Page #1
--------------------------------------------------------------------------
________________
મલ્લિનાથની પ્રતિમા
જેનોમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચે મહત્ત્વના બે સૈદ્ધાંતિક મતભેદ આ છે : (૧) સ્ત્રી-મુક્તિ અને (૨) કેવલી-ભુક્તિ. (કેવળજ્ઞાનીના આહાર વિશે.)
દિગમ્બરો માને છે કે સ્ત્રી મોક્ષે ન જઈ શકે. શ્વેતામ્બરો માને છે કે ભલે અલ્પ પ્રમાણમાં પણ સ્ત્રી અવશ્ય મોક્ષગતિ પ્રાપ્ત કરી શકે છે.
- શ્વેતામ્બરો માને છે કે આ અવસર્પિણી કાળમાં સૌપ્રથમ મોક્ષે જનાર મરુદેવા માતા (ભગવાન ઋષભદેવનાં માતા) છે. દિગમ્બરો માને છે કે મરુદેવા માતા સ્ત્રી હોવાથી મોક્ષે ન જઈ શકે. પ્રથમ મોક્ષે જનાર તે ભગવાન ઋષભદેવના પુત્ર બાહુબલિ છે. એટલા માટે તીર્થકરોની પ્રતિમાની સાથે સાથે બાહુબલિની પ્રતિમાની પૂજાનો પ્રચાર દિગમ્બરોમાં વિશેષ છે.
શ્વેતામ્બરો માને છે કે ચોવીસ તીર્થકરોમાં ૧૯મા તીર્થકર મલ્લિનાથ તે સ્ત્રી હતાં – મલ્લિકુંવરી હતાં. પૂર્વભવમાં તપની બાબતમાં માયાકપટ કરવાને કારણે એમને સ્ત્રી તરીકે જન્મ મળ્યો હતો. દિગમ્બર માને છે કે મલ્લિનાથ પુરુષ હતા, કારણ કે સ્ત્રી જો કેવળજ્ઞાન ન પામી શકે, મોક્ષગતિ પ્રાપ્ત ન કરી શકે તો તીર્થંકર થવાની વાત જ શી ?
શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાય વચ્ચેનો આ મતભેદ જમાનાજૂનો છે અને એવું કોઈ પ્રત્યક્ષ પ્રમાણ કે સાબિતી નથી કે જેથી આ મતભેદનું તરત નિરાકરણ થઈ શકે. બંને સંપ્રદાયના પૂર્વાચાર્યોએ એકબીજાના મતનું ખંડન કરવા માટે ઘણી દલીલો કરી છે.
શ્વેતામ્બર પરંપરા જો એમ માને છે કે મલ્લિનાથ સ્ત્રી હતા અને શ્રીરૂપે તીર્થકર થયા હતા, તો પછી મલ્લિનાથની પ્રતિમા પુરુષના આકારની કેમ છે ? એ માટે નીચેના કેટલાક મુદ્દા વિચારવા જેવા છે :
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનતત્ત્વ
(૧) જૈન ધર્મ માને છે કે સ્ત્રી, પુરુષ કે નપુંસક તરીકેના ભાવો તે તે કર્મને કારણે છે. નવ પ્રકારના નોકષાયમાં સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદનો સમાવેશ થાય છે. સાધક સ્ત્રી વ્યક્તિ હોય કે પુરુષ, અમુક પ્રકારનો કર્મક્ષય થતાં, નવમા ગુણસ્થાનકે પહોંચતાં સ્ત્રી-પુરુષના કોઈ ભેદ તેનામાં રહેતા નથી. પુરુષ હોય તો ‘હું પુરુષ છું' અથવા સ્ત્રી હોય તો ‘હું સ્ત્રી છું’ એવી કોઈ સભાનતા, લાગણી, વાસના, આવેગ ઇત્યાદિ કશું જ તેઓ અનુભવતાં નથી. બલકે સ્વાભાવિક રીતે જ તેઓ તેવા ભાવથી પર થઈ ગયાં હોય છે. તેમની સાધના એટલી ઉચ્ચ કોટિની હોય છે કે વિજાતીય વ્યક્તિ તરફ ન તેમને કોઈ આકર્ષણ, અહોભાવ, પક્ષપાત ઇત્યાદિ હોય છે કે ન તો અભાવ, અરુચિ, અનાદર ઇત્યાદિ હોય છે. સર્વ જીવો માટે તેમનામાં સમત્વભાવ હોય છે. સર્વ જીવો તેમને સરખા સિદ્ધસ્વરૂપી ભાસે છે. વળી તેમની પોતાની મુખમુદ્રા એવી પવિત્ર-તેજસ્વી હોય છે કે વિજાતીય વ્યક્તિને પણ તેમના પ્રત્યે જાતીય આકર્ષણ, આદર, પક્ષપાત કે અભાવ ઇત્યાદિ થતાં નથી. જો અનેક સાધકોની બાબતમાં આમ જોવા મળે છે, તો તીર્થંકરની બાબતમાં તે એથી વિશેષ કેમ ન હોય ?
૧૯૦
(૨) તીર્થંકરના જીવનમાં કેટલાક અતિશય હોય છે. ‘અતિશય’ શબ્દ પારિભાષિક છે. અતિશયનો સામાન્ય અર્થ કરવો હોય તો એમ કરાય કે સાધારણ લોકોમાં ન હોય એવી, ચમત્કૃતિ જેવી લાગે એવી સવિશેષ ઘટના. શ્વેતામ્બર અને દિગમ્બર પરંપરા વચ્ચે અતિશયોની સંખ્યાની બાબતમાં મતભેદ છે, પરંતુ તીર્થંકરોને અતિશય હોવાની બાબતમાં મતભેદ નથી. તીર્થંકરોને ચાર અતિશય જન્મથી હોય છે. અગિયાર અતિશય કર્મક્ષયથી હોય છે અને ઓગણીસ અતિશય દેવોએ કરેલા હોય છે. એમ કુલ ચોત્રીસ અતિશયો હોય છે, જેમાં એમના શરીરના અતિશયો પણ આવી જાય છે.
તીર્થંકરનું શરીર અદ્ભુત રૂપવાળું, અદ્ભુત સુગંધવાળું, રોગરહિત, પ્રસ્વેદસંહિત, મલરહિત હોય છે. તેમની વાણી યોજનામિની અને સર્વ જીવોને પોતપોતાની ભાષાવાચા અનુસાર સમજાય એવી હોય છે. તેઓ જ્યાં વિચરતા હોય છે ત્યાં તેમની આસપાસના વિસ્તારમાં રોગ, વેરભાવ, અતિવૃષ્ટિ, દુકાળ, યુદ્ધ, આંતરવિગ્રહ ઇત્યાદિ કશું જ સંભવે નહિ અને હોય તો તે શાંત થઈ જાય. તીર્થંકરના નખ, વાળ, રોમરાજિ ઇત્યાદિ વૃદ્ધિ ન પામે.
Page #3
--------------------------------------------------------------------------
________________ મલ્લિનાથની પ્રતિમા 191 આવા ચોત્રીસ અતિશયયુક્ત તીર્થકરનું શરીર એવું અલોકિક હોય છે કે એમાં સ્ત્રી-પુરુષના આવા ભેદ સંભવી શકે નહિ. (3) એટલા માટે જ તીર્થંકરની પ્રતિમા, જેમ મલ્લિનાથની બાબતમાં સ્ત્રીની આકૃતિવાળી નથી, તેમ અન્ય તીર્થકરોની બાબતમાં પણ પુરુષ જેવી કડક મુખમુદ્રાવાળી, મૂછ-દાઢીવાળી હોતી નથી. તીર્થકરની પ્રતિમા સૌમ્ય ભાવવાળી, ચંદ્રના પ્રકાશ જેવી શીતલ, માતા જેવા વાત્સલ્યભાવવાળી, જગતના સર્વ જીવો માટે કરુણાસહિત અમીભરેલી આંખોવાળી, ધ્યાનસ્થ મુદ્રાવાળી, અપૂર્વ ઉપશમભાવવાળી હોય છે. એટલા માટે તીર્થંકરની મુખમુદ્રામાં સ્ત્રીની પ્રતિકૃતિ જોવી હોય તો પણ જોઈ શકાય છે, અને પુરુષની પ્રતિકૃતિ જોવી હોય તો તે પણ જોઈ શકાય છે. એટલા માટે જ તીર્થકરોની પ્રતિમાનું શિલ્પવિધાન જ્યારથી ચાલુ થયું ત્યારથી સર્વ તીર્થકરોની પ્રતિમા એકસરખી જ રહી છે. તીર્થકરો હંમેશાં કાં તો પર્યકાસન (પદ્માસન) મુદ્રામાં અથવા કાયોત્સર્ગ મુદ્રામાં નિર્વાણ પામે છે. એટલા માટે જિનપ્રતિમા હંમેશાં એ બે મુદ્રામાં જ હોય છે. સ્ત્રી-પુરુષના ભેદ શરીરના હોય છે, આત્માના નહિ, તીર્થકર થયા પછી સ્ત્રી-પુરુષનો ભેદ હોતો નથી, રહેતો નથી. એટલા માટે મલ્લિકુંવરી તીર્થકરને પણ “મલ્લિનાથ” તરીકે ઓળખવાની અને એમની પ્રતિમા અન્ય તીર્થકરો. જેવી બનાવવાની પ્રથા શ્વેતામ્બરોમાં પરાપૂર્વથી ચાલી આવી છે. (અપવાદરૂપે મલ્લિનાથની એક પ્રાચીન ધાતુપ્રતિમા સ્ત્રી સ્વરૂપે છે, જે લખનૌના મ્યુઝિયમમાં છે.) મલ્લિનાથ સ્ત્રી તરીકે તીર્થંકર થયા એ ઘટનાને શ્વેતામ્બર સંપ્રદાય અચ્છેરા' તરીકે એટલે કે સામાન્ય રીતે ન બને એવી આશ્ચર્યકારક ચમત્કૃતિભરેલી ઘટના તરીકે ઓળખાવે છે.