Book Title: Vachanamrut 0703
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330825/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 703 કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવા રાળજ, ભાદરવા સુદ 8, 1952 કેટલાક પ્રશ્નોનું સમાધાન જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે. ‘ઘણું કરીને બધા માર્ગોમાં મનુષ્યપણાને મોક્ષનું એક સાધન જાણી બહુ વખાણ્યું છે, અને જીવને જેમ તે પ્રાપ્ત થાય એટલે તેની વૃદ્ધિ થાય તેમ કેટલાક માર્ગોમાં ઉપદેશ કર્યો દેખાય છે. ચિનોક્ત માર્ગને વિષે તેવો ઉપદેશ કર્યો દેખાતો નથી. વેદોક્ત માર્ગમાં અપુત્રને ગતિ નથી, એ આદિ કારણથી તથા ચાર આશ્રમને ક્રમાદિથી કરીને વિચારતાં મનુષ્યની વૃદ્ધિ થાય તેવો ઉપદેશ કર્યો દ્રષ્ટિગોચર થાય છે. ચિનોક્ત માર્ગમાં તેથી ઊલટું જોવામાં આવે છે, અર્થાત તેમ નહીં કરતાં ગમે ત્યારે જીવ વૈરાગ્ય પામે તો સંસાર ત્યાગ કરી દેવો એવો ઉપદેશ જોવામાં આવે છે, તેથી ઘણા ગૃહસ્થાશ્રમને પામ્યા વિના ત્યાગી થાય, અને મનુષ્યની વૃદ્ધિ અટકે, કેમકે તેમના અત્યાગથી જે કંઈ તેમને સંતાનોત્પત્તિનો સંભવ રહેત તે ન થાય અને તેથી વંશનો નાશ થવા જેવું થાય, જેથી દુર્લભ એવું મનુષ્યપણું જે મોક્ષસાધનરૂપ ગયું છે, તેની વૃદ્ધિ અટકે છે, માટે તેવો અભિપ્રાય જિનનો કેમ હોય ?' તે જાણવા આદિ વિચારનું પ્રશ્ન લખ્યું છે, તેનું સમાધાન વિચારવા અર્થે અત્રે લખ્યું છે. લૌકિક દ્રષ્ટિ અને અલૌકિક (લોકોત્તર) દ્રષ્ટિમાં મોટો ભેદ છે, અથવા એકબીજી દ્રષ્ટિ પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળી છે. લૌકિક દ્રષ્ટિમાં વ્યવહાર (સાંસારિક કારણો)નું મુખ્યપણું છે, અને અલૌકિક દ્રષ્ટિમાં પરમાર્થનું મુખ્યપણું છે. માટે અલૌકિક દ્રષ્ટિને લૌકિક દ્રષ્ટિના ફળની સાથે પ્રાયે (ઘણું કરીને) મેળવવી યોગ્ય નહીં. જૈન અને બીજા બધા માર્ગમાં ઘણું કરીને મનુષ્યદેહનું વિશેષ માહામ્ય કહ્યું છે. એટલે મોક્ષસાધનના કારણરૂપ હોવાથી તેને ચિંતામણિ જેવો કહ્યો છે, તે સત્ય છે. પણ જો તેથી મોક્ષસાધન કર્યું તો જ તેનું એ માહાભ્ય છે, નહીં તો પશુના દેહ જેટલીયે વાસ્તવિક દ્રષ્ટિથી તેની કિંમત દેખાતી નથી. મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એ વિચાર મુખ્યપણે લૌકિક દ્રષ્ટિનો છે, પણ તે દેહ પામીને અવશ્ય મોક્ષસાધન કરવું, અથવા તે સાધનનો નિશ્ચય કરવો, એ વિચાર મુખ્યપણે અલૌકિક દ્રષ્ટિનો છે. અલૌકિક દ્રષ્ટિમાં મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવી એમ કહ્યું નથી, તેથી મનુષ્યાદિનો નાશ કરવો એમ તેમાં આશય રહે છે, એમ સમજવું ન જોઈએ. લૌકિક દ્રષ્ટિમાં તો યુદ્ધાદિ ઘણા પ્રસંગમાં હજારો મનુષ્યો નાશ પામવાનો વખત આવે છે, અને તેમાં ઘણા વંશરહિત થાય છે, પણ પરમાર્થ એટલે અલૌકિક દ્રષ્ટિનાં તેવાં કાર્ય નથી, કે જેથી તેમ થવાનો ઘણું કરીને વખત આવે, અર્થાત્ એ સ્થળે અલૌકિક દ્રષ્ટિથી નિવૈરતા, અવિરોધ, મનુષ્યાદિ પ્રાણીની રક્ષા અને તેમના વંશનું રહેવું એ સહેજ બને છે; અને મનુષ્યાદિ વંશની વૃદ્ધિ કરવાનો જેનો હેતુ છે, એવી લૌકિક દ્રષ્ટિ ઊલટી તે સ્થળે વૈર, વિરોધ, મનુષ્યાદિ પ્રાણીનો નાશ અને વંશરહિતપણું કરનારી થાય Page #2 -------------------------------------------------------------------------- ________________ અલૌકિક દ્રષ્ટિ પામીને અથવા અલૌકિક દ્રષ્ટિની અસરથી કોઈ પણ મનુષ્ય નાની વયમાં ત્યાગી થાય તો તેથી જે ગૃહસ્થાશ્રમપણું પામ્યા ન હોય તેના વંશનો અથવા ગૃહસ્થાશ્રમપણું પામ્યા હોય અને પુત્રોત્પત્તિ ન થઈ હોય તેના વંશનો નાશ થવાનો વખત આવે, અને તેટલાં મનુષ્યો ઓછાં જન્મવાનું થાય, જેથી મોક્ષસાધનના હેતુભૂત એવા મનુષ્યદેહની પ્રાપ્તિ અટકાવવા જેવું બને, એમ લૌકિક દ્રષ્ટિથી યોગ્ય લાગે. પણ પરમાર્થ દ્રષ્ટિથી તે ઘણું કરીને કલ્પનામાત્ર લાગે છે. કોઈ પણ પૂર્વે પરમાર્થમાર્ગને આરાધીને અત્રે મનુષ્યપણું પામ્યા હોય, તેને નાની વયથી જ ત્યાગવૈરાગ્ય તીવ્રપણે ઉદયમાં આવે છે, તેવા મનુષ્યને સંતાનની ઉત્પત્તિ થયા પછી ત્યાગ કરવાનો ઉપદેશ કરવો, અથવા આશ્રમના અનુક્રમમાં મૂકવા તે યથાર્થ દેખાતું નથી, કેમકે મનુષ્યદેહ તો બાહ્ય દ્રષ્ટિથી અથવા અપેક્ષાપણે મોક્ષસાધનરૂપ છે, અને યથાર્થ ત્યાગવૈરાગ્ય તો મૂળપણે મોક્ષસાધનરૂપ છે, અને તેનાં કારણો પ્રાપ્ત કરવાથી મનુષ્યદેહનું મોક્ષસાધનપણું ઠરતું હતું, તે કારણો પ્રાપ્ત થયે તે દેહથી ભોગાદિમાં પડવાનું કહેવું, એ મનુષ્યદેહને મોક્ષસાધનરૂપ કરવા બરાબર કહેવાય કે સંસારસાધનરૂપ કરવા બરાબર કહેવાય, તે વિચારવા યોગ્ય છે. વેદોક્ત માર્ગમાં ચાર આશ્રમ બાંધ્યા છે તે એકાંતે નથી. વામદેવ, શુકદેવ, જડભરતજી એ આદિ આશ્રમના ક્રમ વગર ત્યાગપણે વિચર્યા છે. જેથી તેમ થવું અશક્ય હોય, તેઓ પરિણામે યથાર્થ ત્યાગ કરવાનો લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તે સામાન્ય રીતે ઠીક છે, એમ કહી શકાય. આયુષ્યનું એવું ક્ષણભંગુરપણું છે કે, તેવો ક્રમ પણ વિરલાને જ પ્રાપ્ત થવાનો વખત આવે. કદાપિ તેવું આયુષ્ય પ્રાપ્ત થયું હોય તોપણ તેવી વૃત્તિએ એટલે પરિણામે યથાર્થ ત્યાગ થાય એવો લક્ષ રાખીને પ્રવર્તવાનું તો કોઈકથી જ બને તેવું છે. જિનોક્ત માર્ગનો પણ એવો એકાંત સિદ્ધાંત નથી કે ગમે તે વયમાં ગમે તેવે માણસે ત્યાગ કરવો. તથારૂપ સત્સંગ, સગુરૂનો યોગ થયે, તે આશ્રયે કોઈ પૂર્વના સંસ્કારવાળો એટલે વિશેષ વૈરાગ્યવાન પુરુષ ગૃહસ્થાશ્રમ પામ્યા પહેલાં ત્યાગ કરે તો તેણે યોગ્ય કર્યું છે, એમ જિનસિદ્ધાંત પ્રાયે કહે છે, કેમકે અપૂર્વ એવાં સાધનો પ્રાપ્ત થયે ભોગાદિ ભોગવવાના વિચારમાં પડવું, અને તેની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરી પોતાનું પ્રાપ્ત આત્મસાધન ગુમાવવા જેવું કરવું, અને પોતાથી સંતતિ થશે તે મનુષ્યદેહ પામશે તે મોક્ષ સાધનરૂપ થશે, એવી મનોરથમાત્ર કલ્પનામાં પડવું તે મનુષ્યપણાનું ઉત્તમપણું ટાળીને પશુવત કરવા જેવું થાય. ઇંદ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાની પુરુષની દ્રષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી, એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું. એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયે તે પ્રસંગ જતો કરવો ન જોઈએ, એમ જિનનો ઉપદેશ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ સંસ્કારવાળા પુરુષો ગૃહસ્થાશ્રમ કર્યા સિવાય ત્યાગ કરે તેથી મનુષ્યની વૃદ્ધિ અટકે તેથી મોક્ષસાધનનાં કારણ અટકે એ વિચારવું અલ્પ દ્રષ્ટિથી યોગ્ય દેખાય, પણ તથારૂપ ત્યાગ વૈરાગ્યનો યોગ પ્રાપ્ત થયે, મનુષ્યદેહનું સફળપણું થવા અર્થે, તે યોગનો અપ્રમત્તપણે વિલંબ વગર લાભ પ્રાપ્ત કરવો, તે વિચાર તો પૂર્વાપર અવિરુદ્ધ અને પરમાર્થદ્રષ્ટિથી સિદ્ધ કહેવાય. આયુષ્ય સંપૂર્ણ છે તથા આપણે સંતતિ થાય તો તેઓ મોક્ષસાધન કરશે એવો નિશ્ચય કરી, સંતતિ થશે જ એવું માન્ય રાખી, પાછો આવો ને આવો ત્યાગ પ્રકાશિત થશે, એવું ભવિષ્ય કલ્પીને આશ્રમપૂર્વક પ્રવર્તવાનું કયો વિચારવાન એકાંતે યોગ્ય ગણે ? પોતાના વૈરાગ્યમાં મંદપણું ન હોય, અને જ્ઞાની પુરુષ જેને ત્યાગ કરવા યોગ્ય ગણતા હોય, તેણે બીજાં મનોરથમાત્ર કારણોનો અથવા અનિશ્ચિત કારણોનો વિચાર છોડી દઈ નિશ્ચિત અને પ્રાપ્ત ઉત્તમ કારણનો આશ્રય કરવો એ જ ઉત્તમ છે, અને એ જ મનુષ્યપણાનું સાર્થક છે; બાકી વૃદ્ધિ આદિની તો કલ્પના છે; ખરેખરો મોક્ષમાર્ગ નાશ કરી માત્ર મનુષ્યની વૃદ્ધિ કરવાની કલ્પના કર્યા જેવું કરીએ તો બને. એ આદિ ઘણાં કારણોથી પરમાર્થદ્રષ્ટિથી જે બોધ્યું છે તે જ યોગ્ય જોવામાં આવે છે. ઉપયોગ આવા પ્રશ્નોત્તરમાં વિશેષ કરી પ્રેરવો કઠણ પડે છે, તોપણ સંક્ષેપમાં જે કંઈ લખવાનું બન્યું તે ઉદીરણાવત કરીને લખ્યું છે. જ્યાં સુધી બને ત્યાં સુધી જ્ઞાનીપુરુષનાં વચનને લૌકિક આશયમાં ન ઉતારવાં, અથવા અલૌકિક દ્રષ્ટિએ વિચારવા યોગ્ય છે, અને જ્યાં સુધી બને ત્યાં સુધી લૌકિક પ્રશ્નોત્તરમાં પણ વિશેષ ઉપકાર વિના પડવું ન ઘટે; તેવા પ્રસંગોથી કેટલીક વાર પરમાર્થદ્રષ્ટિ ક્ષોભ પમાડવા જેવું પરિણામ આવે છે. વડના ટેટા કે પીપળનાં પીપાંનું રક્ષણ પણ કંઈ તેના વંશવૃદ્ધિને અર્થે કરવાના હેતુથી અભક્ષ્ય કહ્યાં છે, એમ સમજવું યોગ્ય નથી. તેમાં કોમળપણું હોય છે ત્યારે અનંતકાયનો સંભવ છે, તથા તેને બદલે બીજી ઘણી ચીજોથી નિષ્પાપપણે રહી શકાય છે, છતાં તે જ અંગીકાર કરવાની ઇચ્છા રાખવી તે વૃત્તિનું ઘણું તુચ્છપણું થાય છે, તેથી તે અભક્ષ્ય કહ્યાં છે, તે યથાર્થ લાગવા યોગ્ય છે. પાણીના ટીપામાં અસંખ્યાત જીવ છે એ વાત ખરી છે, પણ ઉપર દર્શાવ્યાં જે વડના ટેટા વગેરેનાં કારણો તેવાં કારણો તેમાં રહ્યાં નથી, તેથી તે અભક્ષ્ય કહ્યું નથી, જો કે તેનું પાણી વાપરવાની પણ આજ્ઞા છે, એમ કહ્યું નથી, અને તેથી પણ અમુક પાપ થાય એવો ઉપદેશ છે. આગળના કાગળમાં બીજના સચિત-અચિત સંબંધી સમાધાન લખ્યું છે તે કોઈ એક વિશેષ હેતુથી સંક્ષેપ્યું છે. પરંપરા રૂઢિ પ્રમાણે લખ્યું છે, તથાપિ તેમાં કંઈક વિશેષ ભેદ સમજાય છે, તે લખ્યો નથી, લખવા યોગ્ય નહીં લાગવાથી લખ્યો નથી. કેમકે તે ભેદ વિચારમાત્ર છે, અને તેમાં કાંઈ તેવો ઉપકાર સમાયો દેખાતો નથી. 1 પત્રાં 701-4. Page #4 -------------------------------------------------------------------------- ________________ નાના પ્રકારના પ્રશ્નોત્તરનો લક્ષ એકમાત્ર આત્માર્થ પ્રત્યે થાય તો આત્માને ઘણો ઉપકાર થવાનો સંભવ રહે.