________________
ગણધરો અને આચાર્યો
વિદ્યાર્થી તરીકે હરિભદ્ર જૈન તત્ત્વજ્ઞાનના કેટલાક પાસાઓનો અભ્યાસ કર્યો હતો, પણ તેનો અભ્યાસ ઉપરછલ્લો હોવાથી સાધ્વી મહત્તરા શું બોલે છે તેની સમજ ન પડી. હવે શું કરવું તે હરિભદ્રને ન સમજાયું. અંતે તેમણે નક્કી કર્યું કે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જૈન સાધ્વી મહત્તરાના શિષ્ય બનવું. પોતાના ગર્વિષ્ટ સ્વભાવને બાજુ પર રાખી હિચકિચાટ વગર જૈન સાધ્વી પાસે જઈને ખૂબ જ નમ્ર ભાવે પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. મહત્તરાએ સમજાવ્યું કે જૈન સાધ્વી પુરુષ શિષ્યને ભણાવી ન શકે માટે તમે મારા ગુરુ જિનભટ્ટસૂરિ પાસે જાઓ, જે તમને સારી સમજ આપશે. હરિભદ્ર આચાર્ય જિનભટ્ટ પાસે પહોંચી ગયા. તેઓએ હરિભદ્રને તે કડીની યોગ્ય રીતે વિવિધ પાસાથી સમજણ આપી. આચાર્યની જૈન દર્શનની દૃષ્ટિ જોઈને તેમને જૈનધર્મ વિશે વિશેષ જાણવાની ઈચ્છા થઈ. તેમણે આચાર્યને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી, આચાર્યએ એક જ શરતે હા પાડી કે તે તેમના કુટુંબ તથા અન્ય સગાં-સંબંધીની મંજૂરી લઈને આવે. હરિભદ્રને ખબર હતી કે પોતાનું કુટુંબ આ વાત સ્વીકારશે નહિ. તેમના સગાં-વહાલાંએ સખત વિરોધ કર્યો. તેમના પિતાએ તેને કહ્યું, “તેં બ્રાહ્મણ વિદ્વાન તરીકે ઘણું જ્ઞાન મેળવ્યું છે. તે તું શા માટે છોડવા માંગે છે? વાદ-વિવાદમાં તારી તોલે કોઈ આવે તેમ નથી. હવે કોણ કરશે? સહેજ પણ અકળાયા વગર હરિભદ્રે કહ્યું કે જૈનધર્મના ઊંડાણપૂર્વકના જ્ઞાન વગર તેમનું જ્ઞાન અધૂરું છે તેને માટે તેમણે જૈન સાધુ તો બનવું જ પડે. અંતે તેમના કુટુંબીજનોએ તેમને મંજૂરી આપી અને સંસારના તમામ સંબંધો છોડી તેઓ સાધુ તરીકે આચાર્ય શ્રી જિનભટ્ટના શિષ્ય બન્યા.
તેઓએ ખંતથી જૈન હસ્તલિખિત ગ્રંથો તથા અન્ય પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમની ધગશ અને બુદ્ધિમત્તાને કારણે જૈનધર્મના મહાન વિદ્વાન બન્યા. આગમમાં રહેલા જૈન તત્ત્વજ્ઞાનમાં એમને સત્યની શોધ જણાઈ. હવે તેઓ જૈનધર્મને લાગુ પડતા તમામ સાહિત્યમાં પારંગત થયા. તેથી ગુરુ શ્રી જિનભટ્ટસૂરિએ તેમને આચાર્ય પદવી આપી. હવે તેઓ આચાર્ય હરિભદ્રસૂરિ બન્યા. આચાર્ય બન્યા પછી તેમણે જૈન પરંપરાને ખૂબ જ હોંશિયારી અને કાબેલિયતથી સંભાળી. તેમના જ્ઞાન અને બુદ્ધિથી આકર્ષાઈને ઘણાંએ જૈનધર્મ સ્વીકાર્યો. ઘણાં બધા સંસાર છોડી સાધુ બન્યા. જૈનધર્મએ તેમના વહીવટ દરમિયાન એક નવું જ પરિમાણ પ્રાપ્ત કર્યું.
આચાર્ય હરિભદ્રના અનેક શિષ્યોમાં તેમની બહેનના બે દીકરા હંસ અને પરમહંસ પણ હતા. બૌદ્ધ ધર્મીઓની નબળાઈ જાણીને તેમને વાદ-વિવાદમાં હરાવી શકાય તે હેતુથી બંને ભાઈઓએ આચાર્ય પાસે બૌદ્ધ મઠમાં જવાની આજ્ઞા માંગી. પહેલાં તો આચાર્યએ તેમ કરવાની ના પાડી. પણ અંતે મંજૂરી આપી. તેઓ છુપાવેશે ગયા પણ બૌદ્ધ સાધુઓએ તેમની ચાલાકી પકડી પાડી. તેઓ ત્યાંથી નાસી છૂટ્યા પણ બૌદ્ધ સાધુઓ પાછળ પડી ગયા અને ઝપાઝપીમાં તેઓનું મૃત્યુ થયું.
આચાર્ય હરિભદ્રને જ્યારે પોતાના ભાણેજોના કરુણ મૃત્યુના ખબર મળ્યા ત્યારે તેઓએ નિર્દયી ક્રૂરતા બદલ બૌદ્ધ સાધુઓને શિક્ષા કરવાનું વિચાર્યું. તેમણે વાદ-વિવાદ માટે પડકાર ફેંક્યો અને જે હારે તેને મારી નાંખવાની શિક્ષા કરવી એવું નક્કી થયું. હરિભદ્રસૂરિ ચર્ચામાં જીતી ગયા. તેમના બંને ભાણેજોના મૃત્યુના સમાચારથી ગુરુ જિનભટ્ટસૂરિ તથા સાધ્વી મહત્તરાએ ખૂબ જ દુઃખ અનુભવ્યું. છતાં તેમણે વિજયી બનેલા હરિભદ્રસૂરિને પરાજિતને મારી નાંખવાનો વિચાર છોડી દેવા કહ્યું. હરિભદ્રસૂરિને પણ સમજાયું કે હંસ અને પરમહંસ પ્રત્યેની આસક્તિને કારણે આવું હિંસક પગલું લેવાનું તેમણે વિચાર્યું હતું તેથી તેમણે ગુરુ જિનભટ્ટસૂરિ પાસે પ્રાયશ્ચિત માંગ્યું. ગુરુએ તેમને લોકોને ધર્મમાં સાચી શ્રદ્ધા થાય તેવા ગ્રંથો રચવાનું કહ્યું. હરિભદ્રસૂરિના જીવનનો આ મહત્ત્વનો વળાંક હતો. જૈન તત્ત્વજ્ઞાનને આવરી લેતાં લગભગ ૧૪૪૪ પુસ્તકો તેમણે લખ્યાં છે, પણ કમનસીબે હાલ આસરે ૧૭૦પુસ્તકો પ્રાપ્ય છે.
56.
જૈન કથા સંગ્રહ