Page #1
--------------------------------------------------------------------------
________________
સ્થ લિભદ્રવિષયક ત્રણ ફાગુ કાવ્યો
જયંત કોઠારી
પ્રાચીન ગુજરાતીના વિપુલ જૈન સાહિત્યનો, એ સાંપ્રદાયિક છે એમ કહીને, કાંકરો કાઢી નાખી શકાશે
“નહિ. મધ્યકાળમાં નિર્દેશ નિર્ભેળ કવિતા ક્યાં હતી? જૈનોનો વર્ગ સામાન્ય હિંદુ વર્ગને મુકાબલે નાનો અને એની પરંપરામાં દીક્ષાના મહિમાનું તત્ત્વ જરા પ્રબળ જૈન કવિઓ જે મોટે ભાગે મનિઓ જ હતા–તેમણે બહુધા દીક્ષાનો મહિમા ગાઈ શકાય એવું જ વસ્તુ પસંદ કર્યું છે; અથવા વાર્તાનાયકને દીક્ષા આપ્યા વિના એમને ચેન પડ્યું નથી), તેથી એમનું સાહિત્ય વધારે સાંપ્રદાયિક લાગે છે. જેનેતર હિંદુ પરંપરા વધારે પરિચિત, તેથી એમાં સાંપ્રદાયિકતા દેખાતી નથી. પણ એ પરંપરાનું સાહિત્ય પણ ધાર્મિક પ્રયોજનવાળું તો છે જ. જૈન કવિઓ જૈનેતર કવિઓને મુકાબલે બહુ વિત્ત નથી દેખાડતા એ સાચું છે છતાં જૈન કવિઓ જૂની ભાષા વાપરતા હોવાને કારણે, કે પેલા સાંપ્રદાયિકતાના પૂર્વગ્રહને લીધે એમનું યોગ્ય મૂલ્યાંકન થવામાં અંતરાય આવતો હોય એવું તો થતું નથી ને, એ તપાસવા જેવું છે. ધાર્મિકતા અને સાંપ્રદાયિકતાને ઉલ્લંઘીને પણ કવિત્વ પ્રગટ થઈ શકે–જેમ મધ્યકાળના ઘણું કવિઓની બાબતમાં બન્યું છે. નરસિંહ, મીરાં, અખો, પ્રેમાનંદ, દયારામ જેવી પ્રતિભાવાળો કોઈ જૈન કવિ નજરે ચડતો નથી (જૈનેતર સાહિત્યમાં પણ છઠ્ઠો કોઈ કયાં છે ?) પણ નાકર, ધીર, ભોજે, પ્રીતમ કે સ્વામીનારાયણ સંપ્રદાયના કવિઓ જેટલું વિત્ત બતાવનાર જૈન કવિઓ નહિ હોય એ માનવા જેવું જણાતું નથી. છતાં આપણા સાહિત્યના અધ્યયનમાં જૈન કવિઓ અને સાહિત્ય ઉપેક્ષિત રહ્યાં છે એ હકીકત છે. પ્રથમ પંક્તિના વિદ્વાનોના વિવેચનને જે લાભ અખો, પ્રેમાનંદ, દયારામ જેવાને મળ્યો છે તે કોઈ જૈન કવિને મળ્યો જણાતું નથી. ભાલણ, નાકર, નરપતિ, શામળ વગેરેને આપણે અભ્યાસમાં જે સ્થાન મળતું રહ્યું છે તેવું કોઈ જૈન કવિને ભાગ્યે જ મળ્યું છે. વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કરનાર લાવણ્યસમય તથા સમયસુન્દર જેવા કવિઓનો સાંગોપાંગ અભ્યાસ થવો હજુ બાકી છે. સાહિત્યના ઇતિહાસમાં પણ વિશિષ્ટ જૈન કૃતિઓ અને કવિઓનો પૂરતો પરિચય કરાવવામાં આવતો નથી. હા, નરસિંહ પૂર્વેના જૈન સાહિત્યનો કંઈક વિગતે પરિચય કરાવવામાં આવે છે, કેમકે એ વખતનું જૈનેતર સાહિત્ય અલ્પ પ્રમાણમાં છે! ઘણું જૈન સાહિત્ય હજી સુધી અપ્રકાશિત છે. દયારામે પણ સાંપ્રદાયિક સાહિત્ય ઘણું
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ લખ્યું હતું, પરંતુ એની સાચી કવિતા લોકોએ ઝીલી લીધી અને અભ્યાસીઓએ એને લક્ષમાં રાખી દયારામનું મૂલ્યાંકન કર્યું. જૈન કવિતા સંપ્રદાય બહાર ઝિલાય નહિ એ સમજાય એવું છે, પણ અખૂટ જૈન સાહિત્ય ભંડારમાંથી સાચી કવિતાની વીણણી કરી, એનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું કામ આપણે કર્યું નથી. જેન સાહિત્યનું આ રીતે સંશોધન-સંપાદન થશે ત્યારે, સંભવ છે કે, બીજી હરોળના કેટલાક સારા કવિઓ અને તેમનાં કાવ્યો આપણને મળશે.
જૈન કવિઓનો હેતુ ધર્મપ્રચારનો હોવા છતાં એમણે એ પ્રચારના સાધનની પસંદગી વિશાળ ક્ષેત્રમાંથી કરી છે. એમણે માત્ર જૈન પૌરાણિક કથાઓનો જ આશ્રય લીધો છે એવું નથી, લોકવાર્તાના અખૂટ ખજાનાને એમણે ઉપયોગમાં લીધો છે. વળી, જૈનેતર પૌરાણિક આખ્યાન–વસ્તુનો ઉપયોગ કરવાનું પણ એ ચૂક્યા નથી, જ્યારે જૈનેતર કવિઓએ જૈન કથાવસ્તુને હાથે ય અડાડ્યો નથી. જેના સંપ્રદાય તો નવીન હતો. એણે લોકસમુદાયને આકર્ષવા માટે લોકસમુદાયમાં પ્રચલિત કથાવાર્તાસાહિત્યનો ઉપયોગ કરવો રહ્યો. જૈનેતર કવિઓને આવી જરૂર ન પડે તે સમજાય એવું છે.
અર્વાચીન યુગમાં આપણું કવિઓએ પ્રાચીન કથાવસ્તુનો આશ્રય લઈને એમાંના રહસ્યબીજને સ્વતંત્ર દષ્ટિથી જોઈ વિકસાવ્યું હોય એવું ઘણીવાર બન્યું છે, પણ અહીં પણ એમનું લક્ષ મોટે ભાગે હિંદુ કથાસાહિત્ય તરફ જ ગયું છે. કયારેક એમની દષ્ટિ બૌદ્ધ કથા-સાહિત્ય તરફ ગયેલી પણ જોવા મળે છે. પરંતુ વિશિષ્ટ જેન કથાઓને સારા કવિનો પ્રતિભાસ્પર્શ મળ્યો હોય એવું જાણ્યામાં નથી. કેટલીક જૈન કથાઓની ક્ષમતા આ દૃષ્ટિએ તપાસવા જેવી ગણાય.
આવી ક્ષમતાવાળી એક કથા સ્થૂલિભદ્રની છે. સ્નેહનાં બંધનમાં બંધાઈ જ્યાં બાર વર્ષ ગાળ્યાં હતાં એ કોશ વેશ્યાના આવાસમાં વૃલિભદ્ર, મુનિશે, ચાતુર્માસ ગાળવા આવે છે. સ્થૂલિભદ્રને માટે આ કેવો નાક અને કટોકટીભર્યો કાળ હશે ! પ્રિયતમનું સ્વાગત કરવા થનગની ઊઠેલી કોશાએ કેવાં અણધાર્યા સંવેદનો અનુભવ્યાં હશે ! રાગ–વિરાગના સંઘર્ષે કેવાં કેવાં રહસ્યમય રૂપ ધારણ કર્યો હશે ! આવી બીજી બે કથાઓ–અલબત્ત જૈનેતર-જાણીતી છે. એક રાજા ભર્તૃહરિની, જેમણે હદયરાણી પિંગલાનો, “મયિ સા વિરક્તા” એવું કરુણ ભાન થતાં, ત્યાગ કર્યો અને એક દિવસ એને જ બારણે ભિક્ષક બનીને આવી ઊભા. બીજી ભગવાન બુદ્ધની, જેમણે જગતના દુ:ખની જડીબુટ્ટી શોધવા પ્રિય યશોધરાને સૂતી મૂકી મહાભિનિષ્ક્રમણ આદર્યું અને એક દિવસ જગતના બનીને એની સામે આવી ઊભા. આ કથાઓમાં ત્યાગ કરતાં પુનર્મિલનની ક્ષણ વધારે રોમાંચક, ધાર્મિક અને રહસ્યમય છે; કેમકે ત્યારે નૂતન જીવનદિશા, નૂતન અભિજ્ઞાન અને નૂતન સંબંધનાં દ્વાર ખૂલે છે. આ ક્ષણ ભારે શક્યતાવાળી હોય છે પણ એની શક્યતાને મૌલિક રીતે જેવી–ખીલવવી એ ઘણું જ દુષ્કર કાર્ય છે.
કોશાની જ સામે, કોશાના જ આવાસમાં, વસાહાર કરીને કામવિજ્ય સિદ્ધ કરનાર સ્થલિભદ્ર જૈનોના એક અત્યંત આદરણીય આચાર્ય છે. એમના વિષે પ્રાચીન ગુજરાતીમાં ઘણાં કાવ્યો લખાયાં છે. કદાચ નેમરાજુલવિષયક કાવ્યો પછી સંખ્યાની દૃષ્ટિએ સ્થૂલિભદ્રવિષયક કાવ્યો આવતાં હશે. પણ દેખીતી રીતે જ નેમિનાથના કરતાં યૂલિભદ્રના જીવનની ઘટનાઓ વધારે ભાવક્ષમ છે. સ્થૂલિભદ્ર
૧ શ્રી જયભિખ્ખએ જૈન પૌરાણિક સાહિત્યમાંથી વસ્તુ લઈ નવલકથાઓ લખી છે. શ્રી મડિયાની એકબે
વાર્તાઓમાં જૈન કથા-પ્રસંગોનો ઉપયોગ થયો છે. પણ આ બન્ને લેખકે જૈનધર્મ છે. આ સિવાય પણ થોડું લખાયું હશે કદાચ, પણ વિશિષ્ટ સર્જકતાવાળી કોઈ કૃતિ ખરી ?
Page #3
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્રવિષચક ત્રણ ફાઝુકાવ્યો : ૧૪૯
રાગીમાંથી વિરાગી બને છે; નેમિનાથને રાગયુક્ત જીવન જીવવાનો અવસર આવતો નથી. સ્થૂલિભદ્રને રાગભરી કોશાનો સામનો કરવો પડે છે; આવો સામનો નેમિનાથને કરવો પડતો નથી. રાજુલને નેમિનાથ પ્રત્યે એકનિષ્ઠ—કદાચ ભક્તિભાવની હદે પહોંચતો—સ્નેહ છે પણ એનામા કોશાના જેવી પ્રગલ્ભતા, વિદગ્ધતા, તરવરાટ કે આવેગ નથી. ઉપરાંત, સ્થૂલિભદ્રનૃત્તાંતને એના પિતાનાં જીવનની અદ્ભુત, રસિક અને રોમાંચક પ્રસંગોની ભૂમિકા પણ મળી રહે છે. આમ વૃત્તાન્તના જુદા જુદા અંશને ઉઠાવ આપીને રચનાવૈવિષ્ય દર્શાવી શકાય. એવી સામગ્રી સ્થૂલિભદ્રવૃત્તાંતમાં રહેલી છે. થયું છે પણ એવું જ. મધ્યકાલીન ગુજરાતીનાં સ્થૂલિભદ્રવિષયક કાવ્યોમાં કેટલું બધું સ્વરૂપવૈવિધ્ય દેખાય છે! એમાં કોશાના ઉદ્ગારો રૂપે નાનકડાં ઊર્મિગીતો છે, સ્થૂલિભદ્રની પ્રશસ્તિરૂપ, કે વૈરાગ્યબોધની સજ્ઝાય છે, કોશાના વિપ્રલંભશૃંગારના વર્ણનનાં બારમાસી કાવ્ય અને નવસ કાવ્યો છે, ઈષત્ કથાતંતુનો ઉપયોગ કરતાં કાણુઓ અને શીયળવેલીઓ છે તથા વિસ્તૃત કથાપ્રપંચવાળા રાસ પણ છે. એક જ વસ્તુને અનેક કવિઓ હાથમાં લે ત્યારે દરેક કવિની નજર એ વસ્તુનાં ક્યાં બિંદુઓ પર ઠરે છે અને એને એ કેવી રીતે વિકસાવે છે એનું સમાંતર અવલોકન કરવું રસપ્રદ થઈ પડે. પણ પ્રતિનિધિરૂપ કૃતિઓ પ્રગટ ન થઈ હોય ત્યાંસુધી આવું અવલોકન અધૂરું જ રહે. તેથી આપણે અહીં નામે એક જ કાવ્યપ્રકારની, પણ રચનાનું વિલક્ષણ વૈવિધ્ય દર્શાવતી ત્રણ જ કૃતિઓનું તુલનાત્મક નિરીક્ષણ કરીશું. એ ત્રણ કૃતિઓ છે : (૧) જિનપદ્મસૂરિકૃત સ્થૂલિભદ્ર ફાગુ ( સં૦ ૧૩૯૦-૧૪૦૦), (૨) જયવંતસ્ કૃિત સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ (સં૦ ૧૬૧૪ આસપાસ), (૩) માલદેવકૃત સ્થૂલિભદ્ર ફાગ ( વિક્રમના ૧૭મા શતકનો પૂર્વાર્ધ).૩
૩
ફાગુને આપણે વૃત્તાન્તનો સ્વલ્પ આધાર લઈ પ્રકૃતિની—ખાસ કરીને વસંતઋતુની—ભૂમિકામાં માનવપ્રણયનું આલેખન કરનાર કાવ્યપ્રકાર કહી શકીએ. આ વ્યાખ્યામાં ન આવી શકે એવી ‘ફાગુ ’ નામની સંખ્યાબંધ કૃતિઓ મળતી હોવા છતાં, શિષ્ટ નમૂનારૂપ ફ્રાઝુકાવ્યોનું આંતરસ્વરૂપ આ વ્યાખ્યાની નિકટનું હોય છે એમ જરૂર કહી શકાય. જૈન ફ્રાણુઓ, આ વ્યાખ્યાની અંદર રહીને કે બહાર જઈ ને પણ, કેટલીક આગવી લાક્ષણિકતાઓ ઉપજાવે છે એ નોંધવા જેવી છે. એક તો, જૈન ફ્રાણુઓનો અંતિમ ઉદ્દેશ, એમાં રતિનું આલેખન કેટલીકવાર તો ઘેરા રંગે થતું હોવા છતાં, આપણને વિરતિ તરફ લઈ જવાનો હોય છે. આથી જૈન કાણુઓ શુદ્ધ શૃંગારકાવ્યો ખની શકતાં નથી. કાવ્યનો વિષય કે એમાંની ઘટના જ સંયમધર્મની બોધક હોય છે, જેમ અહીં સ્થૂલિભદ્રનું ચરિત્ર સંયમધર્મનું બોધક છે. છતાં જિનપદ્મસૂરિ જેવા સ્થૂલિભદ્રના કામવિજયની સંક્ષેપમાં પ્રશસ્તિ કરી, કે એને મુખે સંયમધર્મનો મહિમા પ્રગટ કરી અટકી જાય છે; ત્યારે માલદેવ જેવા ‘નારીસંગતિ ટાળો ' એવો સીધો ઉપદેશ આપવા સુધી પણ પહોંચી જાય છે. તો વળી જ્યવંતસૂરિ જેવા આ બાબતમાં અત્યંત નોંધપાત્ર રીતે જુદા તરી આવે છે. એમનું કાવ્ય સ્થૂલિભદ્ર—કોશાના મિલન આગળ અટકી જાય છે એટલે કામવિજય દર્શાવવા સુધી તો એ
જુઓ, ‘“ જૈન ગૂ ર્જર કવિઓ ’’ ભા૦ ૧, ૨, ૩માં પાછળ કૃતિઓની સૂચિમાં. એ માહિતી જોકે અપૂરતી અને
અશુદ્ધ પણ છે.
૩ ત્રણે કાવ્યો ‘ પ્રાચીન ક઼ાણુ સંગ્રહ ’(સંપા॰ ડૉ॰ ભોગીલાલ સાંડેસરા અને સોમાભાઈ પારેખ)માં ક્રમાંક (૧), (૨૬), (૨૮)થી છપાયેલાં છે, અહીં એ સંપાદનનો જ, પાઠાંતરો સાથે, ઉપયોગ કર્યો છે. અનુવાદ કયાંક મુક્ત પણ કર્યો છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૫૦ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ રથ પહોંચ્યા જ નથી. આખું કાવ્ય કોશાના વિરહોદ્દગાર રૂપે હોઈ ત્યાં પણ વૈરાગ્યબોધને અવકાશ નથી. અહીં સુધી તો ઠીક, પણ આશ્ચર્યકારક વાત એ છે કે આ જૈન મુનિ કાવ્યને અંતે ફલશ્રુતિ દર્શાવતાં “આ કાવ્ય ગાતાં પ્રતિદિન સ્વજનમિલનનું સુખ મળશે” એવો આશીર્વાદ પણ આપે છે! “વસંતવિલાસ” જૈનેતર કૃતિ ગણવા માટે એમાંના વિરતિભાવના અભાવને આપણે મહત્વ આપીએ છીએ. પણ કોઈક જૈન કવિ, ક્યારેક તો, વિરતિભાવની વળગણમાંથી મુક્ત થઈ શકે છે એનું આ કેવું જવલંત દષ્ટાંત છે ! આ કવિ આરંભમાં માત્ર સરસ્વતીની જ સ્તુતિ કરે છે (બીજાં બન્ને કાવ્યોમાં સરસ્વતીની સાથે સાથે પાર્શ્વજિનેન્દ્રની પણ સ્તુતિ થયેલી છે) એ પણ જૈન કવિ સાંપ્રદાયિકતામાંથી કેટલી હદે મુક્ત થઈ શકે છે એનું એક સરસ દૃષ્ટાંત છે. સ્થૂલિભદ્ર-કોશા નામની વ્યકિતઓને એમણે વિપ્રલંભશૃંગારના આલેખન માટે આધાર રૂપે લીધી એટલી એમની સાંપ્રદાયિકતા ગણવી હોય તો ગણી શકાય.
વૈરાગ્યભાવ દર્શાવવા માટે ફાગુકાવ્યના નાયક તરીકે કોઈ જૈન મુનિની જ પસંદગી કરવી જૈન કવિઓને વધારે અનુકૂળ પડે છે. આમાંથી જ જૈન ફાગુઓની એક બીજી લાક્ષણિકતા જન્મે છે. જેને મુનિઓ તો રહ્યા વિરક્તભાવવાળા. એમનો વસંતવિહાર કેમ આલેખી શકાય? આથી જૈન ફાગુઓમાં વસંતવર્ણન આવે ત્યારે એ કાવ્યની મુખ્ય ઘટનાની બહાર હોય છે; જેમકે નેમ-રાજુલનાં ફાગુકાવ્યોમાં વસંતવિહાર નેમ-રાજુલનો નહિ પણ કઠણ અને એની પટરાણીઓનો આલેખાય છે ! કેટલીકવાર તો વસંતઋતુને બદલે વર્ષાઋતુની ભૂમિકા સ્વીકારવામાં આવે છે, કેમકે જૈન મુનિઓ ચાતુર્માસ એક જ સ્થળે ગાળતા હોય છે. અહીં જિનપદ્વરિ અને ભાલદેવની કૃતિઓમાં પ્રસંગ વર્ષાઋતુમાં જ મુકાયેલો છે. જયવંતસૂરિએ વસંતઋતુની પીઠિકા લીધી છે, પણ એ એમ કરી શક્યા એનું કારણ એ છે કે એમણે ધૂલિભદ્રના આગમન પહેલાંની કોશાની વિરહાવસ્થાનું જ વર્ણન કરવા ધાર્યું છે,
જેન કાગઓની ત્રીજી લાક્ષણિકતા કાવ્યમાં શંગારના સ્થાન અને સ્વરૂપમાં રહેલી છે. જેને ફાગુકાવ્યોને શૃંગાર બહુધા વિપ્રલંભશૃંગારના સ્વરૂપનો હોય છે. નાયિકા પ્રેમઘેલી હોય પણ નાયક જે સંસ્કારવિરક્ત હોય તો સંયોગશૃંગાર કેમ સંભવે ? પરિણામે એકપક્ષી પ્રેમ અને એમાંથી સ્કુરતો અભિલાષનિમિત્તક વિપ્રલંભશૃંગાર જૈન ફાગુકાવ્યોમાં જોવા મળે છે. ઘણીવાર તો આવા પ્રેમભાવની અભિવ્યકિત દ્વારા શૃંગારરસ સ્કુટ કરવાને બદલે અંગસૌન્દર્યનાં અને વસ્ત્રાભૂષણોનાં વર્ણનોમાં જ જૈન કવિઓએ શૃંગારરસની પર્યાપ્તિ માની લીધી છે. સંયોગશૃંગાર ક્યારેક જૈન ફાગુઓમાં આવે છે, પણ ત્યારે એ પણ વસંતવર્ણનની પેઠે કાવ્યના મુખ્ય પ્રસંગની બહાર હોય છે. નેમરાજુલના ફાગુઓમાં, આગળ કહ્યું તેમ, કૃષ્ણ અને એની પટરાણીઓનાં સંયોગશૃંગારનાં ચિત્રો આવતાં હોય છે, પણ રાજુલનું તો માત્ર સૌન્દર્યવર્ણન જ! યૂલિભદ્ર તો કોશાને ત્યાં બાર વર્ષ રહ્યા હતા છતાં, એ વેળાના સંયોગશૃંગારને કેન્દ્રમાં રાખી ફાગુકાવ્ય લખવાની કોઈ જૈન કવિએ હિંમત કરી નથી! એટલે સ્થલિભદ્ર વિષેનાં ફાગુઓમાં તો નિરપવાદ રીતે વિપ્રલંભશૃંગાર જ આવે છે. પ્રસ્તુત ત્રણે ફાગુઓમાં પણ એવું જ થયું છે. ફેર એટલો છે કે જયવંતસૂરિ કોશાના હૃદયભાવોને જ વ્યક્ત કરે છે, જ્યારે બાકીના બંને કવિઓનાં કાવ્યોમાં ભાવનિરૂપણ કરતાં સૌન્દર્યવર્ણન ઘણું વધારે સ્થાન રોકે છે.
મધ્યકાળમાં કાવ્યનો પ્રકાર ઘણીવાર એના આંતરવરૂપ ઉપરથી નહિ, પણ એકાદ બાહ્ય લક્ષણ ઉપરથી નિશ્ચિત થતો. કાળકાવ્યને નામે બોધાત્મક, માહિતી દર્શક કે સ્તોત્રરૂ૫ રચન આપણને મળે છે, કેમકે એમાં ફાગુની દેશને નામે ઓળખાતી દુહાબંધ પ્રયોજાયેલો હોય છે. આંતરસ્વરૂપની દષ્ટિએ ફાગુ કથનાત્મક કરતાં વિશેષ તો વર્ણનાત્મક અને ભાવનિરૂપણાત્મક હોવું જોઈએ. છતાં
Page #5
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફઝુકાવ્યો : ૧૫૧ કથન, વર્ણન અને ભાવનિરૂપણુનું આ તારતમ્ય બધાં ફણુઓમાં એકસરખું રહેલું જોવા મળતું નથી. નાનકડાં ઊર્મિકાવ્યથી માંડીને વિસ્તૃત લોકવાર્તા કે રાસાના વસ્તુને વ્યાપતી રચનાઓ સુધીનું વૈવિધ્ય ફાગુકાવ્યો ધરાવે છે. આપણા અવલોકનવિષય ત્રણ ફાગુઓ આ પ્રકારના વૈવિષ્યના લાક્ષણિક નમૂનારૂપ છે. ટૂંકમાં કહેવું હોય તો એમ કહેવાય કે માલદેવનું કાવ્ય મુખ્યત્વે કથનાત્મક છે, જિનપદ્મસૂરિનું મુખ્યત્વે વર્ણનાત્મક છે અને જયવંતસુરિનું મુખ્યત્વે ભાવનિરૂપણાત્મક છે. આ ત્રણે કાવ્યોની વસ્તુપસંદગીને અને એથી કાવ્યની સંઘટના પર પડેલી અસરને આપણે જરા વિગતે જોઈ એ.
સ્થૂલિભદ્રના જીવનની મુખ્ય ઘટનાની આસપાસનો કથાસંદર્ભ ઘણો વિસ્તૃત છે એ વાત આગળ થઈ ગઈ છે. સ્થૂલિભદ્રના પિતા મહામાત્ય શકટાલ અને પંડિત વરુચિ વચ્ચે ખટપટ થાય છે; એને પરિણામે કુટુંબને બચાવવા શકટાલ જાતે પોતાના પુત્ર શ્રીયકને હાથે હત્યા વહોરી લે છે; કોશાને ત્યાં ખાર વર્ષથી રહેતા સ્થૂલિભદ્ર પિતાને સ્થાને મંત્રીપદ સ્વીકારવાને બદલે આ બનાવોને કારણે સંસારથી વિરક્ત થઈ દીક્ષા લે છે; એક ચાતુર્માંસ કોશાને ત્યાં ગાળી, સંયમધર્મ પાળી, કોશાને ઉપદેશી પાછા વળે છે; સિંહગૃહામુનિ સ્થૂલિભદ્ર પ્રત્યેની ઇર્ષ્યાથી કોશાને ત્યાં ચાતુર્માંસ ગાળવા જાય છે અને કોશાને લીધે જ સંયમધર્મથી પડતા બચી જાય છે; કોશાને રાજા એક રથિકને સોંપે છે અને કોશા એને સ્થૂલિભદ્રના અપ્રતિમ કામવિજયનું ભાન કરાવે છે; દુષ્કાળ પડતાં સંધની આજ્ઞાથી સ્થૂલિભદ્ર ભદ્રબાહુ પાસેથી વાચનાઓ મેળવે છે અને બહેનોને સિંહરૂપ દેખાડવાનો દોષયુક્ત આચાર એ કરી બેસે છે—કેટલો બધો અવાંતર કથારસ સ્થૂલિભદ્રના સમગ્ર વૃત્તાન્તમાં રહેલો છે ! પરંતુ આ તો રાસને યોગ્ય વસ્તુ છે, એને ક્રાણુના મર્યાદિત પાત્રમાં કેવી રીતે સમાવી શકાય ? છતાં માલદેવે પોતાના ફાગુમાં આ પ્રયત્ન કર્યો છે. આવો પ્રયત્ન નિષ્ફળતાને વરે તો એમાં કંઈ નવાઈ નથી. માલદેવે ૧૦૭ કડી સુધી કાવ્ય વિસ્તાર્યું હોવા છતાં એમાં ક્યાંય કથારસ જામતો નથી, પ્રસંગોનો કેવળ ઉલ્લેખ કરીને એમને ચાલવું પડે છે, અધૂરી વિગતોને કારણે પ્રસંગો ઊભડક અને અસ્પષ્ટ લાગે છે અને સ્થૂલિભદ્રની કથાથી જે પરિચિત હોય તેઓ જ આમાંથી કથાનો બધો તંતુ પકડી શકે એવું બન્યું છે. એક દૃષ્ટાંતથી કવિની પ્રસંગનિરૂપણની શૈલીનો ખ્યાલ આવી જશે. રાજાના અવિશ્વાસથી કુટુંબનો વિનાશ થશે એવી આશંકાથી શકટાલ પોતાના પુત્ર શ્રીયકને (શ્રીયક રાજાનો અંગરક્ષક હતો) રાજાની સામે જ પોતાની હત્યા કરી, રાજાની પ્રીતિ મેળવવા અને કુટુંબને બચાવી લેવા સમજાવે છે. શ્રીયકને પિતૃહત્યાનું પાતક ન લાગે માટે શકટાલ ઝેર લઈને રાજદરબારમાં જાય છે. ત્યાં શ્રીયક એની હત્યા કરે છે, માલદેવ આ પ્રસંગને શકટાલની ‘ યુક્તિ 'નો મોધમ ઉલ્લેખ કરી શ્રીયકના કાર્ય વિષે ગેરસમજ થાય એવી રીતે સંક્ષેપથી પતાવી દે છે :
પોતાના કુલને બચાવવા મંત્રીએ એક યુક્તિ કરી,
એ રાજસભામાં આવ્યા ત્યારે શ્રીયકે એમની હત્યા કરી.૪
પ્રસંગોને કાવ્યમાં લેવા, અને એમને યોગ્ય ન્યાય આપવો નહિ એનું પરિણામ શું આવે ? કાવ્ય નિરર્થકતામાં અને નિઃસારતામાં અટવાઈ જાય.
છતાં માલદેવનું કાવ્ય સાવ નિઃસાર છે એવું નથી. કોશાને ધરે સ્થૂલિભદ્રનું આગમન થાય છે એ ભાગમાં આ કૃતિ કાવ્યસૌન્દર્ય ધારણ કરતી દેખાય છે. વર્ષાનું અને કોશાના સૌન્દર્યનું વર્ણન કવિ જરા નિરાંતથી કરે છે અને કોશાના ઉત્કટ અનુરાગને વ્યક્ત કરવાની થોડી તક પણ લે છે. પણ આથી તો કાવ્યના બાકીના કથનાત્મક ભાગોથી આ ભાગ જુદો પડી જાય છે અને કાવ્યનું સંયોજન વિસંવાદી બની
૪ કુલ રાખણકું આપણું, મંત્રી મંત્ર ઉપાયો રે,
શરીઇ મંત્રી મારી, રાજસભા જવ આયો રે. ૧૮
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૫ર શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રન્થ જાય છે. સ્થૂલિભદ્રના કામવિજયનો મહિમા પણ કવિ પાંચસાત કડીમાં વિસ્તારીને ગાય છે. આમ, કાવ્ય એકસરખી કે સપ્રમાણ ગતિએ ચાલતું નથી અને કાવ્યના રસાત્મક ભાગને છાઈ દેનાર નીરસ કથનનું પ્રાચુર્ય કાવ્યના પતને ઢીલું બનાવી દે છે.
પણ આ પરથી એક વાત સમજાય છે, અને તે એ કે, આવડી મોટી કથાને આખી ને આખી ફારુકાવ્યમાં ઉતારવાનો કોઈપણ પ્રયત્ન બેદદો બની જાય. એને બદલે સ્થૂલિભદ્ર-કોશાના મિલનપ્રસંગ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈતું હતું. જિનપદ્રસૂરિએ આ સાદી સમજ બતાવી છે. કોશાને ત્ય સ્થૂલિભદ્ર આવે છે ત્યાંથી જ એમણે કાવ્યનો આરંભ કર્યો છે અને ધૂલિભદ્ર ચાતુર્માસ ગાળી, સંયમધર્મમાં અડગ રહી, પાછા ફરે છે ત્યાં કાવ્યને પૂરું કર્યું છે. પૂર્વવૃત્તાન્તને ગમે તેમ વાચકને માથે મારવાની નહિ પણ એનો કલાપૂર્ણ ઉપયોગ કરી લેવાની આવડત પણ કવિ પાસે છે. કોશા-સ્થૂલિભદ્રના બાર વર્ષના સ્નેહની વાત કવિ છેક સ્થણિભદ્ર સાથેના સંવાદમાં કોશાને મુખે મૂકે છે ! કથાતત્વનો આવો સંકોચ કરી નાખ્યા પછી વર્ણન અને ભાવનિરૂપણ માટે આ ૨૭ કડીના કાવ્યમાં પણ કવિને પૂરતી મોકળાશ રહી છે. આખું કાવ્ય સરસતાની એક જ કક્ષાએ–ભલે મધ્યમ કક્ષાએ–ચાલે છે. કાવ્યનાં બધાં જ અંગો-- પ્રારંભિક ભૂમિકા, વર્ષાવર્ણન, કોશાના સૌંદર્યનું અને અંગપ્રસાધનનું વર્ણન, સ્થૂલિભદ્ર સાથેનો એનો વાર્તાલાપ, સ્થૂલિભદ્રની અડગતા અને એનો મહિમા–સપ્રમાણ છે. રસ પાંખો પડી જાય એવો વિસ્તાર નહિ કે રસ પેદા જ ન થાય એવો સંક્ષેપ પણ નહિ. કોશાનું સૌન્દર્યવર્ણન જરા લંબાયેલું લાગે પણ એથી કાવ્ય પાંખું પડતું નથી. કોશા-સ્થૂલિભદ્રનો સંવાદ ટૂંકો લાગે, પણ જેવો છે તેવોયે એ વ્યક્તિત્વદ્યોતક છે. એકંદરે કવિની વિવેકદૃષ્ટિનો આ કાવ્ય એક સુંદર નમૂનો બની રહે છે. ધીમી, પણ દઢ ગતિએ આખું કાવ્ય ચાલે છે અને આપણા ચિત્ત પર એક સુશ્લિષ્ટ છાપ મૂકી જાય છે. મધ્યકાળમાં માત્ર ફાગુઓમાં જ નહિ પણ સર્વ કાવ્યપ્રકારોમાં કાવ્યનાં અંગોની પરસ્પર સમુચિત સંધટના પ્રત્યે જવલ્લે જ ધ્યાન અપાયું છે, ત્યારે આપણા પહેલા ફાગુકાવ્યના કવિએ બતાવેલી આ સહજ સૂઝ આદરપાત્ર બની રહે છે.
જિનપદ્મસુરિએ વૃત્તાન્તને સંકોચ્યું, તો જયવંતસૂરિએ વૃત્તાન્તનો લોપ જ કર્યો એમ કહી શકાય. વિરહિણી કોશાને સ્થૂલિભદ્ર મળ્યા એટલું જ વૃત્તાન્ત આ કાવ્યમાં—અને તે પણ છેવટના ભાગમાં–આવે છે. કોશાની વિરહાવસ્થાના એક જ બિંદુ ઉપર કવિની કલ્પના કરી છે. મોટા વિસ્તારને બદલે એક જ બિંદુ ઉપર પ્રવર્તવાનું આવ્યું હોવાથી એ એના ઊંડાણનો તાગ પણ લઈ શકી છે. પરિણામે આ કાવ્યની આકૃતિ આગળનાં અને કાવ્યો કરતાં બદલાઈ ગઈ છે. કાંઠે વનરાજિનો વૈભવ અને માંહે રૂપાળા રાજહસો અને મનોહર કમળો––એવા સુંદર સરોવરના જેવી રચના આગળનાં બન્ને કાવ્યોની હતી. આ કાવ્યની રચના પાતાળકૂવા જેવી છે– એકલક્ષી છે. પણ એનો અર્થ એમાં એકવિધતા છે એવો નથી. પાતાળકુવામાં અનેક સરવાણીઓ ફૂટતી હોય છે. કવિ કોશાના હૃદયની અનેક ભાવ-સરવાણીઓનું આપણને દર્શન કરાવે છે. બધી સરવાણુઓ જેમ પાતાળકૂવાના પાણભંડારને પોષે છે તેમ આ બધા સંચારિભાવ પણ કોશાના સ્થાયી વિરહભાવને સમૃદ્ધ કરે છે.
આખું કાવ્ય કોશાના ઉદ્ગારરૂપે લખાયેલું છે તેથી એમાં કશુંયે “બહારનું” પણ રહેતું નથી. ઋતુચિત્રો આવે છે, પણ કોશાના વિપ્રલંભશૃંગારની સાથે વણાઈ ગયેલાં છે. કોશાના દેહસૌન્દર્યનાં કે શૃિંગારપ્રસાધનનાં “બાહ્ય” વણનોને તો અહીં અવકાશ જ ક્યાં રહ્યો ? કાવ્ય કેવળ આત્મસંવેદનાત્મક હોઈ, કથન, વર્ણન અને ભાવનિરૂપણનું સંતુલન જાળવવાની ચિંતા પણ કવિને રહી નથી. પણ એથી આ કવિને કંઈ રચનાશક્તિ બતાવવાની નથી એવું નથી. ભાવને ઘૂંટી ઘૂંટીને કવિ ઉગ્ર બનાવે છે અને બધા ભાવોને વિરહશૃંગારને સમુપકારક રીતે સંયોજી સરસ પરિપાક તૈયાર કરે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્રવિષચક ત્રણ કાચુકાવ્યો : ૧૫૩
કવિત્વ કવિના સંપ્રજ્ઞાત પ્રયોજનથી સ્વતંત્ર વસ્તુ છે. કવિતાસર્જન સિવાયનો હેતુ હોય ત્યાં કવિતા ન જ સર્જાય, કે કવિતાસર્જનનો હેતુ હોય તેથી કવિતા સર્જાય જ એવું કંઈ નથી. ખરી વસ્તુ તો અંદર પડેલી સર્જકતા છે. મધ્યકાળમાં કયો કવિ કાવ્ય સર્જવાના પ્રયોજનથી પ્રવૃત્ત થયો હતો ? છતાં એ અંદર પડેલી સર્જકતાએ જ એમની રચનાઓમાં કવિતા આણી છે. આ ત્રણે જૈન મુનિઓએ સ્થૂલિભદ્રના વૃત્તાંતને ધાર્મિક હેતુથી જ હાથમાં લીધું હશે એમાં બહુ શંકા કરવા જેવું નથી, છતાં એથી એમની કૃતિઓમાં કવિતાની શોધ કરવી વૃથા છે એવા ભ્રમમાં પડવાની પણ જરૂર નથી.
વૃત્તાંતની પસંદગી અને એના સંયોજનમાં આ કવિઓ જે કંઈ સર્જકતા બતાવે છે એ આપણે જોયું, એટલે હવે કાવ્યમાં અભિવ્યક્તિની કલા એ કેવીક બતાવે છે તે જોઈ એ.
મધ્યકાળના કવિઓ વસ્તુપસંદગીમાં, પ્રસંગવર્ણનમાં, અલંકારોમાં અને ભાવનિરૂપણની લઢણમાં પરંપરાનો ઘણો લાભ ઉઠાવે છે—એટલો બધો કે કેટલીકવાર એમની મૌલિકતા વિવાદાસ્પદ ખની જાય છે. પણ પરંપરાનો ઉપયોગ કરવામાંયે વિવેકની અને રસદૃષ્ટિની જરૂર પડે છે . અને પરંપરાનો ઉપયોગ કરવા છતાંયે સાચા કવિની કલ્પનાશક્તિ અછતી રહેતી નથી. આ કવિઓને પણ પરંપરાનો લાભ મળ્યો હોય એ પૂરતું સંભવિત છે. માલદેવનાં અને જિનપદ્મસૂરિનાં વર્ણનોમાં સંસ્કૃત કાવ્યની આલંકારિક છટા દેખાય છે . અને જયવંતસૂરિના કાવ્યમાં ક્યાંક ‘ વસંતવિલાસ 'ના તો કયાંક મીરાંની કવિતાના ભણકારા સંભળાય છે. છતાં આ ત્રણે કવિઓ પરંપરાને સ્વકીય બનાવીને પ્રગટ કરે છે; કેટલાક મૌલિક ઉન્મેષો પણ બતાવે છે. રસદષ્ટિએ એમની કૃતિઓને તપાસવાનો શ્રમ એળે જાય તેમ નથી.
માલદેવની પાસે કથનકલા નથી, પણ કવિત્વ છે. વર્ષાઋતુનું ટૂંકું પણ સુરેખ અને સ્વચ્છ વર્ણન, કોશાના સૌન્દર્યવર્ણનમાં ઝબકતી કેટલીક રમણીય તાજગીભરી કલ્પનાઓ અને કોશાની પ્રીતિઝંખનાની કાવ્યમય અભિવ્યક્તિ આની સાક્ષી પૂરે છે. કોશાના સૌન્દર્યવર્ણનમાં રૂઢ ઉપમા-ઉત્પ્રેક્ષાઓ ઠીકઢીક છે; છતાં કલ્પનાનું અને ઉકિતનું જે વૈવિધ્ય કવિ લાવી શક્યા છે તે નોંધપાત્ર છે. કવિની ચિત્રશક્તિ અને વાગ્વિદગ્ધતાની પ્રતીતિ કેટલીક પંક્તિઓ કરાવે છે જ ઃ
એના શ્યામ કેશ શોભી રહ્યા છે અને માંહી અપાર ફૂલો એણે ગૂંથ્યાં છે : જાણે કે શ્યામ રજનીમાં નાના તેજસ્વી તારકો ચમકી ન રહ્યા હોય ! ૫
૫
૭
એનો ચોટલો તો જાણે એના યૌવનધનની રખેવાળી કરતી કાળી નાગણુ !F
આંખમાં એણે કાજળ સાર્યું અને ઉજ્જવળતાને અંધારઘેરી કરી નાખી : જે પારકાના ચિત્તને દુ:ખ આપે તેનું મોઢું કાળું જ કરવું જોઈ એ. છ
પોતાનું હૃદય પ્રેમથી છલકી રહ્યું છે પણ સ્થૂલિભદ્ર તો પર્વત જેવા અચલ છે આવા એકપક્ષી
શ્યામ કેશ અતિ સોહતા, ગ્રંથે ફુલ અપારા રે,
શ્યામ રયણમા‚ ચમકતા, ચોતિ સહિત તનુ તાર રે. ૩૬.
શ્યામ ભુયંગી ચૂં વેણી, યૌવનધન રખવાલી રે. ૪૦
નયનમાંતેં જલ સારી, યાને અંધેરુ જયાલો રે,
ચિત્ત પરાંઈ જો દુખ દેવઈ, તન્હ સુખ કીજિ કાલો રે, ૪૮
Page #8
--------------------------------------------------------------------------
________________
૧૫૪: શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ સ્વસ્થ પ્રેમની વ્યર્થતાનું દુઃખ કેવું અસાધારણ હોય ! કોશાના ઉદ્ગારોમાં દષ્ટાંતપરંપરા યોજીને કવિએ એના અનુરાગને અને એ અનુરાગની વ્યર્થતાના દુઃખને કેવી સચોટ અભિવ્યક્તિ આપી છે !–
એકાંગી સ્નેહથી કંઈ રંગ જામે નહિ, દીવાના ચિત્તમાં સ્નેહ નહિ અને પતંગ બળી બળીને મરે.’ મૂર્ખ મધુકરે એકપક્ષી સ્નેહ કર્યો, કેતકીના મનમાં નેહ નહિ ને ભ્રમર રસલીન થઈને મર્યો. ચાતક અને ઘનનીરના જેવી એકાંગી પ્રીતિ કોઈ ન કરશો. સારંગ મુખથી પિયુ પિયુ બોલ્યા કરે છે
પણ મેધ કંઈ એની પીડા જાણતો નથી.” કોશાની અવસ્થામાં ઘણી ભાવક્ષમતા છે. પણ કથા કરવાની અને સંયમધર્મનો મહિમા ગાવાની ઉતાવળમાં કવિએ આથી વધારે લક્ષ એના તરફ આપ્યું નહિ. કોશા રાજવારાંગના હતી. એનામાં વારાંગનાને સહજ એવું વાણીનું અને વ્યવહારનું ચાતુર્ય હોય. આ કવિ જ, સિંહગુહામુનિ કોશાના સૌન્દર્યથી લુબ્ધ બને છે એ વખતે, કોશાના વ્યક્તિત્વના એ અંશને ઉઠાવ આપે છે. કામાસક્ત મુનિની એ કેવી મશ્કરી ઉડાવે છે-“ધર્મલાભથી અહીં કંઈ કામ થતું નથી; અહીં તો અર્થલાભ જોઈએ.’ પોતાની પ્રીતિને છેહ દેનાર સ્થલિભદ્ર પ્રત્યે આ કોશાએ કંઈ વ્યંગબાણ ફેંક્યાં નહિ હોય ? એને ફોસલાવવાપટાવવાનો પ્રયત્ન નહિ કર્યો હોય પરંતુ આ કવિ તો કોશાના હદયના એક જ ભાવને વ્યક્ત કરીને અટકી ગયા છે.
માનવસહજ સંવેદનો કે કોઈ આંતરસંઘર્ષ વંદનીય જૈન સાધુમાં જૈન મુનિ-કવિઓ ન આલેખે એ સમજી શકાય એવી વાત છે. પણ ક્યૂલિભદ્ર તે કેવું સાહસ કરવા નીકળ્યા હતા ! એમની સાહસવૃત્તિને, એમની ખુમારીને, એમની નિશ્ચલતાને મૂર્ત રૂપ આપી શકાય. કોશા પ્રત્યે એમનું હદય સહેજ ભીનું હોય અને એમનામાં સાધુસહજ યા અને કોમળતા પણ હોય. સ્થૂલિભદ્રનું ચરિત્રાલેખન આ રીતે જીવંત બનાવી શકાય. પણ આ કવિની કલ્પના ત્યાંસુધી ગતિ કરી શકતી નથી. કોશાની મોહિનીમાં અડોલ અજેય રહેનાર સ્થલિભદ્રની મૂર્તિ જ એમના ચિત્તમાં વસી છે, અને કોઈપણ પ્રકારના નાટ્યાત્મક રૂપને અભાવે (કવિએ સ્થૂલિભદ્રને જીભ પણ નથી આપી !) સ્થૂલિભદ્ર સાચે જ અહીં એક મૂર્તિ જેવા – પૃતળા જેવા લાગે છે.
અવાંતર પ્રયોજનો કાવ્યને પ્રગટ થવામાં કેવાં વિઘરૂપ થતાં હોય છે એનું આ કાવ્ય એક ઉદાહરણ છે.
યથાર્થતા, ઔચિત્ય અને પ્રમાણભાન કે સંયમ એ કવિ જિનપદ્યસૂરિના મુખ્ય ગુણો છે. પદાર્થને ચિત્રરૂપે અને પ્રસંગને નાટ્યાત્મક રૂપે કલ્પવાની એમનામાં દષ્ટિ છે અને શબ્દની સૂક્ષ્મ શક્તિ તરફ
૮ એક અંગકઈ નેહરઈ, કછ ન હોવઈ રંગો રે,
દીવા કે ચિત્તિમાંહે નહીં, જલ જલિ અરિ પતંગો રે, એક અંગકુ નેહરુ, મુરખિ મધુકર કનુ રે,
કેતકી કે મનહીં નહીં, ભમર મરિ રસ-લીણ રે. ૧૦. નેહ એકંગ ન કીજીઈ, જિઉ ચાતક ધન-નીર રે,
સારંગ પીઉ પીઉ મુખ બોલિ, મેહ ન જનનઈ પીર રે. ૬૦,
Page #9
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્રવિષયક ગણું ફાગુમાવ્યા : ૧૫૫ એમનું લક્ષ છે. સાદા અકૃત્રિમ રવાનુકરણથી પણ આપણાં આંખકાનને વર્ષોનું વાતાવરણ કવિ કેવું પ્રત્યક્ષ કરાવી દે છે !–
ઝરમર ઝરમર ઝરમર મેઘ વરસે છે, ખળખળ ખળખળ ખળખળ પ્રવાહો વહે છે, ઝબઝબ ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે,
થરથર થરથર થરથર વિરહિણીનું મન કંપે છે. ૧૧ રવાનુકારી શબ્દપ્રયોગ અ૮૫ માત્રામાં હોય તો જ મધુર લાગે, કવિએ એ મર્યાદા જાળવી છે. ઉપરાંત, કવિના પ્રકૃતિચિત્રની એક બીજી લાક્ષણિકતા અહીં ધ્યાન ખેંચે છે. ત્રણ પંક્તિમાં વર્ષાનું વાતાવરણ આલેખી ચોથી પંક્તિમાં કવિ એ વાતાવરણમાં વિરહિણીના ચિત્તની જે અવસ્થા થાય છે એને આલેખે છે. એટલે કે પ્રકૃતિચિત્રની અહીં કશી સ્વતંત્ર સાર્થકતા નથી; માનવભાવને અર્થે જ કવિ પ્રકૃતિચિત્રને યોજે છે. આખુંયે વર્ષોવર્ણન વિપ્રલંભશૃંગારની સરસ પીઠિકા બની રહે છે :
જેમ જેમ મેઘ મધુર ગંભીર સ્વરે ગાજે છે તેમ તેમ કામદેવ જાણે કે પોતાનું કુસુમબાણ સજજ કરી રહ્યા હોય તેમ લાગે છે; જેમ જેમ કેતકી મઘમઘતો પરિમલ પ્રસરાવે છે તેમ તેમ કામી પુરુષ પોતાની પ્રિયતમાને પગે પડીને મનાવે છે. જેમ જેમ શીતલ કોમલ સુરભિયુકત વાયુ વાય છે તેમ તેમ ગવમંડિતા માનિની નાચી ઊઠે છે; જેમ જેમ જલભર્યા વાદળ આકાશમાં એકઠાં મળે છે તેમતેમ
કામીજનનાં નયનમાં નીર ઝળહળી ઊઠે છે૧૩ કેવું સંક્ષિપ્ત છતાં સર્વગ્રાહી નિરાભરણ અને સહજસુંદર આ પ્રકૃતિચિત્ર છે અને કવિએ માનવહૃદય સાથે એનો કેવો કાવ્યમય સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો છે!
કોશાના અંગસૌંદર્યના અને વસ્ત્રાભૂષણના વર્ણનમાં કવિએ આવી જ યથાર્થ શૈલીમાં આરંભ કર્યો છે. કોશાના હૃદયહારના લડસડાટનો, પાયલના રણકારનો, કંડલના ઝગમગાટનો અને આભૂષણોન ઝળહળાટન કવિ એક કડીમાં રવાનુકારી શબ્દપ્રયોગથી આપણાં આંખ-કાનને અનુભવ કરાવી દે છે,
૧૨
૧૧ બ્રિઉિમર ઝરમર ઝરમર એ મેહ વરસંત,
ખહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ, ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઈ થરહર રિહર રિહર એ વિરહિણભણ કંપઈ. ૬. મહુરગંભીરસરણ મેહ મિજિમ ગાજેતે, પંચબાણનિય કુસુમબાણ તિગતિમ સાજંતે, જિમજિમકેતકી મહમહંત પરિમલ વિહસાવઈ,
તિમતિમ કામિ ય ચરણ લગિ નિયરમણિ મનાવઈ. ૭. ૧૩ સીલકોમલસુરહિ વાય જિમ જિમ વાયંત,
માણમડમ્ફર માણસ ચ તિમ તિમ નાચંતે, જિમ જિમ જલભરભરિય મેહ ગયસંગણિ મિલિયા તિમ તિમ કામી તણાં નયણ નીરહિ ઝલહલિચા. ૮,
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૫૬ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહોત્સવ ગ્રન્થ
પણ પછી તેઓ હળવેથી અલંકારમંડિત વાણીમાં સરી જાય છે. કવિએ યોજેલા અલંકારોમાં અનુરૂપતા છે પણ અવનવીનતા નથી. કેટલાક અલંકારો સામાન્ય પણ લાગે. છતાં કવિનું સતત ધ્યાન કોશાને મદનરસની મૂર્તિ તરીકે નિરૂપવા તરફ રહ્યું છે એ એક નોંધપાત્ર હકીકત છે. કોશાના વર્ણનમાં અવારનવાર ફરકી જતી ઉપમા-ઉત્પ્રેક્ષાઓ જુઓ : એનો વેણીદંડ તે જાણે મદનખડ્ગ, એના પયોધર તે જાણે કુસુમબાણે મૂકેલા અમૃતકુંભ, એના કર્ણયુગલ તે જાણે મદનના હિંડોળા, એના ઊરુ તે જાણે મદનરાજના વિજયસ્તંભ, એના નખપલ્લવ તે જાણે કામદેવના અંકુશ ! આ અલંકારોનો એક ઠેકાણે ખડકલો નહિ કરતાં આખા વર્ણનમાં વેરી દઈ ને કવિએ એકવિધતાનો કે કૃત્રિમતાનો ભાસ થવા દીધો નથી.
*
સ્થૂલિભદ્ર–કોશાના મિલનનો પ્રસંગ નાટ્યોચિત છે. આ કવિની નજરે એ નાટ્યોચિતતાને કંઈક પારખી છે. કોશા-સ્થૂલિભદ્રના ટૂંકા પણ અત્યંત માર્મિક સંવાદ દ્વારા એમણે રાગ-વિરાગની આછી અથડામણુ રજૂ કરી છે. એક ખાજુ પ્રેમધેલી વિદગ્ધ નારી છે, બીજી બાજુ છે સંયમધર્મી, પણ કોશાની સાથે વિવાદમાં ઊતરવા તત્પર મુનિવર. આ નાટ્યાત્મક રજૂઆતને કારણે કોશાનું ચરિત્ર આપણી કલ્પનામાં મૂર્ત આકાર લે એવું બની જાય છે, તો સ્થલિભદ્રમાં પણ કંઇક સન્નતા લાગે છે. પહેલાં કોશા પોતાની કામાર્તિને પ્રગટ કરે છે : હે નાથ ! સૂર્ય સમાન તમારો દેહ મારા દેહને સતાવે છે' અને પૂર્વસ્નેહની યાદ આપી સ્થૂલિભદ્રને ઉપાલંભ આપે છે : ‘ બાર વર્ષનો સ્નેહ તમે શા કારણે છોડી દીધો ? આવું નિષ્ઠુરપણું મારી સાથે કેમ આચર્યું ? ’ સ્થૂલિભદ્ર જ્યારે કહે છે કે, લોઢે ઘડયું મારું હૈયું તારાં વચનોથી ભીંજાશે નહિ (લોઢે ઘડેલું પણ હૈયું તો છે !), ત્યારે કોશા પોતાની દુઃખિત દશા આગળ કરીને દીનભાવે અનુરાગની યાચના કરે છે. પણ સ્થૂલિભદ્ર તો નિશ્ચલ રહે છે. એમનું ચિત્ત તો, એ પોતે કહે છે તેમ સંયમશ્રી સાથે ભોગ રમવામાં લાગેલું છે. આ છેલ્લી વાત સાંભળી કોશા પ્રત્યુત્પન્ન મતિથી એક તીક્ષ્ણ ભંગ કરે છે : ‘અહો, લોકો નવી નવી વસ્તુમાં રાચે છે એમ કહેવાય છે તે સાચું ર્યું. જુઓને, તમારા જેવા મુનિવર પણ મને મૂકીને સંયમશ્રીમાં આસક્ત થઈ ગયા !' મુનિવરના જ રૂપકને કોશાએ મુનિવર પ્રત્યે જ કેવી ચતુરાઈથી ફેંકયું ! પછી પણ કોશા જે પ્રલોભન આપે છે એમાં પણ એની ચતુરાઈ દેખાઈ આવે છે. એ કહે છે : ‘ પહેલાં યૌવનના ફળ રૂપ ઉપભોગનો આનંદ ભોગવી લો; પછી સુખેથી સંયમશ્રી સાથેનું સુખ માણજો. એનો અવસર તો યૌવન ગયા પછી પણ રહેશે ને !’ કોશાનું વ્યકિતત્વ કેવું પ્રાણવાન છે !
કવિ વાણીની સૂક્ષ્મ શક્તિના જ્ઞાતા છે એમ આપણે આરંભમાં કહ્યું હતું. નિરાભરણ કે આર્લકરિક વર્ણનોમાં, નાદવ્યંજનામાં કે ભાવવ્યંજનામાં કવિની વાણી કેવી સરળતાથી અને સમર્થતાથી પ્રવર્તે છે તે હવે પ્રતીત થયું હશે. અંતમાં સ્થલિભદ્રના કામવિજયને યુદ્ધના રૂપકથી કવિ આલેખે છે ત્યાં એમની વાણીનું ઓજસ્ પણ પ્રગટ થાય છે.
કવિનું ધાર્મિક પ્રયોજન અહીં સ્પષ્ટ અને પ્રગટ છે જ. છતાં એની સાથે કાવ્ય કેવું નિર્વિઘ્ને પ્રગટ થઈ શકે છે એ આ કૃતિ આપણને બતાવે છે.
જયવંતસરનું એકમાત્ર લક્ષ્ય કોશાનો હક્યભાવ છે. જયવંતસૂરિની કોશા પ્રિયતમને માટે સૂતી એક સામાન્ય વિરહિણી સ્ત્રી છે. એની વિશિષ્ટ વ્યક્તિતાનો કવિએ લોપ કરી નાખ્યો છે. પણ એ વિરહિણી સ્ત્રીના ઉત્કટ પ્રેમાનુબંધને કવિએ વિશિષ્ટ વ્યક્તિતા અર્પી છે ખરી—એ ઉત્કટ પ્રેમાનુબંધરૂપી હીરદોરમાં ઔત્સુકય, ઉન્મત્તતા, આશાભંગ, આત્મનિર્વેદ, રોષ, વ્યાકુળતા આદિ ભાવોનાં મોતી ગૂંથીને. આ સર્વે ભાવોને વળી ભિન્ન ભિન્ન સંદર્ભો, નિમિત્તો, વિભાવો, પ્રતીકો અને ઉકિતલઢણોથી વ્યક્ત કરી એમણે પોતાના કવિકર્મનો પણ પરિચય આપ્યો છે. એ પરિચય જ અહીં કરવા જેવો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
સ્થૂલિભદ્રવિષયક ગણ ફાગુકાવ્યો ઃ ૧૫૭ વસંત આવે છે અને વિરહિણી સ્ત્રીનું સુય જાગી ઊઠે છે. આ ઉત્સુક્તાને કવિ કેવી વાણીગીથી વ્યક્ત કરે છે અને એને કેવા કેવા અનુરૂપ પ્રકૃતિસંદર્ભમાં મૂકી આપે છે તે જુઓ :
વનમાં વસંતઋતુ ગહગહતી આવી, કુસુમાવલિ પરિમલથી મહેકી ઊઠી, મનહર મલયપવન વહેવા લાગ્યો અને પ્રિયને જાણે ઊડીને
મળું એમ થવા લાગ્યું. ઊડીને પ્રિયને મળવાની આકાંક્ષાને માટે પ્રસરતા પરિમલ અને વહેતા મલયપવનનો સંદર્ભ કેવો કાવ્યમય અને પ્રતીકાત્મક બની રહે છે !
સુષ્યનો ભાવ કવિ બેત્રણવાર હાથમાં લે છે પણ એને ઘૂંટીને ઘેરો બનાવતા જાય છે. એક વખત એ વિરહિણીને લોકલજજાનો ત્યાગ કરીને પ્રિયની પાછળ પાછળ ભમવાનું મન થાય છે, તો બીજી વખતે એની કલ્પના ઉન્મત્ત બનીને પેલા પોપટને પુકારી રહે છે :
પોપટ, રસ્તે જતાં હું તને લાખલાખ કેસૂડાં આપીશ, જે એકવાર તું મને તારી પાંખ પ્રસારીને
મારા સજનની પાસે પહોંચાડી દે! ધૃષ્ટતા અને ઘેલછાના ભાવો ઔસુયની સાથે કેવા ગૂંથાતા આવે છે! આ તો નવયૌવના છે. એ જાણે છે કે :
વેલ ઉપર કુંપળ ફરીને આવે છે, ફરીફરીને ચંદ્ર પણ ઊગે છે, પણ પ્રેમલતાના કન્દ સમાન યૌવન ફરીને
આવતું નથી.૧૬ યૌવનકાળે એને વિરહ કેટલો વસમો લાગતો હશે! કવિ પ્રકૃતિની યોગાવસ્થાના વિરોધમાં એના આ વિરહને મૂકીને એની વિષમ વેદના પ્રગટ કરે છે ?
તરુવર અને વેલીને આલિંગન દેતાં જોઈને ચિત્ત ક્ષભિત થઈ જાય છે. ભરયૌવને પ્રિયતમ વેગળો છે
અને એને ક્ષણ પણ વીસરી શકાતો નથી. ૧૭ બીજી વખતે જાગ્રત અવસ્થાના આ વિયોગને કવિ સ્વપ્નાવસ્થાના સંયોગને પડ છે મૂકે છે. જાગ્રત સત્ય છે, અને સ્વપ્ન તો છે મિથ્યા. આ મિથ્થાની જાળમાં ફસાતી સ્ત્રીનું વિરહદર્દ ઊલટાનું ઘેરું બની જાય છે. મિથ્યા મિલન રચાવી આપતાં સ્વપ્નોને એ રોષપૂર્વક કહે છે :
૧૪ વસંત ઋતુ વનિ આવુ ગહગહી,
પરિમલાઈ કુસુમાવલિ મહમહી, મલયા વાય મનોહર વાઈ,
પ્રિનિઈ ઊડી મલઉં છમ થાઈ, ૩ ૧૫ કેસૂડાં પંથિ પાલવે, સૂડા દિઉં તુઝ લાખ,
એક વાર મુઝ મેલિ ન સજન પસારી પાંખ. ૩૬ ૧૬ વલી રે પલડીય વેલડી, વલી વલી ઊગઈ ચંદ,
પણ ન લે ગયુ યોવન, પ્રેમલતાનું કંદ. ૭ ૧૭ તરુ અરલિ આલિંગન દેખિય સીલ સલાય,
ભરયૌવન પ્રિય વેગલુ, ખિણ ન વિચારો જાઈ.
૫
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૫૮ : શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ચન્થ
રે પાપી ધુતારાં સ્વપ્નો, મારી મશ્કરી ન કરો. સૂતાં તમે મને સંયોગ કરાવો છો પણ જાણું છું ત્યારે તો
વિયોગનો વિયોગ જ! ૧૮ સ્વપ્નનો વિભાવ આ કવિની કલ્પનાનો કેવો મૌલિક ઉન્મેષ છે!
કોશાએ તો સ્નેહજીવન માણેલું છે. એના ચિત્તમાં આજે એનાં સ્મરણ ઊભરાય છે. એ દિવસો કેવી રીતે જતા હતા ? પ્રિયતમની સાથે રૂસણાં અને મનામણાં, લાડ અને રીસ, અને સદાનો સંયોગ. એ ભર્યાભર્યા સ્નેહજીવનને સ્થાને આજે નરી શુન્યતા અંતરને ફોલી રહી છે. સ્ત્રીસહજ ઉપમાનથી આ કરુણ સ્થિતિવિપર્યયને એ નારી વાચા આપે છે :
વિવાહ વીત્યે જેવો માંડવો તેવી કંથ વિના
હું સૂની થઈ ગઈ છું.૧૯ ફેરવી પલટાવીને, ભિન્નભિન્ન સંદર્ભો અને વિભાવોથી વિરહાવસ્થાને કવિ કેવી ચિત્રમય વિચિત્રમય અભિવ્યક્તિ આપે છે ! કોશાને એક વાત સમજાતી નથી :
પાણી વિના સરોવર સુકાઈ જાય ત્યારે હંસો બિચારા શું કરે? પણ જેના ઘરે મનગમતી
ગોરી છે એને વિદેશમાં કેમ ગમતું હશે ? ૨૦ પ્રિયતમની આ ઉદાસીનતા એનાથી સહન થતી નથી, અને તેથી તે ક્રોધની મારી ક્રૂર લાગે એવું અભિશાપવચન ઉચ્ચારી બેસે છે કે, “જે સ્નેહ કરીને એનો ત્યાગ કરે એના પર વીજળી પડજે.” પણ અંતે એને આ પરિણામને માટે પ્રેમ અને પ્રેમ કરનાર હૃદય જ ગુનેગાર લાગે છે: “હૃદય, પરદેશી સાથે પ્રીતિ તૈ શું જોઈને માંડી ?” છતાં પ્રીતિ કંઈ એના હૃદયમાંથી ખસતી નથી. આ અવતાર તો એળે ગયો એવી હતાશા એને ઘેરી વળે છે, અને સદા સંયોગસુખ આપે એવા અવતારનું એનું ચિત્ત કલ્પના કરી રહે છે.
હું પંખિણી કેમ ન સરજાઈ કે પ્રિયતમની પાસે પાસે ભમતી તો રહેત; હું ચંદન કેમ ન સરજાઈ કે પ્રિયતમના શરીરને સુવાસિત તો કરતે; હું ફૂલ કેમ ન સરજાઈ કે એને આલિંગન તો કરી રહેત; હું પાન કેમ ન સરજાઈ કે એના મુખમાં સુરંગે શોભી તો રહેત. ૨૧
૧૮ પાપી રે ધુતારાં સુહણડાં મુઝ મ્યું હાસું છોડ,
કરઈ વોહ જગાવીનઇ સૂતાં મુંકઈ ડિ. ૧૬. ૧૯ વીવાહ વતઓ માંડવે તમ હું સૂની કંત. ૨૦. ૨૦ સકઈ સરોવર જલ વિના, હંસા કિયું રે કરેસિ,
જસ પર ગમતીય ગેરડી, તસ કિમ ગમઈ રે વિદેશ. ૮. ૨૧ હું સિધ ન સરજી પંખિણ, જિમ ભમતી પ્રીઉં પાસ,
હું સિઈ ન સરજી ચંદન, કરતી પ્રિયતનું વાસ. ૩૧. હું સિં ન સરજી ફૂલડાં, લેતી આલિંગન જાણ, મુહિ સુરંગ જ શોભતાં, હું સિંઇ ન સરજી પાન. ૩ર.
Page #13
--------------------------------------------------------------------------
________________ સ્થૂલિભદ્રવિષયક ત્રણ ફાગુકાવ્યો H 159 વિરહિણીના હૃદયના અટપટા આંતરપ્રવાહોને કવિ કેવી ઝીણવટથી ઝીલી શક્યા છે! અવસ્થા માત્ર વિરહની, છતાં ભાવસૃષ્ટિ કેવી સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે! આ ભાવસૃષ્ટિના બોધક અનુભાવો પણ કવિએ ઝીણી નજરથી જોયા છે અને આપણી સમક્ષ મૂકયા છે. એમાં વિરહની મૂક વેદનાથી માંડીને એની કાળઝાળ પીડા સુધીની સ્થિતિને વ્યક્ત કરે એવા અનુભાવો છે. એ ગોરી ક્ષણમાં આંગણે તો ક્ષણમાં ઓરડે ઊભી રહે છે; કયારેક રડ્યા કરે છે; એની આંખ ઉજાગરે રાતી છે; ચંદન, ચંદ્ર કે વીંઝણો એના તાપને બુઝાવી શકતા નથી; શમ્યા તો જાણે અગ્નિ, કાંટા, કૌચાં કે લોઢાની બનેલી હોય, ચીર જાણે શરીરને ચીરી રહ્યાં હોય, સાંકળા જાણે જંજીર સમાન હોય એવું લાગે છે; રાત્રે યૌવનમંજરી મહેકી ઊઠે છે, પણ એ તો નિસાસાઓથી પોતાની કાયાને બાળી રહી છે (યૌવનમંજરીનું મહેકવું અને નિસાસાથી કાયાને બાળવી–કેવી ક્રૂર વિધિવક્તા !); શરીર પાંડુર અને પિંજર જેવું બની ગયું છે. ભૂખ, તરસ, નિદ્રા, દેહની સાનભાન બધું પ્રિયતમને આપી દીધું છે ! પ્રિયતમ મળવાનો ન જ હોય તો આ બધા સહનતપનનો શો અર્થ? પણ ના, કોશા કહે છે: ડિલ ઉપર દુઃખ વહોરી લઈને, વહાલા, હું તને મળીશ.૨૨ આ નિશ્ચય અને એની પાછળ રહેલી આંતરપ્રતીતિ અંતે ફળે છે અને ભલે નિવેશે પણ, સ્થૂલિભદ્ર કોશાને આવાસે આવે છે. એને જોઈને કોશાના હૃદયકમલનો વિકાસ થાય છે અને વનરાજિ જેમ મધુમાસને, તેમ કોશા પોતાના કંથને પામીને અધિક ઉલ્લાસવંત બને છે. સાચું શુદ્ધ કવિત્વ અન્ય પ્રયોજનોને પોતાની પાસેથી કેવાં હડસેલી મૂકે છે એનું આ કાવ્ય એક સુંદર ઉદાહરણ છે. જયવંતરિ જેવા સાચા કવિને શોધીને બહાર લાવવાનો સમય હવે પાકી ગયો છે. એમના સ્થલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ અને જિનપદ્રસૂરિના ધૂલિભદ્ર ફાગુ જેવાં આપણી કલ્પનાજીભમાં સ્વાદ મૂકી જાય એવાં પાંચપચીસ કાવ્યો મળે તો યે વિપુલ જૈનસાહિત્ય ફંફોસ્યાનો શ્રમ સાર્થક થઈ જાય. 22 ડિલ ઉપર દુખ આગમી વાહલા તુઝ મિલેસિ. 35.