Page #1
--------------------------------------------------------------------------
________________
ત્રિવિજય
જીવ માત્રના દેહની કેટલીક ખાસિયતો છે. જીવન ટકાવી રાખવા માટે દરેક જીવને પોતાની કક્ષાનુસાર સ્થૂળ કે સૂક્ષ્મ આહારની જરૂર પડે છે. જીવસૃષ્ટિમાં ઉચ્ચતમ કક્ષામાં મનુષ્ય છે. મનુષ્યને પોતાનું શરીર ટકાવી રાખવા માટે આહાર લેવો પડે છે. આહાર ઉપરાંત નિદ્રાની પણ જરૂર રહે છે. નિદ્રાવસ્થામાં શરીર ઘણુંખરું મર્યાદિત હલનચલનવાળું બને છે. પરંતુ જાગ્રત અવસ્થા પ્રાપ્ત થતાં શરીરને સારું રાખવા માટે હલનચલન, વ્યાયામ, હરવું-ફરવું ઇત્યાદિની અપેક્ષા રહે છે.
દેહમાં આત્મા વસેલો છે. આત્મા અને દેહનાં લક્ષણો વિભિન્ન છે. આહાર ન લેવો એટલે કે અણાહારીપણું એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને આહારના સંસ્કાર પડેલા છે. આહારની સંજ્ઞા વળગેલી છે. આહાર એ આત્માની વિભાવ દશા છે. તેવી જ રીતે સતત જાગ્રત અવસ્થા એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને નિદ્રાના સંસ્કાર પડેલા છે. નિદ્રા એ આત્માની વિભાવ દશા છે. સંપૂર્ણ સ્થિરતા- અચલત્વ એ આત્માનો સ્વભાવ છે. પરંતુ અનાદિથી જીવને ચંચલતાના સંસ્કાર પડેલા છે. ચંચલતા એ આત્માની વિભાવ દશા છે.
જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આહાર, નિદ્રા અને ચંચલત્વનાં લક્ષણો સામાન્ય રીતે રહ્યાં કરે છે, એ ત્રણેય ઉપર જેટલે અંશે વિજય મેળવી શકાય તેટલે અંશે આત્માના સ્વભાવ તરફ ગતિ કરી શકાય. માણસ આહાર ઓછો લે અથવા ન લે અને છતાં પ્રસન્ન રહે એ સરળ વાત નથી. માણસ અલ્પ નિદ્રા લઈને અથવા નિદ્રા ન લઈને સ્ફૂર્તિમય રહે એ કઠિન વાત છે. માણસ એક જ આસને લાંબો સમય બેસી શકતો નથી. અંગાંગો જકડાઈ જાય છે, શરીર થાકી જાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
સારું ખાવું-પીવું, હરવું-ફરવું, આરામ કરવો, આનંદપ્રમોદમાં સમય પસાર કરવો એ તન અને મનનું ભૌતિક સુખ છે, આત્મિક સુખ નથી. માણસ ભૂખ્યા રહેવાનો, ઓછી નિદ્રા લેવાનો અને કોઈ એક આસને લાંબો સમય સ્થિર રહેવાનો મહાવરો જો ક૨વા માંડે તો ક્રમે ક્રમે તેમાં આગળ વધી શકે. પરંતુ એવું કરવાની જરૂર શી ? - એવો પ્રશ્ન થશે. આત્માના મૂળ સ્વભાવ પ્રતિ ગતિ કરવા માટે જ એની જરૂર છે. એ માટે આનંદ, ઉલ્લાસ, ધગશ, પુરુષાર્થ ઇત્યાદિના ઉત્કટ ભાવ હોય તો ચૈતન્યનો સવિશેષ આવિષ્કાર થાય, અન્યથા આ બધું માત્ર દેહકષ્ટ કે વેઠ બરાબર લાગે.
-
૨
જે મનુષ્ય આહાર, નિદ્રા અને આસન ઉપર થોડો પણ કાબૂ મેળવે છે તે પોતાની સ્થૂળ તથા સૂક્ષ્મ ઇન્દ્રિયો ઉપર સંયમ મેળવવા લાગે છે. થોડો પણ યોગાભ્યાસ થતાં એનો અનુભવ કરી શકાય છે. ચિત્ત સ્વેચ્છાએ સંયમમાં રહ્યું હોય તો દેહની કેટલીક ક્રિયાઓ કેટલોક વખત અટકાવી શકાય છે. કોઈ જાહેર સભામાં બેઠેલો માણસ ભૂખ, શૌચાદિ હાજતનો કુદરતી નિરોધ કરી શકે છે. પંડિત યુગના એક ગુજરાતી લેખક માટે કહેવાય છે કે તેમને દર પંદર-વીસ મિનિટે લઘુશંકા માટે ઊઠવું પડે એવો વ્યાધિ થયો હતો; પરંતુ તેઓ પદ્માસન કે અર્ધપદ્માસન લગાવી ધ્યાન કે સ્વાધ્યાયમાં બેસી જતા તો ત્રણચાર કલાક સુધી પણ ઊઠવાની જરૂર પડતી નહિ !
યમ, નિયમ, આસન-પ્રાણાયામ, ઇત્યાદિ યોગના આરંભનાં પગથિયાં સિદ્ધ કર્યા પછી જેઓને ધ્યાન અને સમાધિમાં જવાનો મહાવરો ઠીક ઠીક હોય છે તેઓને ચિત્ત દ્વારા ઇન્દ્રિય-સંયમ સહજ બને છે અને દેહની કુદરતી જરૂરિયાતો તેટલો સમય ખાસ જણાતી નથી. મહાન યોગીઓ જીભની ખેચરી મુદ્રા વડે તેમાંથી અમૃતબિંદુ પ્રાપ્ત કરીને આઠ-દસ દિવસ સુધી આહાર વગર રહી શકે છે. કેટલાક મહાત્માઓ દિવસોના દિવસો સુધી નિદ્રારહિત સતત જાગ્રત અવસ્થામાં પ્રસન્નતાપૂર્વક રહી શકે છે. ધ્યાન અને સમાધિમાં એવી તાકાત છે કે ચિત્ત અથવા તો આત્મા સમગ્ર દેહ ઉપર પૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત કરી લે છે.
દેહ ઉપર વિજય મેળવવાનું કામ બધાં માટે એકસરખું ન હોઈ શકે. દરેકના દેહ એકસરખા નથી હોતા, તેમ દરેકની ચિત્તશક્તિ પણ એકસરખી ન હોઈ શકે. જૈન ધર્મની માન્યતા અનુસાર વર્તમાન સમયમાં, પાંચમા આરામાં મનુષ્યને જે દેહ મળ્યો છે તેની મર્યાદામાં રહીને તે કેટલુંક સિદ્ધ
Page #3
--------------------------------------------------------------------------
________________
ત્રિવિજય
કરી શકે છે. જૈન ધર્મ દેહના સંઘયણ અને સંસ્થાનના પ્રકાર બતાવ્યા છે. શરીરનાં હાડકાંઓનો જે બંધ હોય છે તેન સંઘયણ કહેવામાં આવે છે, અને શરીરના આકારવિશેષને સંસ્થાન કહેવામાં આવે છે. સંઘયણના આ પ્રમાણે છ પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) વજ, ઋષભનારાચ સંઘયણ, (૨) કૃષભનારાચ સંઘયણ, (૩) નારા સંઘયણ, (૪) અર્ધનારા, સંઘયણ, (૫) કીલિકા સંઘયણ, અને (ડ) સેવાર્ય સંઘયણ. એ જ રીતે સંસ્થાનના આ પ્રમાણે છ પ્રકાર ઊતરતા ક્રમમાં છે : (૧) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨) ન્યગ્રોધ, (૩) સાદિ, (૪) વામન, (૫) કુન્જ, અને (૬) હંડક, વળી આહારના ત્રણ પ્રકાર બતાવ્યા છે : (૧) ઓજાહર, (૨) લોકાહાર અને (૩) કવળાહાર. આ બધા પારિભાષિક પ્રકારની સમજણ જૈન શાસ્ત્રગ્રંથોમાં સાંપડે છે. જે પ્રમાણે દેહ અને સંસ્થાન, તે પ્રમાણે તે જીવ પોતાની આત્મશક્તિને વધુ ફરાવી શકે છે. તીર્થંકરો અને કેવળજ્ઞાનીઓના દેહનાં સંઘયણ અને સંસ્થાના બંને ઉત્તમ પ્રકારનાં હોય છે.
ચરમ તીર્થંકર દેવાધિદેવ ભગવાન મહાવીરે કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે લગભગ સાડા બાર વર્ષ જે તપસ્યા કરી તે અજોડ છે. વીરચ ઘોર તપો ! - એમ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યથાર્થ જ કહ્યું છે. ભગવાન મહાવીર ક્ષત્રિય રાજકુમાર હતા. ખાનપાન આદિ ભોગવિલાસની કોઈ કમી નહોતી છતાં એનો ત્યાગ કરીને તેઓ તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. લગભગ સાડા બાર વર્ષના સાધનાકાળમાં એમણે બહુ જ ઓછા દિવસ આહાર લીધો હતો. એક વખત સળંગ છ મહિના સુધી ઉપવાસ કર્યા; બીજી વખત છ મહિનામાં થોડા દિવસ ઓછા એવા સળંગ ઉપવાસ કર્યા. આઠ-પંદર દિવસ કે મહિનાના ઉપવાસ તો કેટલીય વાર કર્યા. શાસ્ત્રકારોએ નોંધ્યું છે કે ભગવાન મહાવીરે સાડા બાર વર્ષ દરમિયાન જેટલા ટંક આહાર લીધો તેનો સરવાળો કરવામાં આવે તો લગભગ એક વર્ષ જેટલો થાય, એટલે કે સાડા બાર વર્ષ દરમિયાન લગભગ ૧૧ વર્ષથી અધિક સમય તેમણે આહાર વગર ચલાવ્યું.
એવી જ રીતે એ સાધનાકાળ દરમિયાન એમણે નિદ્રારહિત એવાં કેટલાંય દિવસરાત સતત જાગ્રત અવસ્થામાં પસાર કર્યો, શરીર ઉપર એમણે એટલો બધો સંયમ મેળવી લીધો હતો કે કોઈ પણ એક આસનમાં ઘણા લાંબા સમય સુધી તેઓ સ્થિર રહી શકતા. એમણે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું તે પણ, ગોવાળ પગમાં તાંબડી ભરાવી ગાય દોહવા બેસે એવા કઠિન ગોદોહિકા નામના આસનમાં.
Page #4
--------------------------------------------------------------------------
________________ જિનતત્ત્વ ભગવાન મહાવીરે, આમ, આહાર, નિદ્રા અને આસન એ ત્રણ ઉપર અપૂર્વ વિજય મેળવ્યો હતો અને એમાંથી જ એમની બીજી અનેક શક્તિઓ પ્રગટી હતી. આ ત્રિવિજયની શક્તિ તેમણે ધ્યાનની પ્રક્રિયામાંથી મેળવી હતી એમ કહેવાય છે. ત્રિવિજય દ્વારા જ તેમણે ભયંકર ઘાતી કર્મોનો ક્ષય કર્યો. ધ્યાન દ્વારા જ તેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્રિવિજયયુક્ત આવી ઘોર તપશ્ચર્યાને કારણે વર્ધમાનકુમાર તે ભગવાન મહાવીર બન્યા. એમની સાધનાનો ઇતિહાસ સાધકોને માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.