Page #1
--------------------------------------------------------------------------
________________ 398 જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે મુંબઈ, શ્રાવણ વદ 14, રવિ, 1948 સ્વસ્તિ શ્રી સાયલા ગ્રામ શુભસ્થાને સ્થિત, પરમાર્થના અખંડ નિશ્ચયી, નિષ્કામ સ્વરૂપ (...) - ના વારંવાર સ્મરણરૂપ, મુમુક્ષુ પુરુષોએ અનન્ય પ્રેમે સેવન કરવા યોગ્ય, પરમ સરળ અને શાંતમૂર્તિ એવા શ્રી ‘સુભાગ્ય’, તેમના પ્રત્યે. શ્રી “મોહમયી’ સ્થાનેથી નિષ્કામ સ્વરૂપ છે જેનું એવા સ્મરણરૂપ સપુરુષના વિનયપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જેમાં પ્રેમભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે, એવાં તમ લિખિત ઘણાં પત્રો અનુક્રમે પ્રાપ્ત થયાં છે. આત્માકાર સ્થિતિ અને ઉપાધિજોગરૂપ કારણને લીધે માત્ર તે પત્રોની પહોંચ લખવા જેટલું બન્યું છે. અત્ર ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્યપણે રહેતી નહીં હોવાથી, અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિજોગ પણ વિશેષ રહ્યો છે, અને રહે છે, જેથી આ ચોમાસામાં બહાર નીકળવાનું અશક્ય થયું છે, અને તેને લીધે તમ સંબંધી નિષ્કામ સમાગમ તે પ્રાપ્ત થઈ શક્યો નથી. વળી દિવાળી પહેલાં તેવો જોગ પ્રાપ્ત થવો સંભવતો નથી. તમ લિખિત કેટલાંક પત્રોને વિષે જીવાશિ સ્વભાવ અને પરભાવનાં કેટલાંક પ્રશ્નો આવતાં હતાં, તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓનાં પત્રો આ વખતમાં ઘણાં મળ્યાં છે. તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. હાલ જો ઉપાધિજોગ પ્રાપ્તપણે વર્તે છે, તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિજોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઇચ્છા વર્તતી નથી, એટલે તે જ જોગે તે પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે, એમ જાણીએ છીએ. અને તેમ સ્થિતિ છે. શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે, અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાની પુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે.
Page #2
--------------------------------------------------------------------------
________________ આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાંકિતપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંધી નિશ્ચયમાં દ્રઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી, તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજુ આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સપુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ. આવું કાળનું સ્વરૂપ જોઈને મોટી અનુકંપા હૃદયને વિષે અખંડપણે વર્તે છે. જીવોને વિષે કોઈ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ પરમાર્થ, તે સંબંધી વૃત્તિ કંઈ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. તે વૃત્તિ સજીવન થાય અને કોઈ પણ જીવોને - ઘણા જીવોને - પરમાર્થ સંબંધી જે માર્ગ તે પ્રાપ્ત થાય તેવી અનુકંપા અખંડપણે રહ્યા કરે છે; તથાપિ તેમ થવું બહુ દુર્લભ જાણીએ છીએ. અને તેનાં કારણો પણ ઉપર જણાવ્યાં છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિષે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય એમ થયું છે, તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવોને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. તેમાં પણ જે ગૃહવાસાદિ પ્રસંગમાં તે પુરુષની સ્થિતિ છે, તે જોઈ જીવને પ્રતીતિ આવવી દુર્લભ છે, અત્યંત દુર્લભ છે, અને કદાપિ પ્રતીતિ આવી તો તેમનો જે પ્રારબ્ધપ્રકાર હાલ વર્તે છે, તે જોઈ નિશ્ચય રહેવો દુર્લભ છે, અને કદાપિ નિશ્ચય થાય તોપણ તેનો સત્સંગ રહેવો દુર્લભ છે, અને જે પરમાર્થનું મુખ્ય કારણ તે તો તે છે. તે આવી સ્થિતિમાં જોઈ ઉપર જણાવ્યા છે જે કારણે તેને વધારે બળવાનપણે દેખીએ છીએ, અને એ વાત જોઈ ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. ‘ઈશ્વરેચ્છાથી’ જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. તથાપિ જેવી અમારી અનુકંપા સંયુક્ત ઇચ્છા છે, તેવી પરમાર્થ વિચારણા અને પરમાર્થપ્રાપ્તિ જીવોને થાય તેવો કોઈ પ્રકારે ઓછો જોગ થયો છે, એમ અત્રે માનીએ છીએ. ગંગાયમુનાદિના પ્રદેશને વિષે અથવા ગુજરાત દેશને વિષે જો આ દેહ ઉત્પન્ન થયો હોત; ત્યાં વર્ધમાનપણું પામ્યો હોત તો તે એક બળવાન કારણ હતું એમ જાણીએ છીએ; બીજું પ્રારબ્ધમાં ગૃહવાસ બાકી ન હોત અને બ્રહ્મચર્ય, વનવાસ હોત તો તે બળવાન કારણ હતું, એમ જાણીએ છીએ. કદાપિ ગૃહવાસ બાકી છે તેમ હોત અને ઉપાધિજોગરૂપ પ્રારબ્ધ ન હોત તો તે ત્રીજું પરમાર્થને બળવાન કારણ હતું એમ જાણીએ છીએ. પ્રથમ કહ્યાં તેવાં બે કારણો તો થઈ ચૂક્યાં છે, એટલે હવે તેનું નિવારણ નથી. ત્રીજું ઉપાધિજોગરૂપ જે પ્રારબ્ધ તે શીધ્રપણે નિવૃત્ત થાય, વેદન થાય અને તે નિષ્કામ કરુણાના હેતુથી, તો તેમ થવું હજુ બાકી છે, તથાપિ તે પણ હજુ વિચારયોગ્ય સ્થિતિમાં છે. એટલે કે તે પ્રારબ્ધનો સહેજે પ્રતિકાર થઈ જાય એમ જ ઇચ્છાની સ્થિતિ છે, અથવા તો વિશેષ ઉદયમાં આવી જઈ થોડા કાળમાં તે પ્રકારનો ઉદય પરિસમાપ્ત થાય તો તેમ નિષ્કામ કરુણાની સ્થિતિ છે, અને એ બે પ્રકારમાં તો હાલ ઉદાસીનપણે એટલે સામાન્યપણે રહેવું છે, એમ આત્મસંભાવના છે; અને એ સંબંધીનો મોટો વિચાર વારંવાર રહ્યા કરે છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ પરમાર્થ કેવા પ્રકારના સંપ્રદાયે કહેવો એ પ્રકાર જ્યાં સુધી ઉપાધિજોગ પરિસમાપ્ત નહીં થાય ત્યાં સુધી મૌનપણામાં અને અવિચાર અથવા નિર્વિચારમાં રાખ્યો છે, અર્થાત તે વિચાર હાલ કરવા વિષે ઉદાસપણું વર્તે છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિજોગ વેદનાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે; પરંતુ પરમાર્થ સંબંધી કોઈ કોઈ જીવોને પ્રસંગ પડે છે, તેને તે ઉપાધિજોગના કારણથી અમારી અનુકંપા પ્રમાણે લાભ મળતો નથી; અને પરમાર્થ સંબંધી કંઈ તમ લિખિતાદિ વાર્તા આવે છે, તે પણ ચિત્તમાં માંડ પ્રવેશ થાય છે, કારણ કે તેનો હાલ ઉદય નથી. આથી પત્રાદિ પ્રસંગથી તમ સિવાયના બીજા જે મુમુક્ષુ જીવો તેમને ઇચ્છિત અનુકંપાએ પરમાર્થવૃત્તિ આપી શકાતી નથી, એ પણ ચિત્તને ઘણી વાર લાગી જાય છે ચિત્ત બંધનવાળું થઈ શકતું નહીં હોવાથી જે જીવો સંસાર સંબંધે સ્ત્રીઆદિરૂપે પ્રાપ્ત થયા છે, તે જીવોની ઇચ્છા પણ દૂભવવાની ઇચ્છા થતી નથી, અર્થાત્ તે પણ અનુકંપાથી અને માબાપાદિના ઉપકારાદિ કારણોથી ઉપાધિજોગને બળવાન રીતે વેદીએ છીએ; અને જેની જેની જે કામના છે તે તે પ્રારબ્ધના ઉદયમાં જે પ્રકારે પ્રાપ્ત થવી સર્જિત છે, તે પ્રકારે થાય ત્યાં સુધી નિવૃત્તિ ગ્રહણ કરતાં પણ જીવ ‘ઉદાસીન’ રહે છે; એમાં કોઈ પ્રકારનું અમારું સકામપણું નથી, અમે એ સર્વમાં નિષ્કામ જ છીએ એમ છે. તથાપિ પ્રારબ્ધ તેવા પ્રકારનું બંધન રાખવારૂપ ઉદય વર્તે છે; એ પણ બીજા મુમુક્ષની પરમાર્થવૃત્તિ ઉત્પન્ન કરવાને વિષે રોધરૂપ જાણીએ છીએ. જ્યારથી તમે અમને મળ્યા છો, ત્યારથી આ વાર્તા કે જે ઉપર અનુક્રમે લખી છે, તે જણાવવાની ઇચ્છા હતી, પણ તેનો ઉદય તે તે પ્રકારમાં હતો નહીં, એટલે તેમ બન્યું નહીં, હમણાં તે ઉદય જણાવવા યોગ્ય થવાથી સંક્ષેપે જણાવ્યો છે, જે વારંવાર વિચારવાને અર્થે તમને લખ્યો છે. બહુ વિચાર કરી સૂક્ષ્મપણે હૃદયમાં નિર્ધાર રાખવા યોગ્ય પ્રકાર એમાં લેખિત થયેલ છે. તમે અને ગોશળિયા સિવાય આ પત્રની વિગત જાણવાને બીજો જોગ જીવ હાલ તમારી પાસે નથી, આટલી વાત સ્મરણ રાખવા લખી છે. કોઈ વાતમાં શબ્દોના સંક્ષેપપણાથી એમ ભાસી શકે એવું હોય કે અમને કોઈ પ્રકારની કંઈ હજુ સંસારસુખવૃત્તિ છે, તો તે અર્થ ફરી વિચારવા યોગ્ય છે. નિશ્ચય છે કે ત્રણે કાળને વિષે અમારા સંબંધમાં તે ભાસવું આરોપિત જાણવા યોગ્ય છે, અર્થાત સંસારસુખવૃત્તિથી નિરંતર ઉદાસપણું જ છે. આ વાક્યો કંઈ તમ સંબંધીનો ઓછો નિશ્ચય અમ પ્રત્યે છે અથવા હશે તો નિવૃત્ત થશે એમ જાણી લખ્યાં નથી, અન્ય હેતુએ લખ્યાં છે. એ પ્રકારે એ વિચારવા યોગ્ય, વારંવાર વિચારી હૃદયમાં નિર્ધાર કરવા યોગ્ય વાર્તા સંક્ષેપે કરી અહીં તો પરિસમાપ્ત થાય આ પ્રસંગ સિવાય બીજા જજ પ્રસંગનું લખવું કરીએ તો થાય એમ છે, તથાપિ તે બાકી રાખી આ પત્ર પરિસમાપ્ત કરવું યોગ્ય ભાસે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________ જગતમાં કોઈ પણ પ્રકારથી જેની કોઈ પણ જીવ પ્રત્યે ભેદદ્રષ્ટિ નથી એવા શ્રી .... નિષ્કામ આત્મસ્વરૂપના નમસ્કાર પ્રાપ્ત થાય. ‘ઉદાસીન’ શબ્દનો અર્થ સમપણું છે.