Book Title: Vachanamrut 0170 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330290/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 170 આત્મા જ્ઞાન પામ્યો, ગ્રંથિભેદ થયો - છેવટની નિર્વિકલ્પ સમાધિ સુલભ - ગુપ્તતા, અજ્ઞાનવાસ - વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસ - પરમાર્થની વર્ષાઋતુ - તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા - અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર - ઉપશમ ક્ષપક શ્રેણી અને પ્રત્યક્ષ દર્શન - પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં - આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નહીં મુંબઈ, કારતક સુદ 14, 1947 પરમ પૂજ્યશ્રી,1 આજે આપનું પત્ર 1 ભૂધર આપી ગયા. એ પત્રનો ઉત્તર લખતાં પહેલાં કંઈક પ્રેમભક્તિ સમેત લખવા ઇચ્છું આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકનસુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં, ‘તુંહિ તંહિ વિના બીજી રટણા રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર-વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી. તેનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે. અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો - પરમાર્થ પ્રકાશવો - ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે કંઈ ઝાઝો વખત પણ નથી. પંદર અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી, નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યારપછી ત્યાગ કરાવવો જોઈએ. મહાન પુરુષોએ કેવી દશા પામી માર્ગ પ્રકાયો છે, શું કરીને માર્ગ પ્રકારયો છે, એ વાતનું આત્માને સારી રીતે સ્મરણ રહે છે; અને એ જ પ્રગટ માર્ગ કહેવા દેવાની ઇશ્વરી ઇચ્છાનું લક્ષણ જણાય છે. આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિષયે વાત કરવા ઇચ્છા થતી નથી. આપની ઇચ્છા જાળવવા ક્યારેક ક્યારેક પ્રવર્તન છે; અથવા ઘણા પરિચયમાં આવેલા યોગપુરુષની 1 શ્રી સોભાગભાઈ ઉપર આ પત્ર છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છા માટે કંઈક અક્ષર ઉચ્ચાર અથવા લેખ કરાય છે. બાકી સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે. અજ્ઞાની થઈને વાસ કરવાની ઇચ્છા બાંધી રાખી છે. તે એવી કે અપૂર્વ કાળે જ્ઞાન પ્રકાશતાં બાધ ન આવે. આટલાં કારણથી દીપચંદજી મહારાજ કે બીજા માટે કંઈ લખતો નથી. ગુણઠાણાં ઇત્યાદિકનો ઉત્તર લખતો નથી. સૂત્રને અડતોય નથી. વ્યવહાર સાચવવા થોડાંએક પુસ્તકોનાં પાનાં ફેરવું છું. બાકી બધુંય પથ્થર પર પાણીના ચિત્ર જેવું કરી મૂક્યું છે. તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્લાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂર્વકર્મ ભોગવે છે. વેદોદયનો નાશ થતાં સુધી ગૃહવાસમાં રહેવું યોગ્ય લાગે છે. પરમેશ્વર ચાહીને વેદોદય રાખે છે. કારણ, પંચમ કાળમાં પરમાર્થની વર્ષાઋતુ થવા દેવાની તેની થોડી જ ઇચ્છા લાગે છે. તીર્થકર જે સમજ્યા અને પામ્યા તે ..... આ કાળમાં ન સમજી શકે અથવા ન પામી શકે તેવું કંઈ જ નથી. આ નિર્ણય ઘણાય વખત થયાં કરી રાખ્યો છે. જોકે તીર્થકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે, એટલી બધી ઉન્મત્તતા આવી ગઈ છે. તેને શમાવવાની શક્તિ પણ આવી ગઈ છે, પણ ચાહીને શમાવવાની ઇચ્છા રાખી નથી. આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું. અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. થોડું લખ્યું ઘણું કરી જાણશો. ગુણઠાણાં એ સમજવા માટે કહેલાં છે. ઉપશમ અને ક્ષપક એ બે જાતની શ્રેણી છે. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી; ક્ષેપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે અગિયારમેથી જીવ પાછો વળે છે. ઉપશમશ્રેણી બે પ્રકારે છે. એક આજ્ઞારૂપ; એક માર્ગ જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞા આરાધન સુધી પતિત થતો નથી. પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પડે છે. આ નજરે જોયેલી, આત્માએ અનુભવેલી વાત છે. કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે. ન નીકળે તો કંઈ બાધ નથી. તીર્થકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાયું છે. દશપૂર્વધારી ઇત્યાદિકની આજ્ઞાનું આરાધન કરવાની મહાવીરદેવની શિક્ષા વિષે આપે જણાવ્યું તે ખરું છે. એણે તો ઘણુંય કહ્યું હતું, પણ રહ્યું છે થોડું અને પ્રકાશક પુરુષ ગૃહસ્થાવાસમાં છે. બાકીના ગુફામાં છે. કોઈ કોઈ જાણે છે પણ તેટલું યોગબળ નથી. કહેવાતા આધુનિક મુનિઓનો સ્ત્રાર્થ શ્રવણને પણ અનુકૂળ નથી. સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં. સૂત્ર અને તેનાં પડખાં બધાંય જણાયાં છે. એ જ વિનંતિ. વિ. આ0 રાયચંદ