Book Title: Vachanamrut 0010 1 Dwadash Anuprekhsa Anitya
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330010/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 10 દ્વાદશાનુપ્રેક્ષા' આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતન કરું છું. 1 અનિત્ય, 2 અશરણ, 3 સંસાર, 4 એકત્વ, 5 અન્યત્વ, 6 અશુચિ, 7 આસવ, 8 સંવર, 9 નિર્જરા, 10 લોક, 11 બોધિદુર્લભ, 12 ધર્મ. એ બાર ચિંતવનાઓનાં પ્રથમ નામ કહ્યાં. એના સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુ:ખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ બહ ઉત્તમ શરણ છે. દુ:ખરૂપ અગ્નિથી તપ્તાયમાન થયેલા જીવોને શીતલ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યકત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે. એટલા માટે આ બાર ચિંતવનાઓમાંથી ભાવ સહિત હવે અનિત્ય અનુપ્રેક્ષાનું ચિંતવન કરીએ છીએ. 1 અનિત્ય અનુપ્રેક્ષા દેવ, મનુષ્ય, તિર્યચ, એ સમસ્ત જોતજોતામાં પાણીના બિંદુની પેઠે અને ઝાકળના પુંજની પેઠે વિણસી જાય છે, જોતજોતામાં વિલયમાન થઈ ચાલ્યા જાય છે. વળી આ બધાં રિદ્ધિ, સંપદા, પરિવાર, સ્વપ્ન સમાન છે. જેવી રીતે સ્વપ્નમાં જોયેલું પાછું નથી દેખાતું, તેવી રીતે વિનાશ પામે છે. આ જગતમાં ધન, યૌવન, જીવન, પરિવાર સમસ્ત ક્ષણભંગુર છે, એને સંસારી મિથ્યાદ્રષ્ટિ જીવ, પોતાનું સ્વરૂપ, પોતાનું હિત જાણે છે. પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાનું સ્વરૂપ કેમ માને ? સમસ્ત ઇંદ્રિયજનિત સુખ જે દ્રષ્ટિગોચર દેખાય છે, તે ઇંદ્રધનુષ્યના રંગની પેઠે જોતજોતામાં નાશ થઈ જાય છે. યૌવનનું જોશ સંધ્યાકાળની લાલીની પેઠે ક્ષણ ક્ષણમાં વિનાશ પામે છે, એટલા માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ, એવા વિકલ્પ કરવા તે જ મહામોહનો પ્રભાવ છે. જે જે પદાર્થો આંખથી જોવામાં આવે છે, તે તે સમસ્ત નાશ પામશે, એની દેખવા-જાણવાવાળી ઇંદ્રિયો છે તે અવશય નાશ પામશે. તે માટે આત્માના હિત માટે જ ઉતાવળે ઉદ્યમ કરો. જેમ એક જહાજમાં અનેક દેશના અને અનેક 1 રત્નકરંડશ્રાવકા ચારમાંથી પ્રથમની ત્રણ અનુપ્રેક્ષાનો આ અનુવાદ છે. તે અપૂર્ણ છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ જાતિના માણસો ભેગા થઈ બેસે છે, પછી કિનારે જઈ નાના દેશ પ્રતિ ગમન કરે છે, તેમ કુળરૂપ જહાજમાં અનેક ગતિથી આવેલા પ્રાણી ભેગા થઈ વસે છે. પછી આયુષ્ય પૂરું થયે પોતપોતાના કર્માનુસાર ચારે ગતિમાં જઈ ઉત્પન્ન થાય છે, જે દેહથી સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ વગેરેની સાથે સંબંધ માની રાગી થઈ રહ્યો છે, તે દેહ અગ્નિથી ભસ્મ થશે, વળી માટી સાથે મળી જશે તથા જીવ ખાશે તો વિષ્ટા અને કૃમિકલેવરરૂપ થશે.એક એક પરમાણુ જમીન, આકાશમાં અનંત વિભાગરૂપે વીખરાઈ જશે; પછી ક્યાંથી મળશે? તેથી એનો સંબંધ પાછો પ્રાપ્ત નહીં થાય એમ નિશ્ચય જાણો. સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબાદિમાં મમતા કરી, ધર્મ બગાડવો તે મોટો અનર્થ છે. જે પુત્ર, સ્ત્રી, ભાઈ, મિત્ર, સ્વામી, સેવકાદિનાં એકઠાં થયેલ સુખથી જીવન ચાહો છો, તે સમસ્ત કુટુંબ શરદકાળનાં વાદળાંની જેમ વીખરાઈ જશે. આ સંબંધ આ વખતે દેખાય છે તે નહીં રહેશે, જરૂર વીખરાઈ જશે, એવો નિયમ જાણો. જે રાજ્યના અર્થે અને જમીનના અર્થે તથા હાટ, હવેલી, મકાન તથા આજીવિકાને અર્થે હિંસા, અસત્ય, કપટ, છળમાં પ્રવૃત્તિ કરો છો, ભોળાઓને ઠગો છો, પોતે જોરાવર થઈ નિર્બળને મારો છો, તે સમસ્ત પરિગ્રહનો સંબંધ તમારાથી જરૂર વિખૂટો પડશે. અલ્પ જીવવાના નિમિત્તે, નરક, તિર્યંચ ગતિના અનંતકાળ પર્યત અનંત દુ:ખના સંતાન ન ગ્રહણ કરો. એના સ્વામીપણાનું અભિમાન કરી અનેક ચાલ્યાં ગયાં. અને અનેક પ્રત્યક્ષ ચાલ્યાં જતાં જુઓ છો, માટે હવે તો મમતા છોડી, અન્યાયનો પરિહાર કરી, પોતાના આત્માના કલ્યાણ થવાના કાર્યમાં પ્રવર્તન કરો. ભાઈ, મિત્ર, પુત્ર, કુટુંબાદિક સાથે વસવું, તે જેમ ગ્રીષ્મઋતુમાં ચાર માર્ગની વચમાં એક વૃક્ષની છાયા નીચે અનેક દેશના વટેમાર્ગ વિશ્રામ લઈ પોતપોતાને ઠેકાણે જાય છે, તેમ કુલરૂપ વૃક્ષની છાયામાં રોકાયેલ, કર્મને અનુકૂળ અનેક ગતિમાં ચાલ્યા જાય છે. જેનાથી પોતાની પ્રીતિ માનો છો તે પણ દરેક મતલબના છે. આંખના રાગ જેમ, ક્ષણ માત્રમાં પ્રીતનો રાગ નાશ પામે છે. જેમ એક વૃક્ષ વિષે પક્ષી પૂર્વે સંકેત કર્યા વિના જ આવી વસે છે, તેમ કુટુંબના માણસો સંકેત કર્યા વિના કર્મને વશ ભેળા થઈ વીખરે છે. એ સમસ્ત ધન, સંપદા, આજ્ઞા, ઐશ્વર્ય, રાજ્ય, ઇંદ્રિયોના વિષયોની સામગ્રી જોતજોતામાં અવશય વિયોગને પ્રાપ્ત થશે. જુવાની મધ્યાહ્નની છાયાની પેઠે ઢળી જશે, સ્થિર નહીં રહેશે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિક તો અસ્ત થઈ પાછા ઊગે છે, અને હેમંત વસંતાદિક ઋતુઓ પણ જઈ જઈ પાછી આવે છે, પરંતુ ગયેલ ઇંદ્રિયો, યૌવન, આયુ, કાયાદિક પાછાં નથી આવતાં. જેમ પર્વતથી પડતી નદીના તરંગ રોકાયા વિના ચાલ્યા જાય છે, તેમ આયુષ્ય ક્ષણક્ષણમાં રોકાયા વિના વ્યતીત થાય છે. જે દેહને આધીન જીવવું છે, તે દેહને જર્જરિત કરનારું ઘડપણ સમય સમય આવે છે. ઘડપણ કેવું છે કે જુવાનીરૂપ વૃક્ષને દગ્ધ કરવાને દાવાગ્નિ સમાન છે. તે ભાગ્યરૂપ પુષ્પો(મોર)ને નાશ કરનાર ધૂમસની વૃષ્ટિ છે. સ્ત્રીની પ્રીતિરૂપ હરણીને વ્યાઘ સમાન છે. જ્ઞાનનેત્રને અંધ કરવા માટે ધૂળની વૃષ્ટિ સમાન છે. તપરૂપ કમળના વનને હિમ સમાન છે. દીનતા ઉત્પન્ન કરવાની માતા છે. તિરસ્કાર વધારવા માટે ધાઈ સમાન છે. ઉત્સાહ ઘટાડવાને તિરસ્કાર જેવી છે. રૂપધનને ચોરવાવાળી છે. બળને નાશ કરવાવાળી છે. જંઘાબળ બગાડનારી છે. આળસને વધારનારી છે. સ્મૃતિનો નાશ કરનારી આ વૃદ્ધાવસ્થા છે. મોતનો મેળાપ કરાવનારી દૂતી એવી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થવાથી પોતાના આત્મહિતનું વિસ્મરણ કરી, સ્થિર થઈ રહ્યા છો તે મોટો અનર્થ છે. વારંવાર મનુષ્યજન્માદિક સામગ્રી નહીં મળે. જે જે નેત્રાદિક ઇંદ્રિયોનું તેજ છે તે ક્ષણક્ષણમાં નાશ થાય છે. સમસ્ત સંયોગ વિયોગરૂપ જાણો. એ ઇંદ્રિયોના વિષયમાં રાગ કરી, કોણ કોણ નાશ નથી Page #3 -------------------------------------------------------------------------- ________________ થયા? આ બધા વિષયો પણ નાશ પામી જશે, અને ઇંદ્રિયો પણ નાશ થઈ જવાની. કોને અર્થે આત્મહિત છોડી ઘોર પાપરૂપ માઠું ધ્યાન કરો છો ? વિષયોમાં રાગ કરી વધારે વધારે લીન થઈ રહ્યા છો ? બધા વિષયો તમારા હૃદયમાં તીવ્ર બળતરા ઉપજાવી વિનાશ પામશે. આ શરીરને રોગે કરીને હંમેશા વ્યાપ્ત જાણ, જીવને મરણથી ઘેરાયેલો જાણ. ઐશ્વર્ય વિનાશની સન્મુખ જાણ. આ સંયોગ છે તેનો નિયમથી વિયોગ થશે. આ સમસ્ત વિષયો છે તે આત્માના સ્વરૂપને ભુલાવવાવાળા છે. એમાં રાચી ત્રણલોક નાશ થઈ ગયું છે. જે વિષયોના સેવવાથી સુખ ઇચ્છવું છે, તે જીવવાને અર્થે વિષ પીવું છે. શીતળ થવાને માટે અગ્નિમાં પ્રવેશ કરવા બરાબર છે. મીઠાં ભોજનને માટે ઝેરના વૃક્ષને પાણી પાવું છે. વિષય મહામોહ મદને ઉપજાવનાર છે, એનો રાગ છોડી આત્માનું કલ્યાણ કરવા યત્ન કરો. અચાનક મરણ આવશે, પછી મનુષ્યજન્મ તેમ જ જિનેન્દ્રનો ધર્મ ગયા પછી મળવો અનંતકાળમાં દુર્લભ છે. જેમ નદીનો પ્રવાહ નિરંતર ચાલ્યો જાય છે, ફરી નહીં આવે, તેમ આયુષ્ય, કાયા, રૂપ, બળ, લાવણ્ય અને ઇંદ્રિયશકિત ગયા પછી પાછાં નહીં આવે. જે આ પ્યારાં માનેલાં સ્ત્રીપુત્રાદિક નજરે દેખાય છે તેનો સંયોગ નહીં રહેશે. સ્વપ્નના સંયોગ સમાન જાણી, એના અર્થે અનીતિ પાપ છોડી, ઉતાવળે સંયમાદિક ધારણ કર. તે ઇંદ્રજાળની પેઠે લોકોને ભ્રમ ઉપજાવનારું છે. આ સંસારમાં ધન, યૌવન, જીવન, સ્વજન, પરજનના સમાગમમાં જીવ આંધળો થઈ રહ્યો છે. તે ધનસંપદા ચક્રવર્તીઓને ત્યાં પણ સ્થિર રહી નહીં, તો બીજા પુણ્યહીનને ત્યાં કેમ સ્થિર રહેશે ? યૌવન, વૃદ્ધાવસ્થાથી નાશ થશે. જીવવું મરણ સહિત છે. સ્વજન પરજન વિયોગની સન્મુખ છે. શામાં સ્થિરબુદ્ધિ કરો છો ? આ દેહ છે તેને નિત્ય સ્નાન કરાવો છો, સુગંધ લગાડો છો, આભરણ વસ્ત્રાદિકથી ભૂષિત કરો છો, નાના પ્રકારનાં ભોજન કરાવો છો, વારંવાર એના જ દાસપણામાં કાળ વ્યતીત કરો છો; શય્યા, આસન, કામભોગ, નિદ્રા, શીતલ, ઉષ્ણ અનેક ઉપચારોથી એને પુષ્ટ કરો છો. એના રાગથી એવા અંધ થઈ ગયા છો કે ભક્ષ, અભક્ષ, યોગ્ય, અયોગ્ય, ન્યાય, અન્યાયના વિચારરહિત થઈ, આત્મધર્મ બગાડવો, યશનો વિનાશ કરવો, મરણ પામવું, નરકે જવું, નિગોદને વિષે વાસ કરવો, એ સમસ્ત નથી ગણતા. આ શરીરનો જળથી ભરેલા કાચા ઘડાની પેઠે જલદી વિનાશ થશે. આ દેહનો ઉપકાર કૃતઘ્નના ઉપકારની પેઠે વિપરીત ફળશે. સર્પને દૂધ સાકરનું પાન કરાવવા સમાન પોતાને મહા દુઃખ રોગ, ક્લેશ, દુર્ગાન, અસંયમ, કુમરણ અને નરકનાં કારણરૂપ શરીર ઉપરનો મોહ છે એમ નિશ્ચયપૂર્વક જાણો. આ શરીરને જેમ જેમ વિષયાદિકથી પુષ્ટ કરશો, તેમ તેમ આત્માને નાશ કરવામાં સમર્થ થશે. એક દિવસ ખોરાક નહીં આપશો તો બહુ દુઃખ દેશે. જે જે શરીરમાં રાગી થયા છે, તે તે સંસારમાં નાશ થઈ, આત્મકાર્ય બગાડી અનંતાનંત કાળ નરક, નિગોદમાં ભમે છે. જેમણે આ શરીરને તપસંયમમાં લગાડી કૃશ કર્યું તેઓએ પોતાનું હિત કર્યું છે. આ ઇંદ્રિયો છે, તે જેમ વિષયોને ભોગવે છે તેમ તૃષ્ણા વધારે છે; જેમ અગ્નિ બળતણથી તૃપ્ત થતી નથી, તેમ ઇંદ્રિયો વિષયોથી તૃપ્ત થતી નથી. એક એક ઇંદ્રિયની વિષયની વાંછના કરી મોટા મોટા ચક્રવર્તી રાજા ભ્રષ્ટ થઈ નરકે જઈ પહોંચ્યા છે, તો બીજાનું તે શું કહેવું ? એ ઇંદ્રિયોને દુઃખદાયી, પરાધીન કરનારી, નરકમાં પહોંચાડનારી જાણી, તે ઇંદ્રિયોનો રાગ છોડી, એને વશ કરો. Page #4 -------------------------------------------------------------------------- ________________ સંસારમાં જેટલાં નિંદ્ય કર્મ કરીએ છીએ તે તે સમસ્ત ઇંદ્રિયોને આધીન થઈ કરીએ છીએ. માટે ઇંદ્રિયરૂપ સર્પના વિષથી આત્માની રક્ષા કરો. આ લક્ષ્મી છે તે ક્ષણભંગુર છે. આ લક્ષ્મી કુલીનમાં નથી રમતી. ધીરમાં, શૂરમાં, પંડિતમાં, મૂર્ખમાં, રૂપવાનમાં, કુરૂપમાં, પરાક્રમીમાં, કાયરમાં, ધર્માત્મામાં, અધર્મીમાં, પાપીમાં, દાનીમાં, કૃપણમાં ક્યાંય નથી રમતી. એ તો પૂર્વજન્મમાં પુણ્ય કરેલ હોય તેની દાસી છે. કુપાત્ર-દાનાદિક, કુતપ કરી ઉત્પન્ન થયેલ જીવને, ખોટા ભોગમાં, કુમાર્ગમાં, મદમાં લગાડી દુર્ગતિમાં પહોંચાડનારી છે. આ પંચમકાળની મધ્યમાં તો કુપાત્ર-દાન કરી કુતપસ્યા કરી લક્ષ્મી ઊપજે છે. તે બુદ્ધિને બગાડે છે. મહા દુઃખથી ઊપજે છે, મહા દુઃખથી ભોગવાય છે. પાપમાં લગાડે છે. દાનભોગમાં ખર્યા વિના મરણ થયે, આર્તધ્યાનથી છોડી તિર્યંચગતિમાં જીવ ઊપજે છે. એથી લક્ષ્મીને તૃષ્ણા વધારવાવાળી, મદ ઉપજાવવાવાળી જાણી, દુઃખિત દરિદ્રીના ઉપકારમાં, ધર્મને વધારવાવાળાં ધર્મસ્થાનકોમાં, વિદ્યા આપવામાં, વીતરાગ સિદ્ધાંત લખાવવામાં લગાડી સફળ કરો. ન્યાયના પ્રમાણિક ભોગમાં, જેમ ધર્મ ન બગડે તેમ લગાડો. આ લક્ષ્મી જલતરંગવત અસ્થિર છે. અવસરમાં દાન ઉપકાર કરી લો. પરલોકમાં સાથે આવશે નહીં. અચાનક છાંડી મરવું પડશે. જે નિરંતર લક્ષ્મીનો સંચય કરે છે, દાન ભોગમાં લઈ શકતા નથી, તે પોતે પોતાને ઠગે છે. પાપનો આરંભ કરી, લક્ષ્મીનો સંગ્રહ કરી, મહા મૂર્છાથી ઉપાર્જન કરી છે, તેને બીજાના હાથમાં આપી, અન્ય દેશમાં વ્યાપારાદિથી વધારવા માટે તેને સ્થાપન કરી, જમીનમાં અતિ દૂર છે. મેલી અને રાત-દિવસ એનું જ ચિંતવન કરતાં કરતાં દુર્ગાનથી મરણ કરી દુર્ગતિ જઈ પહોંચે છે. કૃપણને લક્ષ્મીનું રખવાલપણું અને દાસપણું જાણવું. દૂર જમીનમાં નાખીને લક્ષ્મીને પહાણા સમાન કરી છે. જેમ ભૂમિમાં બીજા પહાણા રહે છે. તેમ લક્ષ્મીનું જાણો. રાજાનાં, વારસનાં તથા કુટુંબનાં કાર્ય સાધ્યાં, પણ પોતાનો દેહ તો ભસ્મ થઈ ઊડી જશે, તે પ્રત્યક્ષ નથી દેખતા ? આ લક્ષ્મી સમાન આત્માને ઠગવાવાળું બીજું કોઈ નથી. પોતાના સમસ્ત પરમાર્થને ભૂલી લક્ષ્મીના લોભનો માર્યો રાત્રિ અને દિવસ ઘોર આરંભ કરે છે. વખતસર ભોજન નથી કરતો. ટાઢી ઊની વેદના સહન કરે છે. રાગાદિકના દુઃખને નથી જાણતો. ચિંતાતુર થઈ રાત્રે ઊંઘ નથી લેતો. લક્ષ્મીનો લોભી પોતાનું મરણ થશે એમ નથી ગણતો. સંગ્રામના ઘોર સંકટમાં જાય છે. સમુદ્રમાં પ્રવેશ કરે છે. ઘોર ભયાનક રાન પર્વતમાં જાય છે. ધર્મરહિત દેશમાં જાય છે. જ્યાં પોતાની જાતિનું, કુળનું કે ઘરનું કોઈ દેખવામાં આવતું નથી, એવા સ્થાનમાં કેવળ લક્ષ્મીના લોભથી ભ્રમણ કરતો કરતો મરણ પામી દુર્ગતિમાં જઈ પહોંચે છે. લોભી નહીં કરવાનું તથા નીચ ભીલને કરવા યોગ્ય કામ કરે છે. તો તું હવે જિતેંદ્રના ધર્મને પામીને સંતોષ ધારણ કરી પોતાના પુણ્યને અનુકૂલ ન્યાયમાર્ગને પ્રાપ્ત થઈ, ધનનો સંતોષી થઈ, તીવ્ર રાગ છોડી, ન્યાયના વિષયભોગોમાં અને દુઃખિત, બુભુક્ષિત, દીન અનાથના ઉપકાર નિમિત્તે દાન, સન્માનમાં લગાડ. એ લક્ષ્મીએ અનેકને ઠગીને દુર્ગતિમાં પહોંચાડ્યા છે. લક્ષ્મીનો સંગ કરી જગતના જીવ અચેત થઈ રહ્યા છે. એ પુણ્ય અસ્ત થયે અસ્ત થઈ જશે. લક્ષ્મીનો સંગ્રહ કરી મરી જવું એવું કુલ લક્ષ્મીનું નથી. એનાં ફૂલ કેવળ ઉપકાર કરવો, ધર્મનો માર્ગ ચલાવવો એ છે. એ પાપરૂપ લક્ષ્મીને ગ્રહણ નથી કરતાં તેને ધન્ય છે. ગ્રહણ કરીને મમતા છોડી ક્ષણ માત્રમાં ત્યાગી દીધી છે તેને ધન્ય છે. વિશેષ શું લખીએ ? Page #5 -------------------------------------------------------------------------- ________________ તે ધન, યૌવન, જીવન, કુટુંબના સંગને પાણીનાં ટીપાં સમાન અનિત્ય જાણી, આત્મહિતરૂપ કાર્યમાં પ્રવર્તન કરો. સંસારના જેટલા જેટલા સંબંધ છે તેટલા તેટલા બધા વિનાશિક છે. એવી રીતે અનિત્ય વિચારણા વિચારો, પુત્ર, પૌત્રો, સ્ત્રી, કુટુંબાદિક કોઈ પરલોક સાથે ગયા નથી અને જશે નહીં. પોતાનાં ઉપાર્જન કરેલ પુણ્યપાપાદિક કર્મ સાથે આવશે. આ જાતિ કુળ રૂપાદિક તથા નગરાદિકનો સંબંધ દેહની સાથે જ વિનાશ થશે. તે અનિત્ય ચિંતવના ક્ષણ માત્ર પણ વિસ્મરણ ન થાય. જેથી પરથી મમત્વ છૂટી આત્મકાર્યમાં પ્રવૃત્તિ થાય એવી અનિત્ય ભાવનાનું વર્ણન કર્યું.