં જે શરીરને ઢાંકે તે પરિગ્રહ નથી તેથી સ્ત્રીઓ મુક્તિ મેળવી શકે છે. દિગંબર મંદિરોમાં તીર્થંકર પ્રભુની મૂર્તિ કોઈપણ શણગાર કે આંગી વગરની સહજ હોય છે. તેમની આંખો ધ્યાનમાં બેઠા હોય તેવી અર્ધબીડેલી હોય છે. તે સૂચવે છે કે તીર્થકર રાગ કે ગમા-અણગમાથી મુક્ત છે. શ્વેતાંબર સંપ્રદાયના મંદિરોમાં ભગવાનની પ્રતિમાને ભવ્યતાથી શણગારેલી હોય છે. તેમની આંખો શાંતિ, પ્રેમ અને કરુણાનો આબેહૂબ સંદેશ આપે છે. તેઓની મૂર્તિ, ઉપદેશ આપતા તીર્થકરનું પ્રતીક છે.
128
જૈન દર્શન અને આચારની સરળ સમજ