________________
વિભાગ-4 જૈન સંપ્રદાયો અને ધર્મગ્રંથો
૧૮. જૈન મંદિરો
જૈન મંદિરો ભક્તિ અને ધ્યાનનું પવિત્ર સ્થળ છે. જ્યાં વ્યક્તિ સંપૂર્ણ શાંતિ અને અમાપ સ્વસ્થતાનો અનુભવ કરે છે. આપણા આત્મા અને તેના સ્વભાવને જાણવા-જોવા માટેની એ સુંદર-શાંત અને સ્વસ્થ જગ્યા છે. મંદિરમાં બેસી ધ્યાનથી ભક્તિ કરવાથી આત્મનિરીક્ષણ કરી શકાય છે અને ઘરે ગયા પછી પણ આપણામાં એ પરમાત્માનો અંશ છે એવો
ભાવ થયા કરે છે. તેથી દરેકે અંતરાત્માની શુદ્ધિનો માર્ગ અનુસરવો જોઈએ કે જે આપણને ક્રોધ, માન, માયા અને લોભથી મુક્ત કરે છે.
શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયનો જનસમુદાય મહદ્ અંશે મૂર્તિ સ્થાપન કરેલા મંદિરમાં જાય છે અને ભક્તિ અને ધ્યાન કરે છે. મુખ્યત્વે બે પ્રકારની મૂર્તિઓ જૈન મંદિરમાં જોવા મળે છે.
દિગંબર અને શ્વેતાંબર મૂર્તિઓ
દિગંબર સંપ્રદાયની મૂર્તિની આંખો અર્ધ બીડેલી હોય છે. જે ધ્યાનનું પ્રતીક છે જ્યારે શ્વેતાંબર સંપ્રદાયમાં આંખો આખી ખોલેલી હોય છે. જે ઉપદેશ આપતા તીર્થંકરનું પ્રતીક છે.
દિગંબરો મૂર્તિને શણગાર (આંગી) કરતા નથી પણ તેના સહજ સ્વરૂપમાં જ રાખે છે. શ્વેતાંબરો મૂર્તિને ઠાઠમાઠથી શણગારે છે. એ સૂચવે છે કે તીર્થંકરો રાજા હતા. રજવાડી ધન હતું છતાં એ ભૌતિક સંપત્તિમાં સુખ શોધી શક્યા નહીં. તેમણે સમાજના લાભ માટે આ બધી સંપત્તિનો ત્યાગ કર્યો અને સંપૂર્ણ અપરિગ્રહનો સંકલ્પ કર્યો.
118
જૈન દર્શન અને આચારની સરળ સમજ