Book Title: Vachanamrut 0218
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330338/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 218 સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. મુંબઈ, ફાગણ સુદ 13, સોમ, 1947 સર્વાત્મા હરિને નમસ્કાર ‘સત’ સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે. કાળથી તેને બાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે, અને તે પ્રાપ્તિનો ઉપયોગ છે. ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓનો લક્ષ એક “સ” જ છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે, અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું, તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાં દીર્ઘ વિસ્તારવાળાં રૂપ લય પામ્યાં જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે, પણ સર્વ કાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ ‘સ’ નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે, અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી, એમ સમજાય છે. બાળજીવ તો તે સ્વરૂપને શાશ્વતરૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગજીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ ‘સત તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ‘ભ્રાંતિનું રૂપ એવું આ જગત વારંવાર વર્ણવવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતાં પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું ? આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનું, અને મને શું કલ્યાણકારક ? એમ વિચારતાં વિચારતાં એને એક ભ્રાંતિનો વિષય જાણી, જ્યાંથી ‘સની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી, એમ સમજી તે શોધી, શરણાપન્ન થઈ ‘સત’ પામી ‘સ’રૂપ હોય છે. જૈનની બાહ્યશેલી જોતાં તો અમે તીર્થકરને સંપૂર્ણજ્ઞાન હોય એમ કહેતાં ભ્રાંતિમાં પડીએ છીએ. આનો અર્થ એવો છે કે જૈનની અંતર્શેલી બીજી જોઈએ. કારણ કે “અધિષ્ઠાન’ વગર આ જગતને વર્ણવ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીઓ, વિચક્ષણ આચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. તથાપિ અમે અમારા અભિપ્રાય પ્રમાણે વિચારીએ છીએ, તો એમ લાગે છે કે તીર્થંકરદેવ તો જ્ઞાની આત્મા હોવા જોઈએ, પણ તે કાળ પરત્વે જગતનું રૂપ વર્ણવ્યું છે, અને લોકો સર્વકાળ એવું માની બેઠા છે, જેથી ભ્રાંતિમાં પડ્યા છે. ગમે તેમ હો, પણ આ કાળમાં જૈનમાં તીર્થકરના માર્ગને જાણવાની આકાંક્ષાવાળો પ્રાણી થવો દુર્લભ સંભવે છે, કારણ કે ખરાબ ચઢેલું વહાણ, અને તે પણ જૂનું, એ ભયંકર છે. તેમ જ જૈનની કથની ઘસાઈ જઈ, ‘અધિષ્ઠાન' વિષયની ભ્રાંતિરૂપ ખરાબે તે વહાણ ચઢ્યું છે, જેથી સુખરૂપ થવું સંભવે નહીં. આ અમારી વાત પ્રત્યક્ષપણે દેખાશે. Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર દેવના સંબંધમાં અમને વારંવાર વિચાર રહ્યા કરે છે કે તેમણે ‘અધિષ્ઠાન’ વગર આ જગત વર્ણવ્યું છે, તેનું શું કારણ ? શું તેને ‘અધિષ્ઠાન’નું જ્ઞાન નહીં થયું હોય ? અથવા ‘અધિષ્ઠાન' નહીં જ હોય ? અથવા કોઈ ઉદ્દેશે છુપાવ્યું હશે ? અથવા કથન ભેદે પરંપરાએ નહીં સમજાયાથી ‘અધિષ્ઠાન' વિષેનું કથન લય પામ્યું હશે ? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મોટા પુરુષ માનીએ છીએ, તેને નમસ્કાર કરીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે ‘અધિષ્ઠાન’ તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાખ્યું. જગતનું કોઈ ‘અધિષ્ઠાન' હોવું જોઈએ, એમ ઘણાખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે ‘અધિષ્ઠાન' છે. અને તે ‘અધિષ્ઠાન' તે હરિ ભગવાન છે. જેને ફરી ફરી હૃદયદેશમાં જોઈએ છીએ. ‘અધિષ્ઠાન’ વિષે તેમ જ ઉપલાં કથન વિષે સમાગમે અધિક સત્કથા થશે. લેખમાં તેવી આવી શકશે નહીં. માટે આટલેથી અટકું છું. જનક વિદેહી સંસારમાં રહ્યા છતાં વિદેહી રહી શક્યા એ જોકે મોટું આશ્ચર્ય છે, મહા મહા વિકટ છે, તથાપિ પરમજ્ઞાનમાં જ જેનો આત્મા તદાકાર છે, તેને જેમ રહે છે, તેમ રહ્યું જાય છે. અને જેમ પ્રારબ્ધકર્મનો ઉદય તેમ વર્તતાં તેમને બાધ હોતો નથી. દેહ સહિતનું જેનું અહંપણું મટી ગયું છે, એવા તે મહાભાગ્યનો દેહ પણ આત્મભાવે જ જાણે વર્તતો હતો; તો પછી તેમની દશા ભેદવાળી ક્યાંથી હોય ? શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જૈનથી પણ જાણી શકાય છે, અને તે ખરું છે; તથાપિ તેમની ગતિ વિષે જે ભેદ બતાવ્યો છે તેનું જુદું કારણ છે. અને ભાગવતાદિકમાં તો જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે તે તો પરમાત્મા જ છે. પરમાત્માની લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે. આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ ચર્ચશું. લખ્યું જતું નથી. સ્વર્ગ-નરકાદિની પ્રતીતિનો ઉપાય યોગમાર્ગ છે. તેમાં પણ જેમને દૂરંદેશી સિદ્ધિ પ્રાપ્ત થાય છે, તે તેની પ્રતીતિ માટે યોગ્ય છે. સર્વકાળ એ પ્રતીતિ પ્રાણીને દુર્લભ થઈ પડી છે. જ્ઞાનમાર્ગમાં એ વિશેષ વાત વર્ણવી નથી, પણ તે બધાં છે, એ જરૂર. મોક્ષ જેટલે સ્થળે બતાવ્યો છે તે સત્ય છે. કર્મથી, ભાંતિથી અથવા માયાથી છૂટવું તે મોક્ષ છે. એ મોક્ષની શબ્દવ્યાખ્યા છે. જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. આટલો ખુલાસો લખ્યો છે, તથાપિ તે બહુ અધૂરો રાખ્યો છે. કારણ લખતાં કોઈ તેવા શબ્દો જડ્યા નથી. પણ આપ સમજી શકશો, એમ મને નિઃશંકતા છે. તીર્થંકરદેવને માટે સખત શબ્દો લખાયા છે માટે તેને નમસ્કાર. Page #3 -------------------------------------------------------------------------- _