Book Title: Vachanamrut 0016 00 Pratham Darashan Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330019/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દર્શન વૈરાગ્યબોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતૈષી વિષયોની સુદ્રઢતા થવા માટે બાર ભાવનાઓ તત્વજ્ઞાનીઓ કહે છે. 1. અનિત્યભાવના : શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના. 2. અશરણભાવના : સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના. 3. સંસારભાવના: આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ ? એ સંસાર મારો નથી, મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. 4. એકત્વભાવના : આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના. 5. અન્યત્વભાવના : આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના. 6. અશુચિભાવના : આ શરીર અપવિત્ર છે. મળમૂત્રની ખાણ છે, રોગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું, એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના. 7. આસવભાવના: રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આસવ છે એમ ચિંતવવું તે સાતમી આસવભાવના. 8, સંવરભાવના : જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવાં કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના. 9. નિર્જરાભાવના: Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનસહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરાભાવના. 10. લોકસ્વરૂપભાવના: ચૌદરાજ લોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના. 11. બોધદુર્લભભાવના: સંસારમાં ભમતાં આત્માને સમ્યકજ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યકજ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતિપરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોધદુર્લભભાવના. 12. ધર્મદુર્લભભાવના : ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરૂ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી બાર ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શનાંતર્ગત વર્ણવીશું. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાંખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે; એથી તે વિસ્તારી નથી.