Page #1
--------------------------------------------------------------------------
________________
પર્વારાધના
મનુષ્યને એકલા ખાઈપીને રહેવાથી પૂરો સંતોષ થતો નથી. રહેવાને સરસ ઘર, ખાવાને માટે સરસ ભાવતી વાનગીઓ, પહેરવાને મનપસંદ વસ્ત્રો અને હરવાફરવાનાં વિવિધ સાધનો મળ્યાં હોવા છતાં, જીવનમાં કશુંક ખૂટે છે એવું એને લાગે છે. ખાસ કરીને જ્યારે શરીર રોગગ્રસ્ત થાય છે, વૃદ્ધાવસ્થા આવે છે અને મૃત્યુ નજીક આવી રહ્યું હોય છે ત્યારે ભૂતકાળમાં ભોગવેલા ભોગોની અસારતા તેને જણાય છે. જીવનમાં કશુંક ચિરંજીવી અને મૂલ્યવાન તથા સતત સાથે રહે એવું તત્ત્વ મેળવવા તેનું ચિત્ત તલસે છે. પૂર્વભૂમિકા કે પૂર્વની તૈયારી ન હોય તો ભૂખ્યો માણસ જેમ ઘાસ ખાવા તૈયાર થાય તેમ આવી ઝંખનાવાળો માણસ જે કંઈ મળે તેનું તરત આલંબન લઈ લે છે. પૂરી સમજ ન હો તો પોતે જે મેળવ્યું છે તે જ સર્વસ્વ છે એવું માની લેવાની ભૂલ કરે છે અને એ રીતે જીવન પૂરું કરે છે.
જે સુખ ભૌતિક સામગ્રીઓ નથી આપી શકતી તે સુખ શુદ્ધ ધર્મના આલંબનથી તેને મળે છે. માણસ જ્યારે ધર્માભિમુખ બને છે ત્યારે તેની દૃષ્ટિમાં પરિવર્તન આવે છે; તેની પ્રવૃત્તિઓ અને સંબંધમાં ફેરફાર થાય છે; તેના જીવનમાં સાચી સમજણનો ઉદય થાય છે. કેટલાકને આ સમજણ વેળાસર પ્રાપ્ત થઈ જાય છે. કેટલાકને મોડેમોડે પણ એ સમજણ મળે છે અને તેથી ધન્યતા અનુભવે છે. અનેક મનુષ્યો એવી સમજણ પ્રાપ્ત કર્યા વિના પોતાનું જીવન પશુવતું જીવીને પૂરું કરે છે.
દુનિયાના દરેક ધર્મમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં પર્વોની ઉજવણીની પરંપરા ચાલી આવે છે.
પર્વ' શબ્દના જુદા જુદા અર્થ થાય છે. પુ” ધાતુ ઉપરથી જો “પર્વ' શબ્દ કરવામાં આવે તો “પુ” ના વિવિધ અર્થ થાય છે. જેમ કે : (૧) ભરવું (૨) સાચવી રાખવું, ટકાવી રાખવું (૩) વૃદ્ધિ કરવી (૪) સંતુષ્ટ અને
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૦૪
જિનતત્ત્વ
આનંદિત થવું, (૫) પાર પાડવું, સામે કિનારે પહોંચાડવું (૬) અંતિમ લક્ષ્ય સિદ્ધ કરી આપવું.
‘પર્વ’ શબ્દના અર્થ થાય છે : (૧) ઉત્સવ (૨) ગાંઠ (૩) પગથિયું (૪) સૂર્યનું સંક્રમણ (૫) ચંદ્રની કલાની વૃદ્ધિ અનુસાર આઠમ, ચૌદસ, પૂનમ જેવી તિથિઓ,
આમ ‘પર્વ’ શબ્દ દિવસ અને પ્રવૃત્તિઓને આનંદથી ભરી દેવાનું સૂચન કરે છે. વળી ‘પર્વ’ દ્વારા વૃદ્ધિ, વિકાસ, પ્રકાશ, ઉત્તરોત્તર ઊંચે ચડવું, જે પ્રાપ્ત થયું છે તેનું સંરક્ષણ કરવું, સામે પાર અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જવું, વગેરે અર્થ થાય છે. એ પ્રત્યેક અર્થ ‘આરાધના'ની દૃષ્ટિએ, વિશેષત: ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ અત્યંત સૂચક અને મહત્તવનો છે.
‘પર્વ’ શબ્દ મુખ્યત્વે ઉત્સવના અર્થમાં વપરાયો છે. ઉત્સવનો અર્થ પણ જુદા જુદા દૃષ્ટિકોણથી ધટાવી શકાય છે. પરંતુ ‘પર્વ’ શબ્દ સામાન્ય રીતે ધાર્મિક ઉત્સવો માટે સવિશેષ વપરાય છે. ધાર્મિક ઉત્સવોમાં ભોગોપભોગના આનંદ કરતાં ત્યાગ, સંયમ, દાન વગેરેનો મહિમા વધારે હોય છે.
સામાજિક રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પ્રકારના તહેવારો કરતાં ધાર્મિક ઉત્સવોનું મૂલ્ય વધુ છે કારણ કે તે માનવજીવનને સવિશેષ બળ આપે છે. જો ધાર્મિક ઉત્સવ સાચી રીતે ઊજવવામાં આવે તો તે માનવજીવનને ઉત્કર્ષ તરફ લઈ જાય છે. ઉત્સવ એટલે જ આનંદમય ઉત્કર્ષ, એ એની સાચી વ્યાખ્યા છે. કેટલાક લોકો ધાર્મિક ઉત્સવને જુગાર, મદિરાપાન કે અન્ય પ્રકારની ભોગવિલાસની પ્રવૃત્તિઓથી વિકૃત કરી નાખે છે તેની અહીં વાત નથી. તેવા લોકો તો થોડા અને અપવાદરૂપ હોય છે. કેટલાક લોકો માત્ર જડતાપૂર્વક, ગતાનુગતિક રીતે, ગાડરિયા પ્રવાહની જેમ, સમજણબુદ્ધિના અભાવથી, માત્ર અર્થહીન બાહ્ય ક્રિયાકાંડપૂર્વક ઉત્સવ ઊજવતા હોય છે. પરંતુ તેવો વર્ગ તો હંમેશાં રહેવાનો જ. એટલા માટે પર્વનું મૂલ્ય ઓછું ન આંકી શકાય. પર્વની આરાધના દ્વારા થોડા લોકો પણ જો કશુંક મૂલ્યવાન, ચિરંજીવી તત્ત્વ પામી શકે અને મળેલા જીવનની કૃતાર્થતા અનુભવી શકે તો પણ પર્વોનું આયોજન સાર્થક છે એમ કહી શકાશે.
છેક પ્રાગૈતિહાસિક કાળથી ધાર્મિક પર્વોનું આયોજન થતું આવ્યું છે. સમુદાયમાં રહીને, સમુદાયની સાથે જો આરાધના કરવાની હોય અને તે માટે
Page #3
--------------------------------------------------------------------------
________________
પવરાધના
૪૫ જો દિવસો નિશ્ચિત કરેલા હોય તો જ માણસને આજીવિકા માટેના વ્યવસાયમાંથી મુક્ત થઈને આરાધના કરવી ગમે છે. આર્થિક પ્રલોભનો અને વ્યાવહારિક કાર્યો અને કર્તવ્યો એટલાં બધાં હોય છે કે જીવને તેમાંથી બહાર નીકળવાનું જલદી મન થતું નથી. વળી કુટુંબીજનો વગેરે સાથે સંઘર્ષ થવાનો કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાનો ભય રહે છે. પરંતુ પોતાના વર્તુળના ઘણાખરા માણસો જો વ્યવસાય છોડીને, ઘરની બહાર જઈને જાહેર સ્થળમાં આરાધના કરવા જતા હોય તો માણસને તેમાં જોડાવાનું મન થાય છે. ક્યારેક બધા લોકો આરાધના કરતા હોય ત્યારે પોતે જો કમાવામાં રચ્યોપચ્યો રહે તો લજ્જાસંકોચ થવાનો પ્રસંગ ઊભો થાય. વળી, સતત વ્યાવસાયિક-વ્યાવહારિક પ્રવૃત્તિમાં પરોવાયેલા જીવન પર્વના દિવસને નિમિત્તે મન મોકળું કરવાનો, હળવાશ અનુભવવાનો અવસર સાંપડે છે. આથી જ ધાર્મિક પર્વોનું આયોજન સામાજિક અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ માનવજાત માટે ઉપકારક બન્યું છે.
પર્વનો મહિમા એવો હોય છે કે માણસને ઘરમાં બેસી રહેવું ગમતું નથી. સમુદાયમાં જઈને તે કશું પ્રાપ્ત કરવા ઇચ્છે છે, સમાજના મહિલા વર્ગને પણ પર્વના દિવસોમાં બહાર જવું ગમે છે. મનુષ્યને પોતાની વૈયક્તિક ચેતનાને સામુદાયિક ચેતનાની સાથે એકરૂપ કરવાની ભાવના પર્વના દિવસોમાં થાય છે. ધાર્મિક પર્વ એ રીતે મનુષ્યની ચેતનાના વિસ્તાર અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન કરે છે. જો આ ચેતનાનો વિકાસ એક જ દિશામાં સીધી ગતિએ ચાલ્યા કરતો હોય તો મનુષ્યજીવન નંદનવન જેવું બની જાય. પરંતુ ગતાનુગતિક રૂઢિવાદ, સામાજિક સમસ્યાઓ, રાજદ્વારી ઊથલપાથલો, સંઘર્ષ, કલહ, યુદ્ધ, દુકાળ, કુદરતી આપત્તિઓ વગેરે માનવજાતે પ્રાપ્ત કરેલી ભૌતિક સિદ્ધિઓને હણી નાખે છે અને મનુષ્ય ફરી પાણે કેટલાંક ડગલાં પાછો જાય છે. મનુષ્ય જીવનની આ એક મોટી કરુણતા છે.
આપણા પૂર્વાચાર્યોએ ધાર્મિક-આધ્યાત્મિક પર્વોની જે યોજના કરી છે કે તે એવી ખૂબીથી કરી છે કે જેથી મનુષ્યજીવનને કાળના થોડા થોડા અંતરે આત્મિક બળ મળતું રહે. જેનું લક્ષ્ય આરાધના તરફ વિશેષ રહેલું હોય એવા લોકોને માટે તો દર બીજે કે ત્રીજે દિવસે પર્વતિથિનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદસ, પૂનમ વગેરે તિથિઓને પર્વતિથિ તરીકે ગણાવવામાં આવી છે. જેઓ પોતાના જીવનની મર્યાદાઓને
Page #4
--------------------------------------------------------------------------
________________
XOS
જિનતત્ત કારણે આટલી પણ આરાધના ન કરી શકે તેવા ઓછી શક્તિવાળા કે ઓછી અનુકૂળતાવાળા મનુષ્યો માટે પાંચમ, આઠમ, ચૌદસ અથવા માત્ર ચૌદસ(પાખી)ની તિથિની આરાધના યથાશક્તિ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા કેટલાક પર્વદિવસોનું પણ આયોજન થયું છે. જેમ પર્વ મોટું તેમ એની આરાધનાના દિવસોની સંખ્યા પણ વધુ. જૈન ધર્મમાં આઠ દિવસની અઠ્ઠાઈ પર્વનો મહિમા વિશેષ ગણાયો છે. વર્ષમાં એવાં છ અઠ્ઠાઈ પર્વો આવે છે. શ્રી લક્ષ્મી સૂરિએ “ઉપદેશપ્રાસાદ'માં કહ્યું છે :
अष्टाह्निकाः षडेवोक्ताः स्याद्वादोभयदोत्तमैः।
तत्त्वरूपं समाकर्ण्य आसेव्याः पस्मार्हतैः ।। [સ્યાદ્વાદને મતે કહેનારા ઉત્તમ પુરુષોએ છ અઠ્ઠાઈ પર્વ કહ્યાં છે. તેનું સ્વરૂપ બરાબર સમજીને પરમ શ્રાવકોએ તે સેવવાયોગ્ય છે.]
અઠ્ઠાઈ એટલે આઠ દિવસનું. અઠ્ઠાઈ પર્વ એટલે આઠ દિવસ સુધી ચાલે તેવાં મોટાં પર્વ. વર્ષ દરમિયાન આવાં છ મોટાં પર્વનું આયોજન જૈન શાસનમાં મહર્ષિ શાસ્ત્રજ્ઞોએ ફરમાવ્યું છે. આ પર્વો થોડે થોડે કાળને અંતરે ગોઠવાયાં છે. ચૈત્ર, અષાઢ, શ્રાવણ-ભાદ્રપદ, આસો, કારતક ને ફાગણ મહિનામાં તે પર્વો આવે છે. ચૈત્ર અને આસો માસમાં આયંબિલની ઓળી આવે છે. આ બે ઓળીને શાશ્વતી પર્વ તરીકે ઓળખાવવામાં આવે છે. તદુપરાંત અષાઢ, કારતક અને ફાગણ માસમાં ત્રણ ચાતુર્માસિક પર્વ ઊજવવામાં આવે છે. તથા શ્રાવણ-ભાદરવામાં પર્યુષણ પર્વ મહોત્સવપૂર્વક ઊજવવામાં આવે છે. આ છ પર્વોમાં પર્યુષણ પર્વ સૌથી વધુ મહત્વનું ગણાય છે. કહ્યું છે :
पर्वाणि बहुनि सन्ति प्रोक्तानि श्रीजिनागमे।
पर्युषणां समं नान्यः कर्मणां मर्म भेदकृत् ।। [જિનાગમમાં કહેલાં એવાં ઘણાં પર્વ છે. પરંતુ તે બધાં પર્વોમાં કર્મના મર્મને ભેદનારું એવું પર્યુષણ પર્વ જેવું બીજું એક પર્વ નથી.)
કર્મ આઠ પ્રકારનાં છે : (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગૌત્ર અને (૮) અંતરાય. આ આઠ કમોંમાં સૌથી ભયંકર કર્મ તે મોહનીય કર્મ છે. સંસારમાં અનેક જીવોને જમાડનાર તે મોહનીય કર્મ છે.
મોહનીય કર્મનો એક પેટાપ્રકાર તે મિથ્યાત્વ મોહનીય છે. એ સૌથી
Page #5
--------------------------------------------------------------------------
________________
પર્વારાધના
૪૦૩
વધારે ભયંકર કમ છે. જ્યાં સુધી આ કર્મ જીવને લાગેલું છે ત્યાં સુધી જીવ સમ્યગુદર્શન પામી શકતો નથી. અને સમ્યગુદર્શન ન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન અને મોક્ષની તો વાત જ શાની હોય ?
આમ, આ આઠ કર્મોમાં મર્મરૂપ જો કોઈ કર્મ હોય તો તે મોહનીય કર્મ છે, તેમાં પણ મિથ્યાત્વ મોહનીય કર્મ છે. એ મિથ્યાત્વ મોહનીય કર્મને ભેદવામાં આવે તો ત્યારપછી બાકીનાં કર્મોનો ક્ષય કરવાનું તેના જેટલું કઠિન નથી. એટલા માટે પર્યુષણ પર્વ મિથ્યાત્વ મોહનીય કર્મને હણવા માટેનું પર્વ છે અને એથી જ કહેવાયું છે કે જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાં પર્યુષણ પર્વ જેવું બીજું કોઈ પર્વ નથી. પર્યુષણ પર્વાધિરાજ છે, પર્વશિરોમણિ છે.
આઠ પ્રકારનાં કર્મને હાથીની ઉપમા આપવામાં આવે છે. હાથીના ચાર પગ તે આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય કર્મ છે. હાથીની બે આંખો તે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ છે. હાથીની પૂંછડી તે અંતરાય કર્મ છે. હાથીનું આખું શરીર તે મોહનીય કર્મ છે. અને હાથીનું ગંડસ્થળ તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તોફાને ચઢેલા મદોન્મત્ત હાથીને વશ કરવો હોય તો એના પગ કે સુંઢ બાંધવાથી તે વશ થતો નથી, પરંતુ અંકુશ વડે એના ગંડસ્થળને ભેદવામાં આવે તો તે તરત શાંત થઈ જાય છે, વશ થઈ જાય છે, કારણ કે મર્મસ્થાન ઉપર પ્રહાર તે સહન કરી શકતો નથી. અંકુશ એક નાનું સરખું હથિયાર છે. એની બે અથવા ત્રણ તીક્ષણ પાંખ જરાક સરખી ભોંકાતાં હાથી શાંત થઈ જાય છે. આ અંકુશ ક્ષમા, વિનય, કૃતજ્ઞતારૂપી છે. એ ગુણો વડે જીવે મિથ્યાત્વ મોહનીય કર્મને હટાવવાનું છે.
જિનશાસનમાં જે જુદાં જુદાં પર્વ છે તેમાંનાં કેટલાંક પર્વ દર્શન વિશુદ્ધિ માટે છે, કેટલાંક પર્વ જ્ઞાનવિશુદ્ધિ માટે છે અને કેટલાંક પર્વ ચારિત્રવિશુદ્ધિ માટે છે. પર્યુષણ પર્વ મુખ્યત્વે દર્શનવિશુદ્ધિનું મોટું પર્વ છે, કારણ કે પર્યુષણા પર્વ મિથ્યાત્વને દૂર કરી સમ્યક્તને પ્રાપ્ત કરવા માટેનું પર્વ છે. પર્યુષણ પર્વ એટલા માટે સમક્તિની આરાધના માટેનું પર્વ છે.
પર્યુષણ પર્વની રૂડી પેરે આરાધના કરવી હોય તો તેને માટે પૂર્વાચાર્યોએ પાંચ મહત્ત્વનાં કર્તવ્યો બતાવ્યાં છે : (૧) અમારિ પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) અઠ્ઠમતપ (૪) ચૈત્યપરિપાટી અને (૫) ક્ષમાપના.
Page #6
--------------------------------------------------------------------------
________________ 408 જિનતત્વ પર્યુષણ પર્વની આરાધનામાં અમારિ પ્રવર્તન એટલે કે જીવહિંસા ન થાય એ માટેની સાવધાની રાખવા ઉપર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સંસારના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રહે અને જીવની હિંસા દ્વારા વિરાધના ન થાય તે જોવું એ પરમ કર્તવ્ય છે. તેથી જગતમાં વેરઝેર ઓછાં થાય છે અને સુખશાંતિ પ્રવર્તે છે. સાધર્મિક વાત્સલ્ય, અઠ્ઠમતપ અને ચૈત્યપરિપાટી દ્વારા આરાધક પર્યુષણ પર્વનો સંયમપૂર્વક ઉલ્લાસ અનુભવે છે. આ પર્વની ચરમ કોટિ તે ક્ષમાપના છે. ક્ષમા માગીને અને ક્ષમા આપીને જે જીવ ઉપશાંત થતો નથી તે જીવ સાચો આરાધક થઈ શકતો નથી. પર્યુષણ પર્વ આ રીતે મિથ્યાત્વ મોહનીયને દૂર કરીને, જીવનમાં ક્ષમાના ભાવને અવતારીને આરાધના કરવાનો અમૂલ્ય અવસર છે,