Book Title: Vachanamrut 0501
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330622/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 501 ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને મુંબઈ, વૈશાખ વદ 7, રવિ, 1950 સૂર્યપુરસ્થિત, શુભેચ્છા સંપન્ન આર્ય શ્રી લલ્લુજી, ઘણું કરીને જિનાગમમાં સર્વવિરતિ એવા સાધુને પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા નથી, અને જો તેમ સર્વવિરતિ ભૂમિકામાં રહી કરવા ઇચ્છે, તો તે અતિચારયોગ્ય ગણાય. આ પ્રમાણે સાધારણપણે શાસ્ત્રઉદ્દેશ છે, અને તે ધોરીમાર્ગે તો યથાયોગ્ય લાગે છે; તથાપિ જિનાગમની રચના પૂર્વાપર અવિરોધ જણાય છે, અને તેવો અવિરોધ રહેવા પત્રસમાચારાદિ લખવાની આજ્ઞા કોઈ પ્રકારથી જિનાગમમાં છે, તે તમારા ચિત્તનું સમાધાન થવા માટે સંક્ષેપે અત્રે લખું છું. જિનની જે જે આજ્ઞા છે તે તે આજ્ઞા, સર્વ પ્રાણી અર્થાત આત્માના કલ્યાણને અર્થે જેની કંઈ ઇચ્છા છે તે સર્વેને, તે કલ્યાણનું જેમ ઉત્પન્ન થવું થાય અને જેમ વર્ધમાનપણું થાય, તથા તે કલ્યાણ જેમ રક્ષાય તેમ તે આજ્ઞાઓ કરી છે. એક આજ્ઞા એવી જિનાગમમાં કહી હોય કે તે આજ્ઞા અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને સંયોગે ન પળી શકતાં આત્માને બાધકારી થતી હોય, તો ત્યાં તે આજ્ઞા ગૌણ કરી - નિષેધીને બીજી આજ્ઞા શ્રી તીર્થકરે કહી છે. સર્વવિરતિ કરી છે એવા મુનિને સર્વવિરતિ કરતી વખતના પ્રસંગમાં ‘સવં પાવાયં પ્રવામિ, સલ્વે मुसावायं पच्चक्खामि, सव्वं अदिन्नादाणं पच्चक्खामि, सव्वं मेहणं पच्चक्खामि, सव्वं परिग्गहं पच्चक्खामि,' આ ઉદેશનાં વચન ઉચ્ચારવામાં કહ્યાં છે; અર્થાત “સર્વ પ્રાણાતિપાતથી હું નિવત્ છું’, ‘સર્વ પ્રકારના મૃષાવાદથી હું નિવત્ છું’, ‘સર્વ પ્રકારના અદત્તાદાનથી હું નિવત્ છું’, સર્વ પ્રકારના મૈથુનથી નિવત્ છું', અને ‘સર્વ પ્રકારના પરિગ્રહથી નિવત્ છું.” (સર્વ પ્રકારના રાત્રિભોજનથી તથા બીજાં તેવાં તેવાં કારણોથી નિવત્ છું, એમ તે સાથે ઘણાં ત્યાગનાં કારણો જાણવાં.) એમ જે વચનો કહ્યાં છે તે, સર્વવિરતિની ભૂમિકાના લક્ષણે કહ્યાં છે, તથાપિ તે પાંચ મહાવ્રતમાં ચાર મહાવ્રત, મૈથુનત્યાગ સિવાયમાં ભગવાને પાછી બીજી આજ્ઞા કરી છે, કે જે આજ્ઞા પ્રત્યક્ષ તો મહાવ્રતને બાધકારી લાગે, પણ જ્ઞાનદ્રષ્ટિથી જોતાં તો રક્ષણકારી છે. ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવકું ', એવાં પચખાણ છતાં નદી ઊતરવા જેવા પ્રાણાતિપાતરૂપ પ્રસંગની આજ્ઞા કરવી પડી છે; જે આજ્ઞા લોકસમુદાયને વિશેષ સમાગમ કરી સાધુ આરાધશે તો પંચમહાવ્રત નિર્મળ થવાનો વખત આવશે એવું જાણી, નદીનું ઊતરવું ભગવાને કહ્યું છે. તે પ્રાણાતિપાતરૂપ પ્રત્યક્ષ છતાં પાંચ મહાવ્રતની રક્ષાના અમૂલ્ય હેતુરૂપ હોવાથી પ્રાણાતિપાતની નિવૃત્તિરૂપ છે, કારણ કે પાંચ મહાવ્રતની રક્ષાનો હેતુ એવું છે કારણ કે પ્રાણાતિપાતની નિવૃત્તિનો પણ હેતુ જ છે. પ્રાણાતિપાત છતાં અપ્રાણાતિપાતરૂપ એમ નદીના ઊતરવાની આજ્ઞા થાય છે, તથાપિ ‘સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તુ છું એ વાક્યને તે કારણથી એક વાર આંચકો આવે છે, જે આંચકો ફરીથી વિચાર કરતાં તો તેની વિશેષ દ્રઢતા માટે જણાય છે, તેમ જ બીજાં વ્રતો માટે છે. પરિગ્રહની સર્વથા નિવૃત્તિ કરું છું એવું વ્રત છતાં વસ્ત્ર, પાત્ર, Page #2 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનો સંબંધ જોવામાં આવે છે, તે અંગીકાર કરવામાં આવે છે. તે પરિગ્રહની સર્વથા નિવૃત્તિના કારણને કોઈ પ્રકારે રક્ષણરૂપ હોવાથી કહ્યાં છે, અને તેથી પરિણામે અપરિગ્રહરૂપ હોય છે. મૂછ રહિતપણે નિત્ય આત્મદશા વધવાને માટે પુસ્તકનો અંગીકાર કહ્યો છે. શરીરસંઘયણનું આ કાળનું હીનપણું દેખી, ચિત્તસ્થિતિ પ્રથમ સમાધાન રહેવા અર્થે વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કહ્યું છે, અર્થાત્ આત્મહિત દીઠું તો પરિગ્રહ રાખવાનું કહ્યું છે. પ્રાણાતિપાત ક્રિયા પ્રવર્તન કહ્યું છે, પણ ભાવનો આકાર ફેર છે. પરિગ્રહબુદ્ધિથી કે પ્રાણાતિપાતબુદ્ધિથી એમાંનું કંઈ પણ કરવાનું ક્યારે પણ ભગવાને કહ્યું નથી. પાંચ મહાવ્રત, સર્વથા નિવૃત્તિરૂપ, ભગવાને જ્યાં બોધ્યાં ત્યાં પણ બીજા જીવના હિતાર્થે કહ્યાં છે, અને તેમાં તેના ત્યાગ જેવો દેખાવ દેનાર એવો અપવાદ પણ આત્મહિતાર્થે કહ્યો છે, અર્થાત એક પરિણામ હોવાથી ત્યાગ કરેલી ક્રિયા ગ્રહણ કરાવી છે. મૈથુનત્યાગ'માં જે અપવાદ નથી તેનો હેતુ એવો છે કે રાગદ્વેષ વિના તેનો ભંગ થઈ શકે નહીં, અને રાગદ્વેષ છે તે આત્માને અહિતકારી છે; જેથી તેમાં કોઈ અપવાદ ભગવાને કહ્યો નથી. નદીનું ઊતરવું રાગદ્વેષ વિના પણ થઈ શકે; પુસ્તકાદિનું ગ્રહણ પણ તેમ થઈ શકે; પણ મૈથુનસેવન તેમ ન થઈ શકે; માટે ભગવાને અનપવાદ એ વ્રત કહ્યું છે, અને બીજામાં અપવાદ આત્મહિતાર્થે કહ્યા છે; આમ હોવાથી જિનાગમ જેમ જીવનું, સંયમનું રક્ષણ થાય તેમ કહેવાને અર્થે છે. પત્ર લખવાનું કે સમાચારાદિ કહેવાનું જે નિષિદ્ધ કર્યું છે, તે પણ એ જ હેતુએ છે. લોકસમાગમ વધે, પ્રીતિઅપ્રીતિનાં કારણો વધે, સ્ત્રીઆદિના પરિચયમાં આવવાનો હેતુ થાય, સંયમ ઢીલો થાય, તે તે પ્રકારનો પરિગ્રહ વિના કારણે અંગીકૃત થાય, એવાં સાન્નિપાતિક અનંત કારણો દેખી પત્રાદિનો નિષેધ કર્યો છે, તથાપિ તે પણ અપવાદરહિત છે. અનાર્યભૂમિમાં વિચરવાની ‘બૃહત્કલ્પ’માં ના કહી છે અને ત્યાં ક્ષેત્રમર્યાદા કરી છે; પણ જ્ઞાન, દર્શન, સંયમના હેતુએ ત્યાં વિચરવાની પણ હા કહી છે, તે જ અર્થ ઉપરથી એમ જણાય છે કે, કોઈ જ્ઞાની પુરુષનું દૂર રહેવું થતું હોય, તેમનો સમાગમ થવો મુશ્કેલ હોય, અને પત્રસમાચાર સિવાય બીજો કોઈ ઉપાય ન હોય, તો પછી આત્મહિત સિવાય બીજા સર્વ પ્રકારની બુદ્ધિનો ત્યાગ કરી, તેવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ કે કોઈ મુમુક્ષ સત્સંગીની સામાન્ય આજ્ઞાએ તેમ કરવાનો જિનાગમથી નિષેધ થતો નથી, એમ જણાય છે. કારણ કે પત્રસમાચાર લખવાથી આત્મહિત નાશ પામતું હતું, ત્યાં જ તે ના સમજાવી છે. જ્યાં આત્મહિત પત્રસમાચાર નહીં હોવાથી નાશ પામતું હોય, ત્યાં પત્રસમાચારનો નિષેધ હોય એમ જિનાગમથી બને કે કેમ ? તે હવે વિચારવા યોગ્ય છે. એ પ્રકારે વિચારવાથી જિનાગમમાં જ્ઞાન, દર્શન, સંયમના સંરક્ષણાર્થે પત્રસમાચારાદિ વ્યવહાર પણ સ્વીકારવાનો સમાવેશ થાય છે, તથાપિ તે કોઈક કાળ અર્થે, કોઈક મોટા પ્રયોજન, મહાત્મા પુરુષોની આજ્ઞાથી કે કેવળ જીવના કલ્યાણના જ કારણમાં તેનો ઉપયોગ કોઈક પાત્રને અર્થે છે, એમ સમજવા યોગ્ય છે. નિત્યપ્રતિ અને સાધારણ પ્રસંગમાં પત્રસમાચારાદિ વ્યવહાર ઘટે નહીં; જ્ઞાની પુરુષ પ્રત્યે તેની આજ્ઞાએ નિત્યપ્રતિ પત્રાદિ વ્યવહાર ઘટે છે, તથાપિ બીજા લૌકિક જીવના કારણમાં તો સાવ નિષેધ સમજાય છે. વળી કાળ એવો આવ્યો છે કે, જેમાં આમ કહેવાથી પણ વિષમ પરિણામ આવે. લોકમાર્ગમાં વર્તતા એવા સાધુ આદિના મનમાં આ વ્યવહારમાર્ગનો નાશ કરનાર ભાસ્યમાન થાય, તે સંભવિત છે; તેમ આ માર્ગ Page #3 -------------------------------------------------------------------------- ________________ સમજાવવાથી પણ અનુક્રમે વગર કારણે પત્રસમાચારાદિ ચાલુ થાય કે જેથી વગર કારણે સાધારણ દ્રવ્યત્યાગ પણ હણાય. એવું જાણી એ વ્યવહાર ઘણું કરી અંબાલાલ આદિથી પણ કરવો નહીં, કારણ કે તેમ કરવાથી પણ વ્યવસાય વધવા સંભવ છે. તમને સર્વ પચખાણ હોય તો પછી પત્ર ન લખવાનાં જે પચખાણ સાધુએ આપ્યાં છે તે અપાય નહીં. તથાપિ આપ્યાં તોપણ એમાં હરકત ગણવી નહીં; તે પચખાણ પણ જ્ઞાનીપુરુષની વાણીથી રૂપાંતર થયાં હોત તો હરકત નહોતી, પણ સાધારણપણે રૂપાંતર થયાં છે, તે ઘટારત નથી થયું. મૂળ સ્વાભાવિક પચખાણનો અત્રે વ્યાખ્યાઅવસર નથી; લોક પચખાણની વાતનો અવસર છે; તથાપિ તે પણ સાધારણપણે પોતાની ઇચ્છાએ તોડવાં ઘટે નહીં, એવો હમણાં તો દ્રઢ વિચાર જ રાખવો. ગુણ પ્રગટવાના સાધનમાં જ્યારે રોધ થતો હોય, ત્યારે તે પચખાણ જ્ઞાનીપુરુષની વાણીથી કે મુમુક્ષુ જીવના પ્રસંગથી સહેજ આકારફેર થવા દઈ રસ્તા પર લાવવાં, કારણ કે વગર કારણે લોકોમાં અંદેશો થવા દેવાની વાર્તા યોગ્ય નથી. બીજા પામર જીવને વગર કારણે તે જીવ અનહિતકારી થાય છે. એ વગેરે ઘણા હેતુ ધારી બનતાં સુધી પત્રાદિ વ્યવહાર ઓછો કરવો એ જ યોગ્ય છે. અમ પ્રત્યે ક્યારેક તેવો વ્યવહાર તમને હિતકારીરૂપ છે, માટે કરવો યોગ્ય લાગતો હોય તો તે પત્ર શ્રી દેવકરણજી જેવા કોઈ સત્સંગીને વંચાવીને મોકલવો, કે જેથી જ્ઞાનચર્ચા સિવાય એમાં કાંઈ બીજી વાર્તા નથી એવું તેમનું સાક્ષીપણું તે તમારા આત્માને બીજા પ્રકારનો પત્રવ્યવહાર કરતાં અટકાવવાને સંભવિત થાય. મારા વિચાર પ્રમાણે એવા પ્રકારમાં શ્રી દેવકરણજી વિરોધ નહીં સમજે; કદાપિ તેમને તેમ લાગતું હોય તો કોઈ પ્રસંગમાં તેમનો તે અંદેશો અમે નિવૃત્ત કરીશું, તથાપિ તમારે ઘણું કરી વિશેષ પત્રવ્યવહાર કરવો યોગ્ય નહીં, તે લક્ષ ચૂકશો નહીં. “ઘણું કરી’ શબ્દનો અર્થ માત્ર હિતકારી પ્રસંગે પત્રનું કારણ કહ્યું છે, તેને બાધ ન થાય તે છે. વિશેષ પત્રવ્યવહાર કરવાથી તે જ્ઞાનચર્ચારૂપ હશે તોપણ લોકવ્યવહારમાં ઘણા અંદેશાનો હેતુ થશે. માટે જે પ્રમાણે પ્રસંગે પ્રસંગે આત્મહિતાર્થ હોય તે વિચારવું અને વિમાસવું યોગ્ય છે. અમ પ્રત્યે કોઈ જ્ઞાનપ્રશ્નાર્થે પત્ર લખવાની તમારી ઇચ્છા હોય તો તે શ્રી દેવકરણજીને પૂછીને લખવો કે જેથી તમને ગુણ ઉત્પન્ન થવામાં બાધ ઓછો થાય. તમે અંબાલાલને પત્ર લખ્યા વિષેમાં ચર્ચા થઈ તે જોકે ઘટારત થયું નથી, તમને કાંઈ પ્રાયશ્ચિત્ત આપે તો તે લેવું, પણ કોઈ જ્ઞાનવાર્તા લખવાને બદલે લખાવવામાં તમારે અડચણ કરવી ન જોઈએ, એમ સાથે યથાયોગ્ય નિર્મળ અંતઃકરણથી જણાવવું યોગ્ય છે, કે જે વાત માત્ર જીવના હિતને અર્થે કરવા માટે છે. પર્યુષણાદિમાં પત્રવ્યવહાર સાધુઓ લખાવીને કરે છે, જેમાં આત્મહિત જેવું થોડું જ હોય છે, તથાપિ તે રૂઢિ થઈ હોવાથી તેનો લોક નિષેધ કરતા નથી, તેમ તે રૂઢિને અનુસરી વર્તવાનું રાખશો, તોપણ હરકત નથી; એટલે તમને પત્ર લખાવવામાં અડચણ નહીં પહોંચે અને લોકોને અંદેશો નહીં થાય. ઉપમા આદિ લખવામાં લોકોનું વિપર્યયપણું રહેતું હોય તો અમને એક સાધારણ ઉપમા લખશો, નહીં ઉપમા લખો તોપણ અડચણ નથી. માત્ર ચિત્તસમાધિ અર્થે તમને લખવાનો પ્રતિબંધ કર્યો નથી. અમને ઉપમાનું કંઈ સફળપણું નથી. Page #4 -------------------------------------------------------------------------- ________________ આત્મસ્વરૂપે પ્રણામ.