Page #1
--------------------------------------------------------------------------
________________
૩૦. જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી
ભૂમિકા : પોતાની જાતનું અને વિશ્વનું સત્યદર્શન પામવાનો મુખ્ય ઉપાય છે: નિષ્ઠાભરી, નિસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધના, એટલે જીવનસાધનાના ધ્યેયને વરેલ સાધકના જીવનમાં કોઈક ભૂમિકા એવી પણ આવી પહોંચે છે કે જ્યારે સત્યસાધના અને શાન સાધના એકરૂપ બની જઈને સાધકને અવૈર, અષ, અભય, અહિંસા અને કરુણા જેવા દૈવી ગુણોથી સમૃદ્ધ બનાવી દે છે. પૂજ્ય આગમ-પ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની ઉત્કટ જ્ઞાનસાધના અને સૌમ્ય સત્યસાધના આવી જ જીવનસ્પર્શી, તેમજ વળી ઊર્ધ્વગામી જીવનનો એક ઉત્તમ આદર્શ બની રહે એવી હતી. તેથી જ એમનો વૈરાગ્ય શુષ્ક કે ઉદાસ નહીં પણ પ્રસન્નતાથી સભર હતો અને ચિત્ત-પ્રસન્ન રે પૂજનફળ કહ્યું” યોગીરાજ આનન્દઘનની આ ઉતિની યથાર્થતા સમજાવે એવો હતો. તેઓ નિર્ભેળ અને સત્વગામી શાન સાધના દ્વારા સદા પ્રસન્નતાપૂર્વક પરમાત્મદેવનું અને આત્મદેવનું આભ્યન્તર પૂજન કરીને પોતાના જીવનને સચ્ચિદાનન્દમય બનાવી શક્યા હતા. મુનિરત્ન શ્રી પુણ્યવિજયજી ગુજરાતના આવા જ એક પ્રભાવક ધર્મપુરુષ હતા અને તેઓનું જ્ઞાનોદ્ધારનું અપૂર્વ કાર્ય ધર્મસંસ્કૃતિના શાસ્ત્રવારસાને સુરક્ષિત અને ચિરંજીવ બનાવવા માટે સદા સ્મરણીય બની રહે એવું હતું.
૨૧૨
Page #2
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી
૨૧૩ જન્મ, વતન અને માતા-પિતા : મહારાજશ્રીનો જન્મ વિ. સં. ૧૯૫ર ના કારતક સુદ પાંચમ જ્ઞાન-પંચમી કે લાભપાંચમ)ના પર્વ દિવસે કપડવંજ શહેરમાં થયો હતો. તેઓનું નામ મણિલાલ, માતાનું નામ માણેકબહેન અને પિતાનું નામ ડાહ્યાભાઈ દોશી હતું. માના માણેકબહેનને ધર્મ તરફ વિશેષ અનુરાગ હતો. આજથી પોણો સો વર્ષ પહેલાંના સમયમાં આપણા દેશમાં કન્યા કેળવણીનું પ્રમાણ નહીં જેવું હતું. ત્યારે પણ માણેકબહેને ગુજરાતી છ ધોરણનો અને પાંચ પ્રતિક્રમણ, જીવ-વિચાર, નવ-તત્ત્વોનો અભ્યાસ કર્યો હતો. માણેકબહેનને પાંચ સંતાન થયેલાં. તેમાં એક સંતાન જ ઉછરેલું અને તે પણ જાણે કાળના મોંમાં કોળિયો થતાં બચી ગયું. વળી જયાં મહારાજશ્રીનો જન્મ થયો હતો તે વતન કપડવંજ પણ ધર્મ-શ્રદ્ધાના રંગે રંગાયેલું શહેર હતું. ત્યાગ, વૈરાગ્ય અને સંયમની અભિરુચિ એના કણ-કણમાં પ્રસરેલી હતી. ત્યાંના સંખ્યાબંધ ધર્માનુરાગી ભાઈઓ અને બહેનોએ દીક્ષા ગ્રહણ કરીને આત્મ-સાધનાનો માર્ગ અપનાવ્યો હતો. વર્તમાન સમયમાં આગમ-ગ્રંથોનો ઉદ્ધાર કરનાર બે સમર્થ આગમધર મહાપુરુષોની જન્મભૂમિ બનવાનું ગૌરવ કપડવંજને જ પ્રાપ્ત થયું હતું. આ બે આગમધર ધર્મપુરુષો તે પરમ પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનન્દસૂરિજી મહારાજ અને પૂજ્યપાદ આગમ-પ્રભાકર શ્રત-શીલ-વારિધિ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ. કપડવંજ શહેરનાં જૈન-ઘરોમાંથી એકાદ ઘર જ એવું હશે કે જેમાં કોઈએ દીક્ષા-ત્યાગ-માર્ગ ન સ્વીકાર્યો હોય. દરેક ઘરમાંથી કોઈ ને કોઈ ત્યાગ-માર્ગ નીકળતું. આવા ત્યાગ-વૈરાગ્ય-તપના ત્રિવેણીસંગમથી શોભનું પૂ. મહારાજશ્રીનું વતન હતું. તેથી પૂ. મહારાજશ્રીને પણ ત્યાગમાર્ગે જવામાં આ વતન નિમિત્તરૂપ બન્યું હતું.
કુટુંબની સ્થિતિ સામાન્ય હતી, એટલે ડાહ્યાભાઈ મુંબઈમાં રહેતા. માણેકબહેન વતનમાં એકલાં રહીને પોતાના સંતાનને ઉછેરતાં હતાં. મણિલાલ હજુ બે-ચાર મહિનાના જ થયા હતા અને ઘોડિયે ઝૂલતા હતા એ વખતે એક દિવસ એમને ઘરમાં મૂકીને માણેકબહેન નદીએ કપડાં ધોવા ગયેલાં. પાછળથી મહોલ્લામાં એકાએક મોટી આગ લાગી અને એમાં માણેકબહેનનું ઘર પણ ઝડપાઈ ગયું. આગ લાગ્યાની બુમરાણ સાંભળીને એક વહોરા ગૃહસ્થ ત્યાં દોડી આવ્યા. એમણે મકાનમાં કોઈ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને ધરમાં દોડી જઈને એ ભલા સદગૃહસ્થ બાળકને લઈને પોતાને ઘેર મૂકી આવ્યા. આ બાજુ નદીકિનારે માણેકબહેનને આગની ખબર પડી. એ તો હાંફળાફાંફળાં આવી પહોંચ્યાં. જોયું તો ઘર આગમાં સ્વાહા થઈ ગયેલું. એમને થયું કે ઘરના એકના એક દરવેલાને પણ આગે ભરખી લીધો. એમના દુ:ખનો પાર ન રહ્યો. પેલા વહોરા સગૃહસ્થ માનતા હતા કે હમણાં આ બાળકનાં મા-બાપ આવીને એને લઈ જશે; પણ સાંજ સુધી કોઈ ન આવ્યું. એ વહોરા ગૃહસ્થ નેકદિલ ઇન્સાન હતા અને એમને એ ખ્યાલ હતો કે આ બાળક કોઈક હિન્દુનું સંતાન છે, એટલે એમણે એ બાળકને હિન્દુના ઘરનું પાણી મંગાવીને પાયું અને બકરીનું દૂધ પિવડાવ્યું. રાત થઈ તો પણ એ બાળકને લઈ જવા માટે કોઈ ન આવ્યું. એટલે બીજે દિવસે સવારે એમણે ઘેર-ઘેર ફરીને તપાસ કરી.
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૧૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
આખરે માણેકબહેનને પોતાનો દીકરો સાજો–સારો મળી ગયો. એમના આનંદનો પાર ન રહ્યો! મણિલાલને જાણે તે દિવસથી રામનાં રખવાળાં મળ્યાં. ડાહ્યાભાઈને આ વાતની ખબર પડી એટલે તેઓ કપડવંજ આવીને પોતાનાં પત્ની અને પુત્રને મુંબઈ તેડી ગયા. મણિલાલે પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં લીધું.
પણ માતા-પુત્રનો ભાગ્યોદય કંઈક વિલક્ષણ હતો. એમાં કુદરતનો કોઈ સફળ સંકેત છુપાયો હતો. ૨૬ વર્ષની નાની ઉમરે માણેકબહેન વિધવા થયાં. ચિત્તમાં જાણે સુનકાર છવાઈ ગયો. પણ જેમણે આખી જિંદગી ધર્મનું પાલન કરવામાં અને ધર્મની વાણી સાંભળવામાં ગાળેલી તેને આવા કારમાં સંકટ વખતે ધર્મ જ સાચો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. અંતર વૈરાગ્યને ઝંખી રહ્યું. પણ વચમાં એક અવરોધ હતો. ચૌદ વર્ષના મણિલાલનું શું કરવું? એને કોને ભરોસે સોંપવો? માને પણ થયું કે હું સંસારનો ત્યાગ કરું તો મારા પુત્રને સંસારમાં શા માટે રાખું? છેવટે બનેએ દીક્ષા લેવાનું નકકી કર્યું.
દીક્ષા . . .દીક્ષા-ગુરૂ . શાસ્ત્રાભ્યાસ : વિ. સં. ૧૯૬૫ ના મહા વદી પાંચમના દિવસે મણિલાલે વડોદરા પાસે છાણી ગામમાં મુનિવર્ય શ્રી ચતુરવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ પુણ્યવિજયજી રાખવામાં આવ્યું. મણિલાલની દીક્ષા પછી બે દિવસે જ માણેકબહેને શ્રી. મોહનલાલજી મહારાજના સમુદાયમાં પાલિતાણામાં દીક્ષા લીધી. એમનું નામ શ્રી રત્નશ્રીજી રાખવામાં આવ્યું. મુનિશ્રી પુણ્યવિજયજીના દાદા-ગુરૂ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ એક આદર્શ શ્રમણ હતા. અહિંસા, સંયમ અને તપનું અમૃત એમના રોમ-રોમમાં વ્યાપેલું હતું. જેવા ઉદાર મહારાજશ્રીના દાદા-ગુરુ હતા એવા જ ઉદાર તેઓના ગુરુ શ્રી ચતુરવિજયજી મહારાજ હતા. વળી તેઓ જેવા ઉદાર હતા એવા જ વ્યવહાર-દક્ષ, કાર્યનિષ્ઠ અને સતત સાહિત્ય-સેવી વિદ્વાન હતા. દાદા-ગુરુ અને ગુરુ બંને જ્ઞાનોપાસના અને જ્ઞાનોદ્ધારના પવિત્ર ધ્યેયને વરેલા હતા.
દીક્ષા-કાળ પછી મહારાજશ્રીના જીવનમાં વિદ્યાભ્યાસ અને શાસ્ત્ર-ચંશોધનનું કામ સાથે જ રહ્યું છે. પૂ. મહારાજશ્રી આ બાબતમાં પોતે લખે છે કે, “કોઈ પણ વિષયનો એકધારે સળંગ અભ્યાસ કરવાનું મારા જીવનમાં બહુ ઓછું બન્યું છે. વળી, અમુક વર્ષો સુધી એકાગ્ર બનીને અભ્યાસ કર્યો અને પછી પ્રાચીન પ્રતો વાંચવાનું કે પ્રાચીન ગ્રંથોના સંશોધનનું કામ શરૂ કર્યું કંઈક પૂર્વ-સંસ્કારો કહો, કંઈક વડીલોની કૃપા કહો અને કંઈક જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કહો, મોટે ભાગે વિદ્યાભ્યાસ અને શાસ્ત્ર-સંશોધનનું કામ સાથે સાથે જ ચાલતાં રહ્યાં.” કામ કામને શીખવે એમ શાસ્ત્રોનું વાચન અને સંશોધન કરતાં કરતાં નવા નવા વિષયોનું જ્ઞાન મળતું રહ્યું. આના પાયામાં મહારાજશ્રીની નિર્મળ તેજસ્વી બુદ્ધિ, સત્યને પામવાની ઝંખના, કોઈ પણ વિષયને જાણવાની ઉત્કટ જિજ્ઞાસા અને તે વિષયના મૂળ સુધી પહોંચવાની અને એના વિસ્તારને સમજવાની ધીરજ અને તાલાવેલી વગેરે રહેલાં હતાં. દીક્ષાના પહેલા વર્ષમાં મહારાજશ્રીએ દાદા-ગુરુ અને ગુરુશ્રીની નિશ્રામાં બધા
Page #4
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી
૨૧૫
પ્રકરણગ્રંથોનો ઊંડાણથી અભ્યાસ કર્યો-જાણે શાસ્ત્રીય બોધનો પાયો નંખાયો. બીજે વર્ષે વસોના શ્રાવકશ્રી ભાઈલાલભાઈ પાસે માગોંપદેશિકાનો અભ્યાસ કર્યો. તે પછી પંડિતશ્રી નિત્યાનન્દ શાસ્ત્રી પાસે સિદ્ધહેમ-લઘુવૃત્તિ, હેમ-લઘુ-પ્રક્રિયા, ચન્દ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ, દશકુમાર-ચરિત વગેરેનું પરિશીલન કર્યું. પંડિત શ્રી સુખલાલજી પાસે કાવ્યાનુશાસન, નિલકમંજરી, તર્ક-સંગ્રહ ને છંદાનુશાસનનો અભ્યાસ કર્યો. આ ગ્રંથોના અભ્યાસ નિમિત્ત અને પંડિતજીના બહોળા જ્ઞાનને લીધે બીજી અનેક બાબતો પણ આપમેળે સમજમાં આવતી ગઈ. સાથે સાથે પ્રતોનાં પાઠારો કરવાનું અને સંશોધન કરવાનું કામ ચાલતું રહ્યું. દીક્ષા બાદ આ રીતે શાસ્ત્રાભ્યાસ તેમજ સંશોધન કાર્ય સાથે ચાલતાં, તેમાં પંડિત સુખલાલજીનો ઘણો ફાળો હતો.
પંડિત સુખલાલજી વિષે મહારાજશ્રી પોતે કહે છે, “શ્રીમાન પંડિત સુખલાલજી મારા વિદ્યાગુરુ છે. આપણા જીવનની પ્રગતિ માટેનાં જે વિવિધ અંગો છે તેમાં વિદ્યાગુરુ એક વિશિષ્ટ અંગ છે. મારા જીવનમાં મેં જે અનેક સાધુ, વિદ્યાગુરુઓ અને ગૃહસ્થ વિદ્યાગુરુઓ મેળવ્યા છે એ સૌમાં સર્વોચ્ચ સ્થાને હું બે વ્યક્તિઓને આપું . તેમાં પ્રથમ સ્થાન પૂજ્ય-પ્રવર, સતત જ્ઞાનોપાસના પરાયણ, અનેક જ્ઞાનભંડારોના ઉદ્ધારક, યવસ્થાપક અને શ્રી જૈન આત્માનંદ ગ્રંથરત્નમાળાના સંપાદક શ્રી ચતુરવિજયજી મહારાજનું છે, જેઓ મારા દીક્ષા-ગુરુ અને શિક્ષા-ગુરુ છે... બીજું સ્થાન પંડિતશ્રી સુખલાલજીનું છે, જેમણે મને એકાંત આત્મીય ભાવે અધ્યયન કરાવ્યું છે તેમજ પ્રસંગે પ્રસંગે મને અનેક વિષયોનું જ્ઞાન પુસ્તકો દ્વારા નહીં પણ મોઢેથી જ આપીને મારી દૃષ્ટિને વિશદ બનાવી છે.”
જ્ઞાનોદ્વારનું ઉત્તમ કાર્ય : જ્ઞાનોદ્વારમાં તેઓએ અસાધારણ અને ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ કરી સમાજને ઘણો લાભ આપ્યો છે. થોડીક પ્રાચીન હસ્તપ્રતો તેમની આગળ મૂકી દઈએ અથવા તો એકાદ હસ્તલિખિત ભંડારની વચ્ચે તેઓશ્રીને બેસાડી દઈએ તો તેઓ આહાર, આરામ ને ઊંઘને વીસરીને એમાં એવા તન્મય બની જતા કે જાણે કોઈ ઊંડા આત્મ-ચિતનમાં ઊતરી ગયેલ યોગીરાજ જ જોઈ લો ! એમને આ રીતે જ્ઞાનોદ્વારના કાર્યમાં નિરન જોવા એ પણ એક લહાવો હતો.
આગમ–પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે એકલે હાથે જે કામ કરી ગયા તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. એનું મૂલ્યાંકન કરવાનું આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈનસંધને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે. તેમણે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે તે નીચે પ્રમાણે છે:
ગ્રંથભંડારોનો ઉદ્ધાર: મુનિશ્રીએ ગુરુજી–દાદાગુરુજીને મળીને લીંબડી, પાટણ, ખંભાત, વડોદરા, ભાવનગર, પાલિતાણા, અમદાવાદ, ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના સંખ્યાબંધ ગ્રંથભંડારોને તપાસી એમને સુવ્યવસ્થિત કરી, કેટલાકની
Page #5
--------------------------------------------------------------------------
________________
૨૧૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
યાદીઓ તૈયાર કરી આપી અને કેટલાકની સવિસ્તર સૂચિઓ મુદ્રિત કરાવી આપી. વળી
ક્યાંક ક્યાંક તો “પરો, બંધનો, ડાબડા કે પેટીઓ અને કબાટ સુધ્ધાંની વ્યવસ્થા કરવી. કેટલાય પ્રાચીન ગ્રંથભંડારોને નામશેષ થતા બચાવી લીધા. આ માટે એમણે જે જહેમત ઉઠાવી અને જે કષ્ટ-સાધ્ય વિહારો કર્યા ને બિના મૃત-રક્ષાના ઇતિહાસમાં સોનેરી અક્ષરે અંકિત થઈ રહે તેવી છે. તેમાંય જેસલમેરના ભંડારોની સાચવણી માટે સોળ સોળ મહિના સુધી તેઓએ જે તપ કર્યું હતું અને કષ્ટ ઉઠાવ્યું હતું એનો ઇતિહાસ તો જેવો પ્રેરક છે એવો જ રોમાંચક પણ છે. આ કાર્યમાં જેમ અનેક મુશ્કેલીઓ આવી તેમ તેમાં સહાયકો પણ આપમેળે આવી મળ્યા હતા. આ સાથે ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને નામે એક જાજરમાન વિદ્યાતીર્થની સ્થાપના થઈ. પૂ. મહારાજશ્રીએ પોતાના હસ્તલિખિત અને મુદ્રિન હજારો મૂલ્યવાન ગ્રંથોનો અમૂલ્ય ખજાનો એ સંસ્થાને ભેટ આપી દીધો. કળાનો આ ભંડાર મહારાજશ્રીની નિ:સ્પૃહતા, અનાસક્તિ અને લોકોપકારની વૃત્તિની કીર્તિગાથા હંમેશાં સંભળાવતો રહેશે.
આગમસંશોધનના વિરાટ કાર્યની આગેકૂચ: આગમ-સૂત્રો તો જૈન ધર્મ અને સંસ્કૃતિની જીવાદોરી છે. વિવિધ વિષયને સ્પર્શતા વિપુલ જૈન સાહિત્યના સર્જનના મૂળમાં મુખ્યત્વે આગમસૂત્રનો જ રહેલાં છે. જેન આગમોનો અદ્યતન ઢબે અભ્યાસ કરી તેની પુનર્વાચનાઓ તૈયાર કરવાનો જબરદસ્ત પુરુષાર્થ તેમણે કર્યો. પિસ્તાળીસ જેટલા જૈન આગમોનો, એમની નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકાઓનો કેટલાંક વર્ષો સુધી એમણે મૂક અભ્યાસ કર્યો. પછી બે-ત્રણ સંનિષ્ઠ લહિયાઓની મદદથી એમણે સંપાદનો તૈયાર કરવા માંડયાં. એ લહિયાઓને ચૂકવવાના પૂરા પૈસાની પણ સગવડ નહોતી છતાં પોતાનું અયાચક-વન એમણે છોડ્યું નહીં. ૧૯૪૭–૪૮માં શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈને આ વાતની ખબર પડી. એમણે મુનિશ્રીનું આ કાર્ય નિહાળ્યું અને પ્રસન્ન થઈ લહિયાઓનું લહેણું ભરપાઈ કરવાનું વચન આપ્યું. એટલું જ નહીં પણ મુનિશ્રીને પોતાનું સંશોધનકાર્ય આગળ ધપાવવામાં સર્વ રીતે સહાય કરવાનું પણ માથે લીધું. આ આગમોની છેલ્લી વાચનાઓ આજથી લગભગ પંદર સો વર્ષ પૂર્વ વલભીપુરમાં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમાણના માર્ગદર્શન નીચે તૈયાર થયેલી. ત્યાર પછી છેક આ કાળે મુનિશ્રી પુણ્યવિજયજીએ અપાર પુરુષાર્થથી જે નવી વાચનાઓ તૈયાર કરી તે જૈન ધર્મમાં અને આ સદીના સંપાદનક્ષેત્રમાં અમૂલ્ય અને અદ્વિતીય પ્રદાન લેખાશે. આમાંના બે ગ્રંથો, ચૂર્ણિ સાથેનું નંદી-સૂત્રમ્ અને વિવિધ ટીકાઓ સાથેનું નંદી-સૂત્રમ્ ૧૯૬૬-૬૮માં છપાઈ પ્રગટ થયાં. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને “આગમ–પ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે. વળી કપડવંજનો ઉત્સવ', “વડોદરાનો સમારોહ” અને “મુંબઈ ચાતુર્માસ પરિવર્તનમાં જે પૈસા શુભ ઉપયોગ માટે આવ્યા તે પણ આગમ-પ્રકાશન માટે આપી દીધા.
મુનિશ્રીએ અનેક જ્ઞાન-ભંડારોનો ઉદ્ધાર નીચે પ્રમાણે કર્યો છે : (૧) હસ્તલિખિત પ્રતોને સુરક્ષિત બનાવી.
Page #6
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનોદ્ધારક મુનિશ્રી પુણ્યવિજયજી
૨૧૭
(૨) પ્રનોનું માહિતીપૂર્ણ સૂચિપત્ર તૈયાર કરાવ્યું.
(૩) ભારતમાં અને વિદેશમાં વસતા અભ્યાસી વિદ્વાનોને તે પ્રતો સહેલાઈથી મળી શકે અને તેનો તેઓ સદુઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરાવી.
(૪) હસ્તલિખિત પ્રતોનું સંકલન કર્યું. પ્રતનાં પાનાંઓની ભેળસેળ થઈ ગઈ હોય તો તેને વાંચીને ક્રમબદ્ધ વ્યવસ્થિત કરી, ફાટેલાં પાનાંને સરખાં કર્યા અને તે લાંબો સમય જળવાઈ રહે તે માટે યોગ્ય ઔષધો અને ઉધઈ ન લાગે તેવા ઉપાયોનું અવલંબન લીધું.
(૫) પ્રાચીન શાસ્ત્રો, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ; લાકડાની, ધાતુની કે બીજી કલાસામગ્રી, નાનીમોટી મૂર્તિઓ અને સચિત્ર હતપ્રતો વગેરે પ્રાપ્ત ક્ય, સુરક્ષિત બનાવ્યાં અને અભ્યાસીને ઉપયોગી થાય તે રીતે તેમને વર્ગીકૃત કર્યા.
આ બધું જ્ઞાનોદ્ધારનું કાર્ય તેઓએ પોતાની આગવી કોઠાસૂઝ, દીર્ધદષ્ટિ, સતત ઉદ્યમ, નિ:સ્પૃહતા અને જૈન ધર્મ પ્રત્યેની અપૂર્વ ભક્તિથી પ્રેરાઈને જ કર્યું હતું. આ કાર્યની પ્રેરણા તેમને શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજ, શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રી ચતુરવિજયજી મહારાજ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, ઇત્યાદિ મહાપુરુષો' દ્વારા પ્રાપ્ત થઈ હતી. તેમના તરફથી સતત માર્ગદર્શન પણ મળ્યા કરતું હતું.
શાનોપાસનાનું બહુમાન : મુનિશ્રીએ કરેલા જ્ઞાનોદ્ધારના મહાન અને યુગપ્રધાન કાર્યની કદર ઠીક ઠીક અંશે તેમના જીવન દરમ્યાન જ થઈ હતી. જેમ કે,
(૧) પ્રાચ્યવિદ્યામાં Ph. D.ના મહાનિબંધના તેઓ પરીક્ષક નિમાયા હતા.
(૨) સને ૧૯૫૯ ના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનના ઇતિહાસપુરાતત્ત્વ વિભાગના તેઓ પ્રમુખ બન્યા હતા.
(૩) ભાવનગર-સમાજે તેમને સુવર્ણચંદ્રક, વડોદરા-સંધે તેમને “આગમ- . પ્રભાકર” અને મુંબઈ-સમાજે વરેલી ખાતે શ્રી વિજયસમુદ્રસૂરિના સાન્નિધ્યમાં તેમને “શ્રત-શીલ-વારિધિ”ની પદવીઓથી વિભૂષિત કર્યા હતા.
(૪) સને ૧૯૭૦ માં “અમેરિકન ઑરિએન્ટલ સોસાયટી”ના તેઓ માનદ્ સભ્ય બન્યા હતી.
ઉત્તરાવસ્થા : વિદ્યાવ્યાસંગમાં તેઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. સ. ૧૯૫પની વર્ષાઋતુના દિવસો હતા. સંગ્રહણીના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતો ગયો. લગભગ દોઢ વર્ષ સુધી તેઓ પીડાયા. પરંતુ એ દરમિયાન એમને સધિયારો અપાયો. શારદા વ્યાસંગ, કથારન–કોષનું સંપાદન અને નિશીથચૂર્ણિનું અધ્યયન એમણે આ નાદુરસ્ત તબિયતમાં જ કર્યું. અહીં એમનાં જ્ઞાન, ભક્તિ અને ચિત્તની સ્વસ્થતા પ્રગટ થયાં. આખરે વિ.સં. ૨૦૧૭ના જેઠ વદી ૬, તા. ૧૪-૬–૭૧ સોમવારે રાત્રિના ૮-૫૦ના સમયે મહારાજશ્રીએ પ્રતિક્રમણ કરીને સંથારા પોરસ ભણાવી દીધી અને જાણે પોતાનો કાર્યકાળ પૂરો થયો હોય અને હંમેશને માટે સંથારો
Page #7
--------------------------------------------------------------------------
________________ 218 અર્વાચીન જૈન જયોતિર્ધરો કરવા માગતા હોય એમ શ્રી લક્ષ્મણભાઈ સાથે વાત કરતા કરતા બે-ચાર મિનિટમાં જ તેઓ સ્વર્ગવાસી થઈ ગયા. છેલ્લી પળો પૂરી સમાધિ, શાન્તિ અને સ્વસ્થતામાં વીતી; ન કોઈ વેદના કે ન કશી માયા-મમતા. વીતરાગ ધર્મના સાધક, વીતરાગ-ભાવ કેળવી પોતાના જીવનને ઉજજવળ અને ધન્ય બનાવી ગયા ! ઉપસંહાર : આ આત્મસાધક સંત પોતે પણ અનેકાંતવાદની સાક્ષાનું પ્રતિમા હતા. પોતાની તેજસ્વી બુદ્ધિને અનેકાંતના આશ્રય-જળ-સિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. બાસઠ વર્ષનું એમનું દીક્ષા જીવન એટલે અવિરત કર્મ-યાત્રા અને અખંડ જ્ઞાનયજ્ઞ એક સાચા વિદ્વાનને છાજે એ રીતે તેઓ આજીવન વિદ્યા-અર્થી જ રહ્યા. પુણ્યવિજ્યજી એટલે નખશિખ વિદ્યાથી. આમ વિષે એક આદર્શચરિત સંતને ગુમાવ્યા, જૈન સમાજે આદર્શ પુરુષ અને સાહિત્યસેવીને ગુમાવ્યા. આગમ સાહિત્યના ક્ષેત્રને એક વિરલ વિભૂતિની ખોટ પડી. આગમ–પ્રભાકર, શીલના ઉપાસક, દીર્ધ તપસ્વી, મૂક સાહિત્યસેવી, વિદ્વાન મુનિ-રત્ન શ્રી પુણ્યવિજયજીની ચિરવિદાયથી આપણને કેટલી ખોટ પડી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. એમના જવાથી જૈન સમાજે એક મહામૂલું રત્ન ગુમાવ્યું. પણ હવે તો એ જ્ઞાનજ્યોતિનું સ્મરણ, વન્દન અને યથાશક્તિ અનુસરણ કરવું એ જ આપણા હાથની અને હિતની વાત છે. *