________________
શ્રીપાલ અને મયણાસુંદરી
૧૭. શ્રીપાલ અને મયણાસુંદરી
ચંપાનગરના રાજા સિંહરથ અને રાણી કમલપ્રભાને શ્રીપાલ નામે એક દીકરો હતો. શ્રીપાલ પાંચ વર્ષનો હતો ત્યારે રાજાનું અવસાન થયું. રાજા સિંહરથનો ભાઈ અજિતસેન મહત્ત્વાકાંક્ષી હતો, તેથી આ તકનો લાભ લઈ રાજ્ય લઈ લીધું. પોતાના રાજ્યપદ માટે શ્રીપાલ કાંટા બરાબર હતો. માતા કમલપ્રભાને અજિતસેનના ખરાબ ઇરાદાની જાણ થઈ એટલે કુંવરને લઈને રાજ છોડી જતી રહી. આ વાતની જાણ અજિતસેનને થઈ એટલે તેના વિશ્વાસુ સિપાઈઓને તેમની પાછળ દોડાવ્યા. એક સ્ત્રી બાળકને ઊંચકી દોડતી કેટલે દૂર જઈ શકે? સિપાઈઓ તેની નજીક આવી ગયા જાણીને એક કોઢીયાઓનું ટોળું જતું હતું તેમાં તેમની સાથે જોડાઈ ગઈ. તેઓએ બાળકને કોઢના રોગનો ચેપ લાગશે તેવી ચેતવણી આપી પણ બાળકને બચાવવા આટલું જોખમ તો ઉઠાવવું પડે તેમ હતું.
શ્રીપાલ ઘણો બહાદુર અને દેખાવડો હતો. તેથી કોઢીયાઓ તેની ખૂબ જ કાળજી રાખતા હતા. છતાં શ્રીપાલને પણ આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. શ્રીપાલ યુવાન થયો એટલે તેને પોતાનો નેતા બનાવ્યો અને તેને ઉમરાણા નામે ઓળખવા લાગ્યા. ફરતાં
ફરતાં એક દિવસ તેઓ માળવાની રાજધાની ઉજ્જયિનીમાં આવી ચઢ્યા.
ઉજજયિનીમાં પ્રજાપાલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સૌભાગ્યસુંદરી તથા રૂપસુંદરી નામે બે રાણી હતી. સૌભાગ્યસુંદરીને સુરસુંદરી અને રૂપસુંદરીને મયણાસુંદરી નામે દીકરી હતી. તે બંને ખૂબ સુંદર અને ચતુર હતી. રાજાને બંને દીકરીઓ ખૂબ જ વહાલી હતી. બંનેના યોગ્ય અને ઉત્તમ ઘડતર માટે ખાસ સગવડ કરી હતી. બંને દીકરીઓ બધી કળામાં પારંગત થઈ ગઈ, એટલે રાજાએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું. બંનેને દરબારમાં બોલાવી રાજાએ જે કંઈ પ્રશ્નો પૂછ્યા તેના સરસ જવાબો આપ્યા. અંતે છેલ્લા પ્રશ્નરૂપે રાજાએ પૂછ્યું કે આ બધી સાહ્યબી તથા સગવડો તમને કોના પ્રતાપે મળી? ખૂબ જ નમ્રતાપૂર્વક સુરસુંદરીએ રાજાની મહેરબાનીથી મળ્યું છે તેમ જણાવ્યું. રાજા ખૂબ જ પ્રસન્ન થયા. પછી રાજાએ મયણાસુંદરીને પણ પ્રશ્નો પૂછી જ્ઞાનની ચકાસણી કરી અંતમાં તેને પણ પૂછ્યું કે તને કોના પ્રતાપથી આ બધું મળ્યું છે? એવા પ્રશ્નના જવાબમાં મયણાસુંદરી એ જણાવ્યું, “પિતાજી! આપને પ્રણામ! પણ મને મળેલ આ રાજવી વૈભવ મારા પૂર્વ જન્મોના પુણ્ય કર્મનું જ ફળ છે. દરેકને પોતાના ભાગ્યમાં નિર્માયેલું જ મળે છે. કોઈ કોઈને કંઈ આપી કે લઈ શકતા નથી.”
રાજા તો મયણાસુંદરીનો જવાબ સાંભળીને ડઘાઈ જ ગયા. ફરી ફરી મયણાને એ સવાલ પૂછ્યો પણ મયણાએ તો નમ્રતાપૂર્વક પોતાના કર્મોનું જ ફળ છે તેમ જણાવ્યું. રાજકુંવરી તરીકેનો જન્મ પણ કર્મના પરિણામે છે તેમાં કોઈ મેખ મારી ન શકે.
રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયા, કર્મ વિશે તેઓ કંઈ પણ માનવા તૈયાર જ ન હતા. તેથી મયણાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેના માણસોને તદ્દન કદરૂપો ગરીબ માણસ શોધી લાવવાનું કહ્યું. માણસો કોઢિયા ઉંમરાણાને લઈ આવ્યા અને રાજાએ વિચાર્યા
| જૈન કથા સંગ્રહ
73.