Book Title: Vachanamrut 0520
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330641/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 520 શ્રી મોહમયી ક્ષેત્રથી મુંબઈ, શ્રાવણ વદ 0)), ગુરૂ, 1950 શ્રી સાયલા ગ્રામે સ્થિત, પરમ સ્નેહી શ્રી સોભાગને, શ્રી મોહમયી ક્ષેત્રથી - ના ભક્તિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. વિશેષ વિનંતિ કે તમારો લખેલ કાગળ પહોંચ્યો છે. તેનો ઉત્તર નીચેથી વિચારશો. જ્ઞાનવાર્તાના પ્રસંગમાં ઉપકારી એવાં કેટલાંક પ્રશ્નો તમને થાય છે, તે તમે અમને લખી જણાવો છો, અને તેના સમાધાનની તમારી ઇચ્છા વિશેષ રહે છે, તેથી કોઈ પણ પ્રકારે જો તમને તે પ્રશ્નોનાં સમાધાન લખાય તો સારું, એમ ચિત્તમાં રહ્યા કરતા છતાં ઉદયયોગથી તેમ બનતું નથી. પત્ર લખવામાં ચિત્તની સ્થિરતા ઘણી જ ઓછી રહે છે. અથવા ચિત્ત તે કાર્યમાં અલ્પ માત્ર છાયા જેવો પ્રવેશ કરી શકે છે. જેથી તમને વિશેષ વિગતથી પત્ર લખવાનું થઈ આવતું નથી. એક એક કાગળ લખતાં દશદશ, પાંચપાંચ વખત બબ્બે-ચચ્ચાર લીટી લખી તે કાગળ અધૂરા મૂકવાનું ચિત્તની સ્થિતિને લીધે બને છે. ક્રિયાને વિષે રુચિ નહીં, તેમ પ્રારબ્ધબળ પણ તે ક્રિયામાં હાલ વિશેષ ઉદયમાન નહીં હોવાથી તમને તેમ જ બીજા મુમુક્ષુઓને વિશેષપણે કંઈ જ્ઞાનચર્ચા લખી શકાતી નથી. ચિત્તમાં એ વિષે ખેદ રહે છે, તથાપિ તેને હાલ તો ઉપશમ કરવાનું જ ચિત્ત રહે છે. એવી જ કોઈ આત્મદશાની સ્થિતિ હાલ વર્તે છે. ઘણું કરીને જાણીને કરવામાં આવતું નથી, અર્થાતુ પ્રમાદાદિ દોષે કરી તે ક્રિયા નથી બનતી એમ જણાતું નથી. જે મુખરસ સંબંધી જ્ઞાન વિષે ‘સમયસાર' ગ્રંથના કવિતાદિમાં તમે અર્થ ધારો છો તે તેમ જ છે; એમ સર્વત્ર છે, એમ કહેવા યોગ્ય નથી. બનારસીદાસે ‘સમયસાર' ગ્રંથ હિન્દી ભાષામાં કરતાં કેટલાંક કવિત, સવૈયા વગેરેમાં તેના જેવી જ વાત કહી છે; અને તે કોઈ રીતે ‘બીજજ્ઞાનને લગતી જણાય છે. તથાપિ ક્યાંક ક્યાંક તેવા શબ્દો ઉપમાપણે પણ આવે છે. ‘સમયસાર' બનારસીદાસે કર્યો છે, તેમાં તે શબ્દો જ્યાં જ્યાં આવ્યા છે, ત્યાં ત્યાં સર્વ સ્થળે ઉપમાપણે છે એમ જણાતું નથી, પણ કેટલેક સ્થળે વસ્તપણે કહ્યું છે, એમ લાગે છે, જોકે એ વાત કંઈક આગળ ગયે મળતી આવી શકે એમ છે. એટલે તમે જે ‘બીજજ્ઞાન'માં કારણ ગણો છો તેથી કંઈક આગળ વધતી વાત અથવા તે વાત વિશેષ જ્ઞાને તેમાં અંગીકાર કરી જણાય છે. બનારસીદાસને કંઈ તેવો યોગ બન્યો હોય એમ ‘સમયસાર' ગ્રંથની તેમની રચના પરથી જણાય છે. ‘મૂળ સમયસારમાં એટલી બધી સ્પષ્ટ વાર્તા ‘બીજજ્ઞાન’ વિષે કહી નથી જણાતી, અને બનારસીદાસે તો ઘણે ઠેકાણે વસ્તુપણે અને ઉપમાપણે તે વાત કહી છે. જે ઉપરથી એમ જણાય છે કે બનારસીદાસે સાથે પોતાના આત્માને વિષે જે કંઈ અનુભવ થયો છે, તેનો પણ કોઈ તે પ્રકારે પ્રકાશ કર્યો છે, કે કોઈ વિચક્ષણ જીવના અનુભવને તે આધારભૂત થાય, વિશેષ સ્થિર કરનાર થાય. એમ પણ લાગે છે કે બનારસીદાસે લક્ષણાદિ ભેદથી જીવનો વિશેષ નિર્ધાર કર્યો હતો, અને તે તે લક્ષણાદિનું સતત મનન થયા કર્યાથી આત્મસ્વરૂપ કંઈક તીક્ષ્ણપણે તેમને અનુભવમાં આવ્યું છે, અને અવ્યક્તપણે Page #2 -------------------------------------------------------------------------- ________________ આત્મદ્રવ્યનો પણ તેમને લક્ષ થયો છે, અને તે અવ્યક્ત લક્ષથી તે બીજજ્ઞાન તેમણે ગાયું છે. અવ્યક્ત લક્ષનો અર્થ અત્રે એવો છે કે ચિત્તવૃત્તિ આત્મવિચારમાં વિશેષપણે લાગી રહેવાથી પરિણામની નિર્મળ ધારા બનારસીદાસને જે અંશે પ્રગટી છે, તે નિર્મળધારાને લીધે પોતાને દ્રવ્ય આ જ છે એમ જોકે સ્પષ્ટ જાણવામાં નથી, તોપણ અસ્પષ્ટપણે એટલે સ્વાભાવિકપણે પણ તેમના આત્મામાં તે છાયા ભાયમાન થઈ છે. અને જેને લીધે એ વાત તેમના મુખથી નીકળી શકી છે; અને સહજ આગળ વધતાં તે વાત તેમને સાવ સ્પષ્ટ થઈ જાય એવી દશા તે ગ્રંથ કરતાં તેમની પ્રાયે રહી છે. શ્રી ડુંગરના અંતરમાં જે ખેદ રહે છે તે કોઈ રીતે યોગ્ય છે, અને તે ખેદ ઘણું કરીને તમને પણ રહે છે, તે જાણવામાં છે. તેમજ બીજા પણ કેટલાક મુમુક્ષુ જીવોને એ પ્રકારનો ખેદ રહે છે એ રીતે જાણવામાં છતાં, અને તમ સૌનો એ ખેદ દૂર કરાય તો સારું એમ મનમાં રહેતાં છતાં પ્રારબ્ધ વેદીએ છીએ. વળી અમારા ચિત્તમાં એ વિષે અત્યંત બળવાન ખેદ છે. જે ખેદ દિવસમાં પ્રાયે ઘણા ઘણા પ્રસંગે સ્ફર્યા કરે છે, અને તે ઉપશમાવવાનું કરવું પડે છે, અને ઘણું કરી તમ વગેરેને પણ અમે વિશેષપણે તે ખેદ વિષે લખ્યું નથી, કે જણાવ્યું નથી. અમને તેમ જણાવવાનું પણ યોગ્ય લાગતું નહોતું, પણ હાલ શ્રી ડુંગરે જણાવવાથી, પ્રસંગથી જણાવવાનું થયું છે. તમને અને ડુંગરને જે ખેદ રહે છે, તેથી તે પ્રકાર વિષે અમને અસંખ્યાતગુણવિશિષ્ટ ખેદ રહેતો હશે એમ લાગે છે. કારણ કે જે જે પ્રસંગે તે વાત આત્મપ્રદેશમાં સ્મરણ થાય છે, તે તે પ્રસંગે બધા પ્રદેશ શિથિલ જેવા થઈ જાય છે, અને જીવનો નિત્ય સ્વભાવ હોવાથી જીવ આવો ખેદ રાખતાં છતાં જીવે છે; એવા પ્રકારના ખેદ સુધી પ્રાપ્ત થાય છે. વળી પરિણામાંતર થઈ થોડા અવકાશે પણ તેની તે વાત પ્રદેશે પ્રદેશે ક્રુરી નીકળે છે, અને તેવી ને તેવી દશા થઈ આવે છે, તથાપિ આત્મા પર અત્યંત દ્રષ્ટિ કરી તે પ્રકારને હાલ તો ઉપશમાવવો જ ઘટે છે, એમ જાણી ઉપશમાવવામાં આવે છે. શ્રી ડુંગરના કે તમારા ચિત્તમાં એમ આવતું હોય કે સાધારણ કારણોને લીધે અમે એ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તે યોગ્ય નથી. એ પ્રકારે જો રહેતું હોય તો ઘણું કરી તેમ નથી, એમ અમને લાગે છે. નિત્ય પ્રત્યે તે વાતનો વિચાર કરવા છતાં હજુ બળવાન કારણોનો તે પ્રત્યે સંબંધ છે, એમ જાણી જે પ્રકારની તમારી ઇચ્છા પ્રભાવના હેતુમાં છે તે હેતુને ઢીલમાં નાખવાનું થાય છે, અને તેને અવરોધક એવાં કારણોને ક્ષીણ થવા દેવામાં કંઈ પણ આત્મવીર્ય પરિણામ પામી સ્થિતિમાં વર્તે છે. તમારી ઇચ્છા પ્રમાણે હાલ જે પ્રવર્તાતું નથી તે વિષે જે બળવાન કારણો અવરોધક છે, તે તમને વિશેષપણે જણાવવાનું ચિત્ત થતું નથી, કેમકે હજુ તે વિશેષપણે જણાવવામાં અવકાશ જવા દેવા યોગ્ય છે. જે બળવાન કારણો પ્રભાવના હેતુને અવરોધક છે, તેમાં અમારો કંઈ પણ બુદ્ધિપૂર્વક પ્રમાદ હોય એમ કોઈ રીતે સંભવતું નથી. તેમ જ અવ્યક્તપણે એટલે નહીં જાણવામાં છતાં સહેજ જીવથી થયા કરતો હોય એવો પ્રમાદ હોય એમ પણ જણાતું નથી, તથાપિ કોઈ અંશે તે પ્રમાદ સંભવમાં લખતાં પણ તેથી અવરોધકપણું હોય એમ લાગી શકે એમ નથી, કારણ કે આત્માની નિશ્ચયવૃત્તિ તેથી અસન્મુખ છે. Page #3 -------------------------------------------------------------------------- ________________ લોકોમાં તે પ્રવૃત્તિ કરતાં માનભંગ થવાનો પ્રસંગ આવે તો તે માનભંગ પણ સહન ન થઈ શકે એમ હોવાથી પ્રભાવના હેતુથી ઉપેક્ષા કરવામાં આવતી હોય એમ પણ લાગતું નથી. કારણ કે તે માનામાન વિષે ચિત્ત ઘણું કરી ઉદાસીન જેવું છે, અથવા તે પ્રકારમાં ચિત્તને વિશેષ ઉદાસીન કર્યું હોય તો થઈ શકે એમ છે. શબ્દાદિ વિષયો પ્રત્યેનું કોઈ બળવાન કારણ પણ અવરોધક હોય એમ જણાતું નથી. કેવળ તે વિષયોનો સાયિકભાવ છે એમ જોકે કહેવા પ્રસંગ નથી, તથાપિ તેમાં વિરસપણું બહપણે ભાસી રહ્યું છે. ઉદયથી પણ ક્યારેક મંદ રુચિ જન્મતી હોય તો તે પણ વિશેષ અવસ્થા પામ્યા પ્રથમ નાશ પામે છે, અને તે મંદ રચિ. વેદતાં પણ આત્મા ખેદમાં જ રહે છે, એટલે તે રુચિ અનાધાર થતી જતી હોવાથી બળવાન કારણરૂપ નથી. બીજા કેટલાક પ્રભાવક થયા છે, તે કરતાં કોઈ રીતે વિચારદશાદિનું બળવાનપણું પણ હશે; એમ લાગે છે કે તેવા પ્રભાવક પુરુષો આજે જણાતા નથી, અને માત્ર ઉપદેશકપણે નામ જેવી પ્રભાવનાએ પ્રવર્તતા કોઈ જોવામાં, સાંભળવામાં આવે છે, તેમના વિદ્યમાનપણાને લીધે અમને કંઈ અવરોધકપણું હોય એમ પણ જણાતું નથી. અત્યારે તો આટલું લખવાનું બન્યું છે. વિશેષ સમાગમ પ્રસંગે કે બીજે પ્રસંગે જણાવીશું. આ વિષે તમે અને શ્રી ડુંગર જો કંઈ પણ વિશેષ જણાવવા ઇચ્છતા હો, તો ખુશીથી જણાવશો. વળી અમારાં લખેલાં કારણો સાવ બહાનારૂપ છે એમ વિચારવા યોગ્ય નથી, એટલો લક્ષ રાખજો.