Book Title: Vachanamrut 0397
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330517/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 397 આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે મુંબઈ, શ્રાવણ વદ 11, ગુરૂ, 1948 શુભેચ્છા સંપન્ન ભાઈ ત્રિભોવન, સ્તંભતીર્થ. આત્મસ્વરૂપને વિષે સ્થિતિ છે એવા જે તેના નિષ્કામ સ્મરણે યથાયોગ્ય વાંચશો. તે તરફના ‘આજે સાયિક સમકિત ન હોય’ એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે, જે જીવો તે તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે, અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા, ગવેષણા, જીવના કલ્યાણને વિષે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. તે જીવો પ્રત્યે દોષદ્રષ્ટિ કરવા યોગ્ય નથી, નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે; કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિષે ખેદ આણવો યોગ્ય નથી, તે તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી, તે જીવોને ઉપદેશે કરી સમજાવવાની કદાપિ તમને ચિંતના થતી હોય તોપણ તે માટે તમે વર્તમાન દશાએ જોતાં તો નિરુપાય છો, માટે અનુકંપાબુદ્ધિ અને સમતાબુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું, તેમ જ ઇચ્છવું અને તે જ પરમાર્થમાર્ગ છે, એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસવૃત્તિ ઉત્પન્ન થાય; અને કોઈ આત્મસ્વરૂપ એવા સપુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં, અને જ્યાં સુધી તેવી તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે, તો તમ વગેરેનાં વાક્યનું નિષ્ફળપણું હોય, અને તેમને ક્લેશરૂપ ભાસે, એમાં આશ્ચર્ય નથી, એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય એવી વિચારણા કરવી તે માર્ગને વિષે યોગ્ય ગયું છે. વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાસે છે, માટે લખીએ છીએ; તે એ કે, આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી, તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણ રાખશો; અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલાં કે લખાયેલાં વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે, અને તેનાં કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવાં તે યોગ્યતાવાળું નથી, તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે, તો બીજા જીવોને ક્લેશાદિનું કારણ થવાય છે, તે પણ હવે ‘ક્ષાયિકની ચર્ચા' વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિષે થતી અટકે છે; કેમ કે, તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સપુરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સપુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે, તેને વિષે આગ્રહપણે અન્યઅન્ય ચેષ્ટા કહ્યું છે, Page #2 -------------------------------------------------------------------------- ________________ અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. એમ ન થવા દેવા અને આ ભવને વિષે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખી, અંતરંગમાં એવા સત્પરષને પ્રગટ રાખી બાહ્યપ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. તે ગુપ્તપણે માયાકપટ નથી; કારણ કે તેમ વર્તવા વિષે માયાકપટનો હેતુ નથી; તેના ભવિષ્યકલ્યાણનો હેતુ છે, જે તેમ હોય તે માયાકપટ ન હોય એમ જાણીએ છીએ. જેને દર્શનમોહનીય ઉદયપણે, બળવાનપણે વર્તે છે, એવા જીવને માત્ર સપુરુષાદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું, એ તેનું અને ઉપયોગ રાખનાર એ બન્નેના કલ્યાણનું કારણ છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત્ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કર્યું છે. તેનાં પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના ‘આત્મા'માં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથાબળવીર્યે ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર તે પ્રકારે વર્તવું યોગ્ય છે. કદાપિ એમ ધારો કે ‘ક્ષાયિક સમકિત આ કાળમાં ન હોય’ એવું સ્પષ્ટ જિનના આગમને વિષે લખ્યું છે; હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે “ક્ષાયિક સમકિત એટલે શું સમજવું ?' જેમાં એક નવકારમંત્ર જેટલું પણ વ્રત, પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ વિશેષ તો ત્રણ ભવે અને નહીં તો તે જ ભવે પરમપદને પામે છે, એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે, ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ‘સાયિક સમકિત' કહેવાય ? ‘ભગવાન તીર્થકરને વિષે દ્રઢ શ્રદ્ધા’ એનું નામ જો ‘ક્ષાયિક સમકિત’ એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી, કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચીત આ કાળમાં હોય જ નહીં. જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ‘ક્ષાયિક સમકિત’ કહ્યું છે, તો પછી તે નથી, એમ માત્ર જિનાગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશયે કહેવાયા છે; અથવા કોઈ પાછળના કાળના વિસર્જનદોષે લખાયા છે, તો તેને વિષે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદકરુણાએ વિચારવા યોગ્ય છે. હાલ જેને જિનસૂત્રોને નામે ઓળખવામાં આવે છે, તેમાં ‘ક્ષાયિક સમકિત નથી’ એવું સ્પષ્ટ લખેલું નથી, અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે, એમ વાંચેલું છે, અને સાંભળેલું છે; અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે એમ અમારો અભિપ્રાય નથી, તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે જ લખ્યું છે, એમ અમને લાગતું નથી. કદાપિ એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તોપણ Page #3 -------------------------------------------------------------------------- ________________ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ કે તે બધી વ્યાખ્યા જો સપુરુષના આશયથી જાણી નથી, તો પછી સફળ નથી. એને બદલે કદાપિ ધારો કે જિનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે; તો તે વાતનું શ્રવણ કંઈ તમને અમને કંઈ કલ્યાણકર્તા થાય નહીં, અથવા મોક્ષપ્રાપ્તિનું કારણ હોય નહીં, કારણ કે તે મોક્ષપ્રાપ્તિ જે દશાને કહી છે, તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે, કલ્યાણકર્તા છે, શ્રવણ તો માત્ર વાત છે, તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે; તે બેય લખી હોય અથવા એક જ લખી હોય અથવા વગર વ્યવસ્થાએ રાખ્યું હોય તોપણ તે બંધ કે મોક્ષનું કારણ નથી, માત્ર બંધદશા તે બંધ છે, મોક્ષદશા તે મોક્ષ છે, ક્ષાયિકદશા તે ક્ષાયિક છે, અન્યદશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સપુરુષનો નિશ્ચય છે. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી, જે જે છે તે તે છે, જે જે સ્થિતિમાં છે, તે તે સ્થિતિમાં છે; બંધબુદ્ધિ ટળી નથી, અને મોક્ષ - જીવન્મુક્તતા - માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિકદશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. માનવાનું ફળ નથી, પણ દશાનું ફળ છે. જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, અને તે ક્ષાયિકસમકિતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ, અથવા તેનાથી ઊતરતી અથવા તેથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ ? તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે; પણ અનંત કાળ થયાં જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એવું ભાસ્યું પણ નથી, અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંત વાર કરી ચૂક્યો છે, તે ઉપર જણાવ્યો છે, તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે, વિચારીને - યથાર્થ વિચાર કરીને - કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કર્યું છે, તેમજ તે દશા (યથાર્થ વિચારદશા) વિના વર્તમાને તેમ કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ચા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા-ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે, એમ જાણી તેને વિષે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતાં, બીજાને પ્રેરતાં, આગ્રહે કહેતાં અટકશે. વધારે શું કહીએ ? એક અક્ષર બોલતાં અતિશય-અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે, અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલાં જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે; આ વાત કોઈ પણ પ્રકારે ત્રણે કાળને વિષે સંદેહપાત્ર નથી. તીર્થકરે પણ એમ જ કહ્યું છે, અને તે તેના આગમમાં પણ હાલ છે, એમ જાણવામાં છે. કદાપિ આગમને વિષે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, તોપણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જિનાગમ જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણે કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ લખપણું પામ્યા છે; માટે સેવનીય છે. થોડાં વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે, અને ઘણા જ ટૂંકાણમાં તે લખ્યો છે છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવો પડે છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પત્ર તમને, તથા તમારા જેવો બીજા જે જે ભાઈઓને પ્રસંગ છે તેમને, પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ્ય છે; અને બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. અત્ર ઉદય-ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. કૃષ્ણદાસના સંગમાં ‘વિચારસાગર’ના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાલરૂપ છે. કૃષ્ણદાસને આત્મસ્મરણપૂર્વક યથાયોગ્ય. “પ્રારબ્ધ દેહી”